19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ: યુએસ ઓપન જીતીને સૌથી નાની વયે બન્યો નંબર વન

12 September 2022 01:16 PM
Sports
  • 19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રચ્યો ઈતિહાસ: યુએસ ઓપન જીતીને સૌથી નાની વયે બન્યો નંબર વન

ફાઈનલમાં નોર્વેના કૈસ્પર રૂડને હરાવ્યો: પહેલું ગ્રાન્ડ સ્લેમ જીતીને પહેલી જ વાર દુનિયાનો નંબર વન ખેલાડી બન્યો કાર્લોસ

નવીદિલ્હી, તા.12 : 19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં કૈસ્પર રૂડને હરાવીને પોતાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતી લીધું છે. આ સાથે જ 19 વર્ષની ઉંમરે તે નંબર વન રેન્ક હાંસલ કરનારો સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે. યુએસ ઓપનને 32 વર્ષ બાદ સૌથી યુવા ચેમ્પિયન મળ્યો છે. કાર્લોસ યુએસ ઓપનના ફાઈનલમાં નોર્વેના કૈસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવીને પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું અને પહેલી જ વાર દુનિયાનો નંબર વન ખેલાડી બની ગયો છે.

જેવો અલ્કારેઝે મેચ પોતાના નામે કર્યો કે તે પોતાની પીઠના બળ પર પડી ગયો હતો અને રૂડને નેટ પર ગળે લગાવવા માટે કૂદતા પહેલાં પોતાના હાથને ચહેરા પર રાખી દીધા હતા. ન્યુયોર્કમાં બે સપ્તાહની ટૂર્નામેન્ટમાં પોતાના એક્રોબેટિક શૉટ, જોશ સાથે ચાહકોને રોમાંચિત કરનારા અલ્કારેઝે રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. 1973માં એટીપી રેન્કીંગ શરૂ થયા બાદથી અલ્કારેઝ દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો નંબર વન ખેલાડી બન્યો છે. સ્પેનના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેઝ અને નોર્વેના કાસ્કર રૂડ યુએસ ઓપનના ફાઈનલમાં પહોંચ્યા હતા. ખીતાબી મુકાબલામાં જે પણ જીત્યું હોત

તે પોતાની પહેલી ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતવાની સાથે જ નંબર વન તાજ પણ હાંસલ કરવાનો હતો જેમાં અલ્કારેઝે બાજી મારી લીધી છે. 19 વર્ષીય અલ્કારેઝ ઓપન એરામાં અમેરિકાના મહાન ખેલાડી પીટ સંપ્રાસ બાદ બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. પીટ સંપ્રાસે 19 વર્ષની ઉંમરમાં 1990માં યુએસ ઓપનનો ખીતાબ જીત્યો હતો. આ સાથે જ અલ્કારેઝ 1973થી શરૂ થયેલા એટીપી રેન્કીંગમાં સૌથી ઓછી ઉંમરનો નંબર વન ખેલાડી બનશે. અત્યારે આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના લ્યુટન હેવિટના નામે નોંધાયેલો હતો. હેવિટ 20 વર્ષ આઠ મહિના 23 દિવસની ઉંમરે 19 નવેમ્બર-2001માં સૌથી ઓછી ઉંમરનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો હતો.


વિમેન્સ સિંગલ્સમાં ઓન્સને હરાવીને ઈગા સ્વિતેક પહેલીવાર બની ચેમ્પિયન
જે યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી લઈ અંત સુધી સેરેના વિલિયમ્સ ચર્ચામાં રહી હતી એ ફ્લશિંગ મીડોઝને ઈગા સ્વિતેકના રૂપમાં વિમેન્સ સિંગલ્સની નવી ચેમ્પિયન મળી છે. બે વખતની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઈક્ષાએ ફાઈનલમાં ટયુનીશિયાની ઓન્સ જાવૂરને સીધા સેટમાં 6-2, 7-6થી હરાવીને પોતાનું ત્રીજું ગ્રાન્ડસ્લેમ જીત્યું છે. ઈગા યુએસ ઓપનમાં આ પહેલાં ક્યારેય ચોથા રાઉન્ડથી આગળ વધી શકી નહોતી. આ વખતે પણ નંબર વન ખેલાડી હોવા છતાં ખીતાબના દાવેદારોમાં તેનું નામ બહું ઓછું ચર્ચામાં હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement