રાત નાની’ને વેશ જાજા: વર્લ્ડકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા પાસે હવે છ જ મુકાબલા

10 September 2022 09:56 AM
India Sports
  • રાત નાની’ને વેશ જાજા: વર્લ્ડકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા પાસે હવે છ જ મુકાબલા

15 દિવસની અંદર ઑસ્ટ્રેલિયા-આફ્રિકા સામે છ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમાશે જેમાંથી જ વર્લ્ડકપ માટેની ટીમ તૈયાર કરવી પડશે: છ ટી-20 ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં બે વૉર્મઅપ મેચ જ રમવા મળશે

નવીદિલ્હી, તા.10
એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયા પાસે હવે ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ માટે બે વોર્મઅપ સહિત આઠ મેચ જ બાકી છે. આવામાં કેપ્ટન રોહિત શર્મા-કોચ રાહુલ દ્રવિડે ઝડપથી શ્રેષ્ઠ ટીમ કોમ્બીનેશન તૈયાર કરવું પડશે. અનેક સ્ટાર ખેલાડીઓની ઈજાથી પરેશાન ટીમ વર્લ્ડકપ પહેલાં ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાની મેજબાની કરશે જેનાથી ટીમ લગભગ લગભગ નક્કી થઈ જશે.

વર્લ્ડકપ પહેલાં ઑસ્ટ્રેલિયાના વાતાવરણમાં ઢળવા માટે ટીમ ઈન્ડિયાને બે વોર્મઅપ મેચ પણ રમવાની તક મળશે. ટીમે અત્યાર સુધી ન તો ઑસ્ટ્રેલિયા કે ન તો આફ્રિકા શ્રેણી માટે ટીમનું એલાન કર્યું અને ન તો ટી-20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી પરંતુ માનવામાં આવે છે જે જે ખેલાડીઓને ભારત ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા માટે પસંદ કરશે તે જ ઑસ્ટ્રેલિયા માટે ઉડાન ભરશે.

વર્લ્ડકપ પહેલાં 15 દિવસની અંદર છ ટી-20 મુકાબલા રમાશે. ઑસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો પ્રારંભ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ પછી બન્ને ટીમો વચ્ચેની ટક્કર 23 અને 25 સપ્ટેમ્બરે ક્રમશ: નાગપુર અને હૈદરાબાદમાં થશે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી બાદ ભારતે આફ્રિકાની મેજબાની પણ કરવાની છે.

આફ્રિકાના ભારત પ્રવાસનો પ્રારંભ 28 સપ્ટેમ્બરથી થશે. શ્રેણીની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાશે. જ્યારે 2 અને 4 ઑક્ટોબરે રમાનારા અન્ય બે મુકાબલા ક્રમશ: ગૌહાટી અને ઈન્દોરમાં રમાશે. આફ્રિકાને ભારત પ્રવાસે ટી-20 શ્રેણી ઉપરાંત ત્રણ વન-ડે મેચની શ્રેણી પણ રમવાની છે.


Related News

Advertisement
Advertisement
Advertisement