કોહલીની કમાલ-ભુવનેશ્વરની ધમાલ: T20માં પોતાની બીજી ‘વિશાળ’ જીત મેળવતી ટીમ ઈન્ડિયા

09 September 2022 11:33 AM
India Sports
  • કોહલીની કમાલ-ભુવનેશ્વરની ધમાલ: T20માં પોતાની બીજી ‘વિશાળ’ જીત મેળવતી ટીમ ઈન્ડિયા

♦ સુપર-4ની અંતિમ મેચમાં ભારત સામે અફઘાનિસ્તાન 101 રને પરાજિત: કોહલીએ માત્ર 53 બોલમાં ઝૂડ્યા અણનમ 122 રન, ભુવનેશ્ર્વરે માત્ર ચાર રન આપીને ખેડવી પાંચ વિકેટ

♦ રોહિત-હાર્દિક સહિતનાની ગેરહાજરીમાં ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન: આ પહેલાં 2018માં આયર્લેન્ડને 143 રને હરાવ્યું’તું

નવીદિલ્હી, તા.9
ટીમ ઈન્ડિયાએ જીત સાથે એશિયા કપ-2022માં પોતાના અભિયાનનો અંત આણ્યો છે. ટીમે સુપર-4માં પોતાના અંતિમ મુકાબલામાં ભારતે અફઘાનિસ્તાનને 101 રનના મોટા અંતરથી હરાવ્યું છે. પહેલાં બેટિંગ કરતાં ભારતે 212 રન બનાવ્યા હતા જેમાં વિરાટ કોહલીના 122 રન મુખ્ય હતા. આ પછી બોલિંગમાં ભુવનેશ્વર કુમારે કમાલ કરતાં પાંચ બેટરોને પેવેલિયન મોકલી દેતાં અફઘાનની ટીમ 111 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ટી-20માં પોતાની બીજી સૌથી વિશાળ જીત મેળવી છે. આ પહેલાં તેણે 2018માં આયર્લેન્ડને 143 રને હરાવ્યું હતું.

પહેલી જ ઓવરથી અફઘાનની બેટિંગલાઈન પાટા પરથી ઉતરી ગઈ હતી. ભુવનેશ્વર કુમારે પહેલાં હઝરતુલ્લાહ ઝઝઈ અને પછી વિકેટકિપર રહમાનુલ્લાહ ગુરબાજને ખાતું ખોલ્યા વગર જ આઉટ કર્યા હતા. આ પછી તેણે કરીમ જનત, નઝીબુલ્લાહ જાદરાત અને અમિંતુલ્લાહ ઓમરઝઈને આઉટ કર્યા હતા. એકંદરે 21 રનના સ્કોરે જ અફઘાનિસ્તાનના છ બેટર આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ રાશિદ ખાને ઈબ્રાહિમ જાદરાન સાથે મળીને ટીમને 50 રનને પાર પહોંચાડી હતી.

જો કે ત્યારપછી અફઘાન ટીમે ધીમી બેટિંગ શરૂ કરી દીધી અને ખુદને ઑલઆઉટ થવાથી બચાવ્યા હતા. ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ જાદરાને અંતિમ ઓવરમાં છગ્ગો લગાવીને ફિફટી પૂરી કરી અને ટીમના સ્કોરને પણ 100 રનને પાર પહોંચાડ્યો હતો. ભારત વતી દિનેશ કાર્તિકે અંતિમ ઓવર ફેંકી હતી. ભુવનેશ્વર કુમાર ઉપરાંત હુડ્ડા, અશ્વિન અને અર્શદીપે 1-1 વિકેટ મેળવી હતી.

આ પહેલાં વિરાટ કોહલી (અણનમ 122 રન)ની ધુંઆધાર ઈનિંગની મદદથી ભારતે બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. અફઘાન વતી ફરીદ અહમદ મલિકે બે વિકેટ મેળવી હતી. તેના પહેલાં ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં ભારતના ઓપનિંગ બેટર રાહુલ-કોહલીએ જોરદાર બેટિંગ કરતાં પાવરપ્લેમાં વિના વિકેટે 53 રન બનાવી લીધા હતા. આ પછી 10 ઓવરમાં ટીમના સ્કોરને 87રન સુધી પહોંચાડ્યો હતો.

કોહલીએ 32 બોલમાં ટૂર્નામેન્ટની ત્રીજી ફિફટી પૂર્ણ કરી હતી તો રાહુલે 36 બોલમાં ફિફટી બનાવી હતી. જો કે 13મી ઓવરમાં તે આઉટ થયો હતો. રાહુલ બાદ સૂર્યકુમાર પણ છ રન બનાવી ચાલતો થયો હતો. બે વિકેટ પડ્યા બાદ કોહલી અને પંતે વચ્ચેની ઓવરોમાં બોલરો પર જોરદાર પ્રહાર કર્યો હતો. કોહલીએ છગ્ગો લગાવીને 53 બોલમાં ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી સદી બનાવી હતી.

20મી ઓવર ફેંક્યા બાદ ફારૂકીની બોલિંગમાં કોહલીએ બે છગ્ગા અને એક ચોગ્ગા સહિત 18 રન બનાવ્યા હતા. કોહલીએ 12 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 61 બોલમાં 122 અને પંતે ત્રણ ચોગ્ગાની મદદથી 16 બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement