નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

10 September 2022 03:08 PM
Rajkot Sports
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!
  • નેશનલ ગેમ્સના હૉકી ખેલાડીઓને રહેવા-જમવા માત્ર 300 રૂપરડી: સુવિધા કોઈ જ નહીં !!

♦ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરના, સુવિધા ‘શેરીરમત’ જેવી પણ નહીં

♦ આજથી સિલેક્શન કેમ્પ શરૂ થઈ રહ્યો છે તે રેસકોર્સ હૉકી ગ્રાઉન્ડમાં ગર્લ્સ ખેલાડીઓ માટે ‘વોશરૂમ’ પણ નથી: મેદાનમાં પાણી છાંટવાના છમાંથી ચાર વોટરગન બંધ; ખેલાડીઓના ભયંકર ઈજાગ્રસ્ત થવાનું જોખમ

♦ દેખાડો મોટો પણ ખેલાડીઓ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરાતાં ઉહાપોહ: 300 રૂપિયામાં જમવાનું અને નાસ્તાનું માંડ પૂરું થતું હોવાથી ખેલાડીઓ ધર્મશાળામાં રહેવા માટે મજબૂર

♦ પાણીની વ્યવસ્થાના પણ ફાંફા: આ રીતે ગુજરાતની ટીમ નેશનલ ગેમ્સ જીતશે ?

♦ 22 તારીખ સુધી ચાલનારા કેમ્પમાંથી જ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ગર્લ્સ-બોયઝની ટીમ તૈયાર કરાશે

રાજકોટ, તા.10
ગુજરાતના આંગણે સૌપ્રથમવાર 27 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર દરમિયાન અત્યંત પ્રતિષ્ઠિત એવી નેશનલ ગેમ્સ રમાવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ શાનદાર રીતે રમાય તે માટે વિવિધ રમતોની યજમાની મેળવનાર તમામ શહેરોમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. નેશનલ ગેમ્સ અંતર્ગત 2 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર દરમિયાન રાજકોટમાં હૉકી અને સ્વિમિંગ ટૂર્નામેન્ટ રમાવાની છે. જેમાં હજારોની સંખ્યામાં ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.

જો કે રાજકોટમાં ક્રિકેટ સિવાય અન્ય રમતોને પૂરતો ‘ભાવ’ ન અપાતો હોવાને કારણે હજુ સુધી અન્ય રમતો મામલે રાજકોટ ઘણું જ પાછળ છે તેમ કહેવામાં કોઈ જ અતિશ્યોક્તિ નથી. આ વાતને વધુ એકવાર સમર્થન મળતું હોય તેવી રીતે નેશનલ ટૂર્નામેન્ટમાં ગુજરાતની હૉકી ટીમ તૈયાર કરવા માટે આજથી સિલેક્શન કેમ્પ શરૂ થઈ ચૂક્યો છે. જો કે આશ્ર્ચર્યજનક રીતે ટૂર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને ‘પાવલી’ જેવી સુવિધા આપવામાં આવી રહી હોય તેમ દરેક ખેલાડીને રહેવા-જમવા-નાસ્તા માટે માત્ર રૂા.300 જેવી મામૂલી રકમ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સ માટે હૉકીની ટીમ તૈયાર કરવા માટે આજથી 30 બોયઝ અને 30 ગર્લ્સ માટે સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આજથી શરૂ થઈ તા.22 સુધી ચાલશે મતલબ કે 12 દિવસ સુધી ખેલાડીઓ તનતોડ પ્રેક્ટિસ કરીને પોતાના રાજ્ય વતી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે મહેનત કરશે. ખેલાડીઓ માટે ભલે ફાઈવસ્ટાર કક્ષાની સુવિધા ઉપલબ્ધ ન કરવામાં આવે પરંતુ તેઓ આરામથી રહી શકે, જમી શકે તેવી વ્યવસ્થા કરવી તો જરૂરી બની જ જાય છે.

દૂર્ભાગ્યની વાત એ પણ છે કે સિલેક્શન કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રત્યેક ખેલાડીદીઠ રૂા.300 રૂપરડી આપવામાં આવી છે. આટલા રૂપિયામાં ખેલાડીએ રહેવા માટેનો, જમવા માટેનો અને સવારના નાસ્તાની વ્યવસ્થા કરવાની રહેશે ! હવે એ વાત અત્રે કહેવાની જરૂર લાગી રહી નથી કે આટલા રૂપિયામાં માત્ર જમવાનું અને નાસ્તાનું જ પૂરું થઈ શકે, રહેવા માટે કશું જ ન બચે એટલા માટે ખેલાડીઓએ રહેવા માટે ક્યાં જવું તેવી મુંઝવણ ઉભી થઈ જતાં તંત્ર દ્વારા રમતવીરોને અત્યારે ધર્મશાળામાં રાખવાની નોબત આવી છે. આ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા આનન-ફાનનમાં કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ખેલાડીઓને પડતી અગવડતાથી જ વાત પૂર્ણ ન થઈ રહી હોય તેવી રીતે જ્યાં આ ટૂર્નામેન્ટ રમાવાની છે તે હૉકી ગ્રાઉન્ડ (રેસકોર્સ)ની હાલતમાં પણ હજુ સુધી કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. આજથી શરૂ થઈ રહેલા કેમ્પમાં ગર્લ્સ ખેલાડીઓ પણ ભાગ લેવાની છે ત્યારે દુ:ખની વાત એ છે કે હજુ સુધી તેમના માટે ‘વોશરૂમ’ની ક્યાંય પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી !

