યુએસ ઓપનમાં મોટો ઉલટફેર: નડાલને 12 વર્ષ નાના ખેલાડીએ આપ્યો પરાજય

06 September 2022 12:08 PM
Sports
  • યુએસ ઓપનમાં મોટો ઉલટફેર: નડાલને 12 વર્ષ નાના ખેલાડીએ આપ્યો પરાજય

વર્લ્ડ નં.3 નડાલને વિશ્વના 26મા ક્રમાંકિત ફ્રાન્સીસે 3 કલાક 34 મિનિટ સુધી ચાલેલા મેચમાં આપી હાર: આ વર્ષે બે ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નડાલને લાગ્યો મોટો ઝટકો

નવીદિલ્હી, તા.6 : સૌથી વધુ 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ ઉલટફેરનો શિકાર થયો છે. વર્લ્ડ નંબર-3 નડાલને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં અમેરિકી ટેનિસ ખેલાડી અને દુનિયાના 26મા ક્રમાંકિત ફ્રાન્સીસ ટિયાફોએ હરાવી દીધો છે. ટેનિસની દુનિયા અને ખાસ કરીને લાલ જાજમના બાદશાહ નડાલને ફ્રાન્સીસે ચાર સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 4-6, 6-4, 6-3થી હરાવ્યો છે. 24 વર્ષીય ફ્રાન્સીસ અને 36 વર્ષીય નડાલ વચ્ચે આ મેચ ત્રણ કલાક 34 મિનિટ સુધી ચાલ્યો હતો.

આ વર્ષે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા નડાલને એક મોટો ઝટકો લાગી ગયો છે. તેણે આ વર્ષના શરૂઆતી બે ગ્રાન્ડ સ્લેમ ઑસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન ખીતાબ જીત્યા હતા. વિમ્બલ્ડનમાં નડાલ સેમિફાઈનલ સુધી પહોંચી ગયો હતો. નડાલે પોતાના કરિયરમાં રેકોર્ડ 22 ગ્રાન્ડસ્લેમ ખીતાબ જીત્યા છે જેમાં 14 વાર ફ્રેન્ચ ઓપન, ચાર વાર યુએસ ઓપન, બે વાર વિમ્બલ્ડન અને બે વાર ઑસ્ટ્રેલિયન ઓપન સામેલ છે. આ જીત સાથે જ ફ્રાન્સીસ ટિયાફોએ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

અહીં તેનો મુકાબલો રશિયાના આંદ્રેઈ રુબલેવ સામે થશે. યુએસ ઓપનના ઈતિહાસમાં ફ્રાન્સીસે પહેલીવાર અંતિમ-8માં જગ્યા બનાવી છે. 2015થી યુએસ ઓપન રમી રહેલો ફ્રાન્સીસ બેવાર ચોથા રાઉન્ડથી બહાર થયો છે. આ વખતે તેણે નડાલ જેવા દિગ્ગજ ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો ફ્રાન્સીસ કોઈ પણ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં બીજીવાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે. આ પહેલાં તે 2019માં ઑસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો જ્યાં તેને હાર મળી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement