45 રનમાં 7 વિકેટ ગુમાવી ‘અન્ડરડૉગ’ શ્રીલંકા સામે પાકિસ્તાન બન્યું ‘મીંદડી’: લંકા બન્યું એશિયાનું ચેમ્પિયન

12 September 2022 01:13 PM
Sports
  • 45 રનમાં 7 વિકેટ ગુમાવી ‘અન્ડરડૉગ’ શ્રીલંકા સામે પાકિસ્તાન બન્યું ‘મીંદડી’: લંકા બન્યું એશિયાનું ચેમ્પિયન
  • 45 રનમાં 7 વિકેટ ગુમાવી ‘અન્ડરડૉગ’ શ્રીલંકા સામે પાકિસ્તાન બન્યું ‘મીંદડી’: લંકા બન્યું એશિયાનું ચેમ્પિયન

► શ્રીલંકા એક સમયે 10 ઓવરમાં પાંચ વિકેટે 67 રન જ બનાવી શક્યું’તું, છેલ્લી 10 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી 103 રન ઝૂડી કાઢ્યા: ભાનુકા રાજપક્ષેને 45 બોલમાં બનાવેલા 71 રન ‘ટર્નિંગ પોઈન્ટ’

► મોહમ્મદ રિઝવાન સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફેઈલ: પ્રમોદ મધુસનની ચાર તો વાનિંદુ હસારંગાની ત્રણ વિકેટ: આઠ વર્ષ બાદ શ્રીલંકાએ ઉઠાવ્યો એશિયા કપ

નવીદિલ્હી, તા.12 : શ્રીલંકાએ પાકિસ્તાનને એક રોમાંચક ફાઈનલ મુકાબલામાં 23 રને હરાવીને એશિયા કપ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલા આ ફાઈનલ મુકાબલામાં શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરતાં 170 રન બનાવ્યા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ હોય તેવી રીતે તેનો દરેક બેટર પત્તાની માફક ઢળી પડ્યો હતો.

પાકિસ્તાનને બેટિંગ દરમિયાન અત્યંત ખરાબ શરૂઆત મળી હતી. કેપ્ટન બાબર આઝમનું કંગાળ ફોર્મ આ મેચમાં પણ યથાવત રહ્યું હોય તેવી રીતે તે પાંચ રન બનાવીને ચાલતો થયો હતો. તેના આગલા જ બોલે ફખર જમાને પણ પેવેલિયનનો રસ્તો પકડી લીધો હતો. બે ઝટકા લાગ્યા બાદ પાકિસ્તાનને મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહમદે સંભાળી હતી અને બન્નેએ મળીને 71 રનની ભાગીદારી કરી હતી. આ બન્ને જે રીતે રમી રહ્યા હતા તેને જોતાં સ્પષ્ટ લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી જીતી જશે.

જો કે ત્યારપછી જે બન્યું તે જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયું હતું. અહીં પાકિસ્તાની બેટરો ધડાધડ આઉટ થવા લાગ્યા હતા. 102 રને પાકિસ્તાનની ચોથી વિકેટ પડી અને જોતજોતામાં 147 રને તંબુ ભેગી થઈ ગઈ હતી. શ્રીલંકા વતી પ્રમોદ મધુસને ચાર તો વાનિંદુ હસારંગાએ ત્રણ વિકેટ ખેડવીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આખી ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શ્રીલંકાને ફાઈનલમાં ખરાબ શરૂઆત મળી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકા જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે 58 રનના સ્કોરે જ તેની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ શ્રીલંકાના ટૉપ ઑર્ડરને તહેસ-નહેસ કરી નાખ્યો હતો. જો કે અંતમાં ભાનુકા રાજપક્ષે અને વાનિંદુ હસારંગા વચ્ચે 36 બોલમાં 58 રનની ભાગીદારી થઈ હતી. ત્યારપછી રાજપક્ષેએ કરુણારત્ને સાથે પણ 31 બોલમાં 54 રનની ભાગીદારી નોંધાવી હતી. ભાનુકાએ પોતાની ઈનિંગના 45 બોલમાં 71 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. શ્રીલંકાનો 10 ઓવરમાં સ્કોર 67 રને પાંચ વિકેટ હતો પરંતુ અંતની 10 ઓવરમાં તેણે માત્ર 1 વિકેટ ગુમાવીને 103 રન બનાવી નાખ્યા હતા. એક સમયે શ્રીલંકા માટે 140 રનનો સ્કોર મુશ્કેલ લાગી રહ્યો હતો પરંતુ અંતમાં તેણે 170 રનનો સ્કોર બનાવ્યો હતો.


બેટથી સલામી, ઢોલ-નગારાની ગુંજ’ને જોરદાર ડાન્સ: લંકાએ મનાવ્યું જીતનું શાનદાર જશ્ન
તમામ પ્રકારના આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમે મજબૂત ઈરાદાનો એક યાદગાર નમૂનો પ્રસ્તુત કર્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત અત્યંત નિરાશાજનક રહ્યા બાદ સીતારાવિહોણી ટીમે એશિયા કપમાં કમાલનું પ્રદર્શન કરી બતાવ્યું છે. આ જીત બાદ શ્રીલંકાના ખેલાડીઓ જીતના જશ્નમાં ડૂબ્યા હતા જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખેલાડીઓએ ઢોલ-નગારાની સાથે મન મુકીને ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત ખેલાડીઓ એકબીજાને બેટથી સલામી પણ આપી રહ્યા છે. ખેલાડીઓએ એકબીજા પર પાણી ઉડાડવા ઉપરાંત કેક પણ કાપ્યું હતું.

એશિયા કપમાં કોને-કેટલું ઈનામ
ચેમ્પિયન શ્રીલંકાને 1.20 કરોડ રૂપિયા
રનર્સ અપ પાકિસ્તાનને 60 લાખ રૂપિયા
પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ વાનિંદુ હસારંગાને 11.94 લાખ
પ્લેયર ઑફ ધ ફાઈનલ ભાનુકા રાજપક્ષેને 4 લાખ

એશિયા કપના ટોપ સ્કોરર

ખેલાડી    ટીમ  રન
મોહમ્મદ રિઝવાન  પાકિસ્તાન   281 રન
વિરાટ કોહલી     ભારત 276 રન
ઈબ્રાહીમ જાદરાન  અફઘાન 196 રન


ટોપ વિકેટટેકર

ખેલાડી    ટીમ  વિકેટ
ભુવનેશ્વર કુમાર ભારત     11 વિકેટ
વાનિંદુ હસારંગા  શ્રીલંકા      9 વિકેટ
શાદાબ ખાન    પાકિસ્તાન  8 વિકેટ


આ રીતે પત્તાની જેમ ઢળી પડ્યા પાકિસ્તાની બેટરો

1-22 બાબર આઝમ (3.2 ઓવર)  
2-22  ફખર જમાન  (3.3 ઓવર)
3-93  ઈફ્તિકાર અહમદ  (13.2 ઓવર)
4-102 મોહમ્મદ નવાઝ  (15.2 ઓવર)
5-110  મોહમ્મદ રિઝવાન (16.1 ઓવર)
6-111  આસિફ અલી  (16.3 ઓવર)
7-112 ખુશદિલ શાહ  (16.5 ઓવર)
8-120 શાદાબ ખાન  ( 18 ઓવર)
9-125 નસીમ શાહ (18.2 ઓવર)
10-147   હારિસ રઉફ (20 ઓવર)


એશિયા કપના વિજેતા
વર્ષ - ટીમ
1983 - ભારત
1985 - શ્રીલંકા
1988 - ભારત
1990 - ભારત
1994 - ભારત
1997 - શ્રીલંકા
2000 - પાકિસ્તાન
2004 - શ્રીલંકા
2008 - શ્રીલંકા
2010 - ભારત
2011 - પાકિસ્તાન
2013 - શ્રીલંકા
2016 - ભારત (ટી-20)
2018 - ભારત (ટી-20)
2022 - શ્રીલંકા (ટી-20)


Related News

Advertisement
Advertisement
Advertisement