જો કોઈ ખેલાડીએ વોશરૂમ જવું હોય તો તેમણે કેમ્પ છોડીને પહેલાં ઈનડોર સ્ટેડિયમ તરફ દોટ મુકવાની રહેશે કેમ કે વોશરૂમની વ્યવસ્થા છેક ત્યાં ઉપલબ્ધ છે ! આ ઉપરાંત મેદાનને પાણી છાંટીને હરિયાળું રાખવા માટે છ જેટલી વોટરગન ઉપલબ્ધ રાખવામાં આવી છે તેમાંથી ચાર વોટરગન અત્યારે બંધ હોવાથી ગ્રાઉન્ડસ્ટાફે હાથેથી પાઈપ મારફતે પાણીનો છંટકાવ કરવો પડી રહ્યો છે. જો આ પ્રકારની વ્યવસ્થા જ રહેશે તો કેમ્પ દરમિયાન અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

ખેલાડીઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે કે નેશનલ ગેમ્સના પ્રચાર-પ્રસાર માટે તગડો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ગેમ્સમાં ભાગ લેનારા રાજ્યના ખેલાડીઓ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નહીં આવતાં અમારી રમત કેવી રીતે રંગ લાવશે તે પણ મોટો સવાલ છે.

કમ સે કમ પ્રત્યેક ખેલાડીને 500 રૂપિયા આપવાની જરૂર
રમત-ગમતના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અત્યારે કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને 300 રૂપિયા આપવામાં આવી રહ્યા છે જે અત્યંત ઓછા છે કેમ કે આટલા રૂપિયામાં ખેલાડીઓનું કશું જ વળે નહીં, તેમણે ખીસ્સામાંથી કાઢીને પોતાનો ખર્ચ વહન કરવો પડે એટલા માટે જ રમત-ગમત વિભાગ દ્વારા પ્રત્યેક ખેલાડીને 500 રૂપિયા આપવા જ જોઈએ તો જ તેઓ વ્યવસ્થિત રીતે ભોજન લઈ શકશે અને રહી શકશે.

ટૂર્નામેન્ટ શરૂ થશે એટલે કેનોપી લાગી જશે, વોશરૂમ પણ થઈ જશે તૈયાર; અત્યારે શા માટે નહીં ?
હૉકીની ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી રાજકોટમાં રમાવાની છે ત્યારે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ટૂર્નામેન્ટમાં દર્શકો-ખેલાડીઓ બેસી શકે તે માટે કામચલાઉ ધોરણે કેનોપી લગાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ઉપર વોશરૂમ ન હોવાથી તે પણ તૈયાર કરી લેવામાં આવશે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતની ટીમ તૈયાર કરવા માટે આજથી સિલેક્શન કેમ્પ શરૂ થઈ રહ્યો છે ત્યારે શા માટે આ વ્યવસ્થા અત્યારથી જ તૈયાર કરી લેવામાં આવતી નથી ? શું ગુજરાતના ખેલાડીઓ પ્રત્યે તંત્રને કોઈ જ લાગણી નથી ?

યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ થઈ શકે તેમ ન હોવાથી 60 ખેલાડીઓ દરરોજ એક જ ગ્રાઉન્ડ પર તૈયારી કરશે
નેશનલ હોકી ટૂર્નામેન્ટ રાજકોટના બે ગ્રાઉન્ડ યુનિવર્સિટી અને રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે. જો કે અત્યારે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે તેમ ન હોવાથી સિલેક્શન કેમ્પમાં ભાગ લેનારા 60 ખેલાડીઓએ દરરોજ એક જ ગ્રાઉન્ડ ઉપર તૈયારી કરવાની રહેશે જે પણ બિલકુલ વ્યાજબી નથી કેમ કે પ્રેક્ટિસ માટે કમ સે કમ બે ગ્રાઉન્ડ હોવા જ જોઈએ.

સ્થાનિક કક્ષાની હૉકી ટૂર્નામેન્ટ વખતે ફોટો પડાવવા આવી જતાં તસવીરપ્રેમીઓ ક્યાં ખોવાઈ ગયા ?
સામાન્ય રીતે રાજકોટમાં કોઈ સ્થાનિક કક્ષાની હૉકી ટૂર્નામેન્ટ રમાય એટલે ત્યારે ફોટો પડાવવા માટે તસવીરપ્રેમીઓ ગ્રાઉન્ડ ઉપર પ્રગટ થઈ જ જાય છે ત્યારે એ પ્રશ્ર્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજકોટમાં નેશનલ કક્ષાની ટૂર્નામેન્ટ રમાવાની છે તેના પહેલાં આજથી શરૂ થનારા કેમ્પ માટે ખેલાડીઓને 300 રૂપરડી અપાઈ રહી છે અને રહેવાની સચોટ વ્યવસ્થા નથી. આ ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન વોશરૂમ પણ ઉપલબ્ધ ન હોવાની વાત શું તેમના ધ્યાન ઉપર નહીં હોય ? શું આ તસવીરપ્રેમીઓ દ્વારા વ્યવસ્થા કરવા માટે કોઈ પ્રકારની તસ્દી લેવામાં આવશે જ નહીં ?


Related News

Advertisement
Advertisement
Advertisement