કોહલીના નિવેદન બાદ BCCIમાં હોબાળો: અધિકારીએ કહ્યું, ખબર નથી પડતી કે કોના વિશે બોલી રહ્યા છે !

06 September 2022 12:05 PM
Sports
  • કોહલીના નિવેદન બાદ BCCIમાં હોબાળો: અધિકારીએ કહ્યું, ખબર નથી પડતી કે કોના વિશે બોલી રહ્યા છે !

તેમને જરૂર હતી ત્યારે બ્રેક આપ્યો છે, ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ બોર્ડના અધિકારીઓએ સોશ્યલ મીડિયા થકી આગળના ભવિષ્ય માટે શુભકામના પણ આપી’તી

નવીદિલ્હી, તા.6 : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે એશિયા કપમાં વ્યસ્ત છે. તેણે પોતાની ત્રણેય મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જૂનું ફોર્મ પરત મેળવી લીધું છે. આ બધાની વચ્ચે કોહલીએ તાજેતરમાં જ એક નિવેદન આપીને સૌને ચોંકાવ્યા છે. કોહલીએ પાકિસ્તાન સામેની મેચ બાદ ભાવુક થઈને કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત કોઈએ તેને મેસેજ પણ કર્યો નહોતો. હવે કોહલીના આ જ નિવેદન ઉપર ખળભળાટ શરૂ થઈ ગયો છે.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સહિત અધિકારી પણ પોતાનો પક્ષ રાખી રહ્યા છે. આ શ્રેણીમાં બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે કોહલીને તમામ લોકોએ સહકાર આપ્યો છે ત્યારે તેઓ કયા વિષયમાં બોલી રહ્યા છે ખબર પડતી નથી. બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે વિરાટને તમામ લોકો તરફથી સહકાર મળ્યો છે જેમાં બોર્ડથી લઈ ખેલાડીઓ સામેલ છે. જો કોહલી એમ કહેતાં હોય કે તેને સપોર્ટ નથી મળ્યો તો તે વાત સદંતર ખોટી છે. જ્યારે તેને જોઈતો હતો ત્યારે બ્રેક આપવામાં આવ્યો છે. જ્યારે તેમણે ટેસ્ટની કમાન છોડી હતી

ત્યારે પણ બીસીસીઆઈના અધિકારીઓએ સોશ્યલ મીડિયા પર તેને શુભકામના પાઠવી હતી એટલા માટે હું સમજી નથી શકતો કે આખરે કોહલી કોના વિશે બોલી રહ્યા છે. અધિકારીએ એમ પણ કહ્યું કે કોહલી અને બીસીસીઆઈ વચ્ચે કોઈ જ મતભેદ નથી. તેમણે ભારતીય ક્રિકેટમાં જે યોગદાન આપ્યું છે તેનું સૌ સન્માન કરે છે. તે ત્રણેય ફોર્મેટ માટે શ્રેષ્ઠ અને મહત્ત્વના ખેલાડી છે. તેમણે એકદમ યોગ્ય સમયે ફોર્મ પરત મેળવી લીધું છે. અમારી ઈચ્છા છે કે તેઓ સતત રન બનાવતા રહે. તેમનું આ ફોર્મ ટી-20 વર્લ્ડકપ માટે અત્યંત મહત્ત્વનું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement