કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતોથી વિકાસની બુલંદી સુધી

12 September 2022 05:55 PM
kutch Government Gujarat
  • કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતોથી વિકાસની બુલંદી સુધી

26 જાન્યુઆરી 2001ના અચાનક ત્રાટકેલા ભયાવહ ભૂકંપથી કચ્છમાં શું ઉથલપાથલ મચી તેનાથી આપણે સૌ વાકેફ છીએ. એક પછાત શ્રેણીમાં આવતા જિલ્લામાં તે સમયે દેશ વિદેશના મીડિયાએ ધામા નાખીને ધ્વસ્ત થયેલી ઈમારતો અને ચકનાચૂર થયેલા સપનાઓની જીવંત તસવીરો રજૂ કરીને માનવીય પીડાની પરાકાષ્ઠા વિશ્વ સમક્ષ મૂકી હતી. તે સમયે કચ્છને બેઠું કરવા માટે દેશ વિદેશથી સહાયનો ધોધ વહ્યો હતો.

રાજ્યભરમાંથી મદદ માટે સરકારના અધિકારીઓ, સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ સેવાભાવી નાગરિકો કચ્છની ગલીઓમાં ફરી રહ્યા હતાં. પક્ષના જનરલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મોદીએ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહીને કચ્છની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સ્કૂટર પર તેઓ કચ્છના ગામડાઓ ફરી વળ્યા હતા અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારીને કચ્છને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેનો સ્ટરપ્લાન ઘડી નાખ્યો હતો.

કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારેશ્રી નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં પણ કચ્છે રોડ રસ્તા, ઔદ્યોગિક ક્ષેત્ર, પર્યટન, શહેરી વિકાસ અને ખેતી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. પછાત જિલ્લાઓની યાદીમાં જેની ગણના થતી હતી તે જિલ્લો હવે નવા રંગરૂપમાં વિશ્વક્ષેત્રે ઓળખ બનાવી રહ્યો છે.

આ જ્વલંત સફળતા પાછળ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને દૂરંદેશી નેતૃત્વ કારણભૂત છે. તેમણે ભૂકંપ બાદ કચ્છના લોકોને હિંમત આપીને વિકાસ કામગીરીની આગેવાની હાથમાં લીધી હતી. તેના લીધે જ ભૂકંપ બાદ તુરંત જે ઘરોની અછત સર્જાઇ હતી તેમાં સ્થાનિકો લોકોનો સહયોગ મેળવીને તેમણે નાની ટીમોનું નિર્માણ કરીને ઘરોના નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એક એક હાથના સહયોગથી તે સમસ્યામાંથી છૂટકારો મળ્યો હતો. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું જે પહેલા કરતા મોટા હતા અને તેમની સંખ્યા પણ વધારે હતી.

કચ્છના વિકાસને સાચા અર્થમાં દિશા આપવા માટે શિક્ષણ ક્ષેત્રે માતબર કામ થાય તે પણ નક્કી કરવાનું હતું. તેથી મુખ્યમંત્રી તરીકે શ્રી મોદીએ શાળા નિર્માણ અને ભણતર માટેની સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કર્યું. તેમણે કહ્યું હતું કે કોઇ પણ ભોગે શાળાઓની સુવિધાને ફરી મોટાપાયે શરૂ કરવી જરૂરી છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે કચ્છના ગામડાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે શાળાઓનું માળખું ઉપલબ્ધ છે અને અગરિયાના બાળકો, જેઓ સમય સંજોગોના લીધે શાળાએ પહોંચવામાં પરેશાની અનુભવે છે, તેમના માટે ‘સ્કુલ ઓન વ્હિલ’ની સુવિધા શરૂ છે. અત્યારે કચ્છના વિદ્યાર્થીઓને ઘર આંગણે મેડિકલ કોલેજની સુવિધા પણ ઉપલબ્ધ છે અને યુવાનોના શિક્ષણ માટે એક સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે.

શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છમાં ખેતીની સ્થિતિની પણ કાયાપલટ કરવામાં આવી છે. ભૂકંપ પછીના વર્ષોમાં, કચ્છમાંથી કેરી, ખજૂર અને દાડમની નિકાસ થવા માંડી હતી. સિંચાઈનું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને અત્યારે નર્મદાનું પાણી કચ્છની બોર્ડર સુધી પહોંચાડીને, રણના પ્રહરી એવા આપણા જવાનોની સમસ્યાનું કાયમી સમાધાન કરી દીધું છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ઓગસ્ટના રોજ રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કર્યુ અને તેની સાથે જ કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ થયુ. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા.

જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો. જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-2022માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું. તો બગાયતી ખેતીમાં પણ કચ્છ જીલ્લો 56,581 હેક્ટર વિસ્તારમાં વાવેતર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

કચ્છને એક નવી ઓળખ મળે તે માટે પણ સુનિયોજિત પ્રયાસો શરૂ કરવામાં આવ્ય હતા. એક સમયે કચ્છની વાત આવે ત્યારે સૂકાભઠ્ઠ વિસ્તાર અને સજાના જિલ્લા તરીકેની ઓળખ પ્રચલિત હતી. લોકો કહેતા, ‘ત્યાં જોવા જેવુ શું છે ?’ પણ અત્યારે એ જ રણ દેશ વિદેશથી લોકોને ખેંચી રહ્યું છે. ‘રણોત્સવ’ના આગમનથી કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને ખાણીપીણી દેશના સીમાડાઓ પાર પહોંચી છે. તેનાથી કચ્છની છવિ બદલાવાની સાથે સ્થાનિક રોજગાર અને આર્થિક ક્ષેત્રે પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001ના ભૂકંપની આપદાને યાદ કરતા સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કરતા આ સ્મારકો પોતાના સ્વજનો ગુમાવનારા લોકોને સમર્પિત કર્યા હતા.

આ સાથે જ સ્થાનિક વણાંટકામ ઉદ્યોગને પણ પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. તેના લીધે અર્થતંત્રમાં ભારે ઉછાળ જોવા મળ્યો. ઉદ્યોગોને એક્સાઇઝ ફ્રી જેવી સવલતો આપવાની સાથે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરીને જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટેનો પાયો નાખી દેવાયો હતો. તેના માટે રોડ, રેલવે અને હાઇવે બાંધકામની કામગીરીને ખૂબજ ટૂંકા ગાળામાં પૂર્ણ કરીને નાગરિકોને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપવામાં આવી હતી.

એક દાયકામાં જ, ભૂકંપથી ઘાયલ થયેલું કચ્છ, એક ભડવીરની જેમ તલવારો ચાવીને બેઠું થઇને વિકાસશીલ જિલ્લાઓની યાદીમાં આવી ગયું હતું. ભૂકંપ બાદ શ્રી મોદીએ કચ્છના આપદા પ્રબંધનના માળખાને પણ બદલી નાખ્યું હતું. અગાઉ તે પૂર અને દુષ્કાળ પૂરતું મર્યાદિત હતું પરંતુ તેમણે એવી પ્રક્રિયાઓ નક્કી કરી જેનાથી આપદા સમયે સરકારને તેનો સામનો કરવામાં વધુ સહાયતા મળે. વર્ષ 2003માં, ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો અને તે સાથે જ આપદા પ્રબંધન માટે કાયદાકીય અને નિયમનકારી માળખું સ્થાપિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું.

કચ્છમાં અત્યારે 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્ર્વના સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ચાલી રહ્યું છે જેમાં સોલાર અને વિન્ડ પાવરની મદદથી ઉર્જા પેદા કરવામાં આવશે. 2022 સુધી દેશની રિન્યુએલબ ઉર્જાની ક્ષમતા 175 ગીગાવોટ સુધી લઇ જવામાં આ પાર્કની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેવાની છે. સાથે જ ડિસેલીનેશન પ્લાન્ટની કામગીરી પણ ચાલી રહી છે જેનાથી 10 કરોડ લિટર પાણીનું દરરોજ ડિસેલીનેશન કરવાની ક્ષમતા છે.

વડાપ્રધાન બન્યા પછી શ્રી મોદીએ આ પ્રકારના વિકાસકાર્યોની ભેટ આપીને તેમના કચ્છ પ્રેમને ઉજાગર કર્યો છે. નાગરિકોને કેન્દ્રમાં રાખીને સમગ્ર જિલ્લાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે હંમેશા તેમની નીતિઓનું મહત્વપૂર્ણ પાસું રહ્યું છે. આગામી દિવસોમાં કચ્છની આ વિકાસયાત્રાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવશે. તે ફરી કચ્છની ભૂમિકાને એક અલગ રીતે બદલી નાખશે.


Related News

Advertisement
Advertisement
Advertisement