સૌરાષ્ટ્ર-કચ્છમાં અશ્રુના તોરણ સાથે ગણપતિને આપી વિદાય : ગણેશોત્સવનું સમાપન

09 September 2022 11:25 AM
kutch Rajkot Saurashtra Top News
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં અશ્રુના તોરણ સાથે ગણપતિને આપી વિદાય : ગણેશોત્સવનું સમાપન

► ગાઇએ ગણપતિ જગવંદન : ‘અગલે બરસ તું જલ્દી આ’ના ભાવ અભિવ્યકિત સાથે

► રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિ વિસર્જનમાં તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા : ગણેશ વિસર્જન માટે રાત સુધીના શુભ મુહૂર્તો : રાજકોટમાં સવારથી જ આપવામાં આવી રહી છે ગણપતિની પ્રતિમાને વિદાય : મોરબીમાં સામુહિક ગણેશ વિસર્જન : કાલથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ

રાજકોટ, તા. 9
ગાઇએ ગણપતિ જગવંદન... રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થશે. તા. 31મી ઓગષ્ટના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થશે.

સૌરાષ્ટ્રમાં નિશ્ચીત કરાયેલા જળકુંડોમાં હજારો ગણપતિને પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી રહીછે. ગણેશ વિસર્જનના 6.25 થી શુભ મુહૂર્તો છે. સાંજે 5.15 થી 6.48, રાત્રે 9.42 થી 11.10 તથા રાત્રે 12.37 થી 2.04 સુધી શુભ ચોઘડીયા છે. ગણેશ વિસર્જન માટે સ્થાનિક સુધરાઇ, જિલ્લા તંત્રએ વિસર્જન સ્થળો નકકી કર્યા છે અને નિર્વિઘ્ને વિસર્જન વિધિ સંપન્ન થાય તે માટે બંદોબસ્ત કરાયો છે.

રાજકોટમાં પાળ ગામ જખરા પીરની દરગાહ પાસે, ન્યારા ગામના પાટીયા પાસે ખાણમાં, કાલાવડ રોડ, વાગુદડ પાટીયા પછી પુલ નીચે, આજી ડેમ પાસે સહિતના સાત સ્થાનો તંત્ર દ્વારા નિશ્ચીત થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામકંડોરણા, ભાટીયા, સાવરકુંડલા, કોટડા સાંગાણી સહિતના શહેરો-ગામોમાં ઠેર ઠેર ગણેશોત્સવની કોરોનાના બે વર્ષ બાદ ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ગઇકાલે સાંજે ભકિતભાવ અને ઉત્સાહપૂર્વક ગણપતિની આરતી સહિતના ધર્મોત્સવ યોજાયા હતા.

મોરબી
મોરબી શહેરમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે અનઇચ્છનીય બનાવ ન બને તે માટે દર વર્ષની જેમાં પાલિકા દ્વારા સામૂહિક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને જુદીજુદી ચાર જગ્યાએ લોકો પાસેથી મૂર્તિઓ લેવામાં આવશે અને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે

મોરબીમાં શેરી-ગલીમાં અને પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો આરતી, પૂજા, અર્ચન કરી રહયા છે અને હવે ગણપતિ દાદાને ભારે હૈયે લોકો વિદાય આપવાના છે ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી કોઈના મોત જેવીઓ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તા 9 ના રોજ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનાળા રોડે સ્કાય મોલ પાસે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ લેવામાં આવશે

અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓને જૂની આર.ટી.ઓ. કચેરી પાછળ મચ્છુ-3 ડેમ પાસે સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવશે તેના માટે પાલિકા દ્વારા એક બોટ, 10 તરવૈયા, 50 થી વધુ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ રાખવામા આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement