‘મિશન વર્લ્ડકપ’ માટે ટીમ ઈન્ડિયા જાહેર

13 September 2022 10:51 AM
India Sports
  • ‘મિશન વર્લ્ડકપ’ માટે ટીમ ઈન્ડિયા જાહેર

►ચાર બેટર, બે વિકેટકિપર, ચાર ઑલરાઉન્ડર, એક સ્પિનર, ચાર ફાસ્ટ બોલરથી ટીમને ‘ધારદાર’ બનાવવાનો પ્રયાસ ►બુમરાહ-હર્ષલ ‘ઈન’; આવેશ-જાડેજા ‘આઉટ’; બાકી એશિયા કપની જ ટીમ ‘રિપિટ’

રોહિત-રાહુલ-કોહલી ઉપર ટોપઑર્ડરની, હાર્દિક-સૂર્યા-દીપક ઉપર મીડલ ઑર્ડરની તો પંત/કાર્તિક-અક્ષર-અશ્ર્વિન સહિતના ઉપર બેટિંગને ‘એન્ડીંગ ટચ’ આપવાની રહેશે જવાબદારી

બુમરાહ-ભુવનેશ્ર્વર-હર્ષલ-અર્શદીપ બનશે ફાસ્ટ બોલિંગ એટેકની ‘ધરી’: ગત વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને પડેલી લેગ સ્પીનરની ખોટ આ વર્ષે ચહલના રૂપમાં કરાઈ પૂર્ણ

મોહમ્મદ શમી, દીપક ચાહર, શ્રેયસ અય્યર અને રવિ બિશ્ર્નોઈ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે ઑસ્ટ્રેલિયા જશે


નવીદિલ્હી, તા.13

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. 15 ખેલાડીઓની ટીમમાં ચાર બેટર, બે વિકેટકિપર, ચાર ઑલરાઉન્ડર, એક સ્પીનર અને ચાર ફાસ્ટ બોલરોને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે બે ફાસ્ટ બોલર, એક સ્પીનર અને એક બેટર સ્ટેન્ડ બાય તરીકે ઑસ્ટ્રેલિયા જશે. પસંદગીકારોએ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પણ સમજી-વિચારીને જ પસંદગી કરી છે.

ટીમ ઈન્ડિયામાં સામેલ મોટાભાગના ખેલાડીઓએ યુએઈમાં રમાયેલા એશિયા કપમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ટીમમાં વાપસી થઈ છે તો આવેશ ખાનને બહાર કરવામાં આવ્યો છે. જ્યારે રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે વર્લ્ડકપમાં રમી શકશે નહીં. આવેશને તો ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. આવી જ રીતે મોહમ્મદ શમી અને દીપક ચાહર વર્લ્ડકપ ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રહેશે.

જો ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું હોય તો ટીમના ટોપ-3 બેટરે સારું પ્રદર્શન કરવું જ પડશે જેની એશિયા કપમાં કમી ઉડીને આંખે વળગી હતી. રોહિત અને રાહુલ સારા ફોર્મમાં નહોતા. વર્લ્ડકપમાં પણ ટોપ-3માં રોહિત, રાહુલ અને કોહલી બેટિંગ કરશે. આ ત્રણેય ભારતીય બેટિંગની કરોડરજ્જુ છે. રોહિત અને રાહુલના નામે એશિયા કપમાં માત્ર એક ફિફટી નોંધાઈ છે. જ્યારે કોહલીએ પણ એક સદી બનાવી હતી. આવામાં મોટાભાગની જવાબદારી આ ત્રણેયના ખભા ઉપર જ રહેવાની છે. પાછલા ટી-20 વર્લ્ડકપ બાદથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે જ બનાવ્યા છે. હવે વર્લ્ડકપ માટે પસંદ કરાયેલા 15 ખેલાડીઓએ અત્યાર સુધી કેવું પ્રદર્શન કર્યું છે તેના ઉપર પણ એક નજર કરવી જરૂરી બની જાય છે.

રોહિત શર્મા

કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી 136 ટી-20માં 31.75ની સરેરાશથી 3620 રન બનાવ્યા છે. પાછલા થોડા મહિનાથી રોહિત ખાસ ટચમાં જોવા મળ્યો નથી. પાછલા ટી-20 વર્લ્ડકપ બાદથી અત્યાર સુધી રોહિતે 20 મેચમાં 30.63 રનની સરેરાશ અને 146.23ના સ્ટ્રાઈક રેટથી 582 રન બનાવ્યા છે જેમાં ચાર ફિફટી સામેલ છે. પાછલા ટી-20 વર્લ્ડકપથી લઈ અત્યાર સુધીમાં રોહિતનો હાઈએસ્ટ સ્કોર 72 રનનો રહ્યો છે.

