1020 દિવસ બાદ કોહલીની ‘વિરાટ’ સદી: અનેક રેકોર્ડ તોડી નાખ્યા

09 September 2022 11:23 AM
India Sports World
  • 1020 દિવસ બાદ કોહલીની ‘વિરાટ’ સદી: અનેક રેકોર્ડ તોડી નાખ્યા

♦ 70મી સદીથી 71મી સદી બનાવવા માટે કોહલીને લાગી 83 ઈનિંગ; આ દરમિયાન નવવાર 0 ઉપર પણ આઉટ થયો: છેલ્લે કોહલીએ બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સેન્ચુરી બનાવી’તી

♦ સાંગાકારાને પાછળ છોડ્યો, પોન્ટીંગની કરી બરાબરી, હવે સદી મામલે કોહલી કરતાં સચિન જ આગળ: ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનારો બીજો બેટર: આ ફોર્મેટમાં કોહલીએ બનાવી પહેલી સદી

નવીદિલ્હી, તા.9
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. એશિયાકપ-2022માં અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ આ કમાલ કરી છે. આ સાથે જ 1020 દિવસ બાદ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી બનાવી છે જ્યારે અનેક રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યા છે.

કિંગ કોહલીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી બે વર્ષ નવ મહિના અને 16 દિવસ પહેલાં બનાવી હતી. તેણે છેલ્લી સદી 23 નવેમ્બર-2019 (ટેસ્ટ 22 નવેમ્બરે શરૂ થઈ હતી)માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં બનાવી હતી જે એકમાત્ર ટેસ્ટ મેચ હતી. આ મેચ ડે-નાઈટ હતી. જો કે ત્યારપછી કોહલી સદી બનાવી શક્યો નહોતો.

70મી સદીથી 71મી સદી વચ્ચે કોહલીએ કુલ 83 આંતરરાષ્ટ્રીય ઈનિંગ રમી છે અને 84મી ઈનિંગમાં પોતાની સદી પૂર્ણ કરી છે. આ દરમિયાન કોહલીએ 73 મેચની 84 ઈનિંગમાં 2830 રન બનાવ્યા છે અને તેની સરેરાશ 37.73ની રહી છે. કોહલીએ આ દરમિયાન 26 ફિફટી બનાવી હતી પરંતુ સદી બનાવી શક્યો નહોતો. આ કાર્યકાળમાં કોહલી નવ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝીરો પર આઉટ થયો હતો.

આ સદીની ઈનિંગ સાથે કોહલીએ અનેક રેકોર્ડ પણ તોડ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે તે સૌથી વધુ સદી બનાવનારો બીજો બેટર બની ગયો છે. ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે ક્રિકેટમાં 71 સદી બનાવી છે અને હવે કોહલીની પણ એટલી જ સદી થઈ છે. હવે કોહલી કરતાં આગળ માત્ર સચિન તેંડુલકર છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી પૂર્ણ કરી છે. એક્ટિવ ક્રિકેટરમાં અત્યારે વિરાટ કોહલી ટોચ પર છે.

વિરાટ કોહલીએ આ ઈનિંગમાં અન્ય રેકોર્ડ પણ બનાવ્યા છે. તેણે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોતાના 3500 રન પૂર્ણ કર્યા છે. સાથે જ તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનારો બીજો ખેલાડી બન્યો છે. તેના કરતાં આગળ માત્ર કેપ્ટન રોહિત શર્મા જ છે. કોહલીના ટી-20માં હવે 104 મેચની 96 ઈનિંગમાં 3584 રન છે. તેની સરેરાશ 51.94ની છે. કોહલીના નામે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 32 ફિફટી અને એક સદી છે.

હું હંમેશા સાથે જ છું: કોહલીની સદી બાદ અનુષ્કાએ લૂંટાવ્યો પ્યાર...
અફઘાન સામે સદી બનાવ્યા બાદ કોહલીની રમતના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે ત્યારે આ ઈનિંગનો શ્રેય કોહલીએ પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકાને આપ્યો છે. દરમિયાન અનુષ્કાએ કોહલીના સદી બાદ સેલિબ્રિેશનની તસવીર શેયર કરતાં લખ્યું કે કોઈ પણ વસ્તુમાં હું હંમેશા તમારી સાથે છું. આ સાથે તેણે દિલનું ઈમોજી પણ બનાવ્યું છે.

વન-ડાઉન નહીં, ઓપનિંગ માટે કોહલી બેસ્ટ: ટી-20માં તમામ સદી વિરાટે ઓપનર તરીકે જ બનાવી
ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની પહેલી સદી બનાવનાર કોહલી સામાન્ય રીતે વન-ડાઉન મતલબ કે ત્રીજા ક્રમે બેટિંગમાં આવે છે પરંતુ તે ઓપનિંગ માટે બેસ્ટ હોય તેવું પણ અત્યારે સૌ માની રહ્યા છે કેમ કે ટી-20માં કોહલીએ બનાવેલી તમામ સદી ઓપનર તરીકે જ બનાવી છે.

કોહલીની આ ઓવરઓલ ટી-20 મતલબ કે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય કરિયરની મળી છઠ્ઠી સદી છે. તમામ સદી તેણે ઓપનર તરીકે જ બનાવી છે. પાંચ સદી કોહલીએ આઈપીએલ અને એક સદી અફઘાનિસ્તાન સામે ઓપનિંગ કરતાં બનાવી છે.

 


Related News

Advertisement
Advertisement
Advertisement