વિરાટ કોહલી

આ મહિના પહેલાં કોહલીને ટી-20 ફોર્મેટમાંથી પડતો મુકવાની વાતો ચાલી રહી હતી પરંતુ એશિયા કપ કોહલી માટે વરદાન સાબિત થયો હોય તેવી રીતે તેણે માત્ર ગુમાવેલું ફોર્મ જ પરત મેળવી લીધું છે એટલું જ નહીં બલ્કે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની પહેલી સદી પણ બનાવી લીધી છે. પાછલા ટી-20 વર્લ્ડકપથી લઈને અત્યાર સુધીમાં કોહલીએ નવ ટી-20 મેચમાં 51ની સરેરાશ અને 142.80ના સ્ટ્રા,ક રેટથી 357 રન બનાવ્યા છે જેમાં એક સદી અને ત્રણ ફિફટી સામેલ છે.


સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે પાછલા વર્લ્ડકપ બાદથી ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. 16 નવેમ્બર 2021થી લઈને અત્યાર સુધીમાં ભારત વતી 20 મેચ રમતાં 35ની સરેરાશ અને 176.47ના સ્ટ્રાઈક રેટથી 630 રન બનાવ્યા છે જેમાં એક સદી અને ચાર ફિફટી સામેલ છે તો બે વખત તે શૂન્ય પર આઉટ પણ થયો છે. સૂર્યાએ અત્યાર સુધીમાં 28 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 36.86ની સરેરાશ અને 173.29ના સ્ટ્રાઈક રેટથી 811 રન બનાવ્યા છે જેમાં તેના નામે એક સદી અને છ ફિફટી છે.


કે.એલ.રાહુલ

રાહુલનું ફોર્મ પાછલા થોડા સમયથી આઉટ ઑફ ફશેર્મ છે. 2022માં રાહુલ મોટા ભાગે ઈજાગ્રસ્ત જ રહ્યો છે અને તેના કારણથી તે ઈંગ્લેન્ડ તેમજ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે પણ પસંદગી પામ્યો નહોતો. પાછલા ટી-20 વર્લ્ડકપ બાદથી અત્યાર સુધી રાહુલે ભારત માટે માત્ર સાત ટી-20 મેચ રમી છે અને તેમાં 30.28ની સરેરાશ અને 123.97ના સ્ટ્રાઈક રેટથી 212 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર બે ફિફટી નીકળી છે.


ઋષભ પંત

ઋષભ પંતનું ફોર્મ ટી-20 ફોર્મેટ
ઋષભ પંતનું ફોર્મ ટી-20 ફોર્મેટમાં બહુ ખાસ રહ્યું નથી. 58 ટી-20માં પંતે 23.95ની સરેરાશ અને 126.39ના સ્ટ્રાઈક રેટથી 934 રન બનાવ્યા છે. તેના બેટમાંથી આ ફોર્મેટમાં માત્ર ત્રણ ફિફટી નીકળી છે. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ પંતે 20 ટી-20 મેચ રમી છે અને તેમાં 26.46ની સરેરાશ અને 131.29ના સ્ટ્રાઈક રેટથી 344 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક ફિફટી નીકળી છે.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિકે આ વર્ષના આઈપીએલમાં અનેક શાનદાર ઈનિંગ રમી અને પોતાની ટીમ બેંગ્લોર માટે મેચ ફિનિશ કરી હતી. આ જ કારણથી તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. ભારતીય ટીમમાં પણ આ વર્ષે તેણે અનેક મેચવિનિંગ ઈનિંગ રમી છે આવામાં તેનો રોલ ઘણો મહત્ત્વનો બની રહેશે. કાર્તિકે ભારત માટે 50 ટી-20માં 28.19ની સરેરાશ અને 139.95ના સ્ટ્રાઈક રેટથી 592 રન બનાવ્યા છે.


હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. લાંબા-લાંબા શૉટ રમવાની કાબેલિયત અને મીડિયમ પેસર એવો હાર્દિક ઑસ્ટ્રેલિયાની હાર્ડ પીચ ઉપર તેની બોલિંગ કારગત નિવડી શકે છે. પાછલા ટી-20 વર્લ્ડકપ બાદથી હાર્દિકે ભારત માટે 16 ટી-20 મેચ રમી છે જેમાં 142.06ના સ્ટ્રાઈક રેટથી તેણે 331 રન બનાવ્યા છે. આ ઉપરાંત 12 વિકેટ પણ મેળવી છે. હાર્દિકે ભારત વતી કુલ 70 ટી-20 મેચ રમી છે જેમાં 884 રન તો 54 વિકેટ તેના નામે છે.


દીપક હુડ્ડા
પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ દીપક હુડ્ડાની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ છે. આ પછી તેણે અનેક મહત્ત્વની ઈનિંગ રમી છે. દીપક લાંબા શોટ લગાવવામાં માહેર છે અને ઑફ સ્પિન બોલિંગ કરી શકે છે. હવે જોવાની વાત એ રહેશે કે તેને કયા નંબરે બેટિંગમાં ઉતારવામાં આવી શકે છે. ટી-20 વર્લ્ડકપમાં પસંદ કરાયેલી ટીમમાં કોહલી ત્રીજા અનેસૂર્યકુમાર ચોથા ક્રમે બેટિંગ કરતો જોવા મળશે. આવામાં દીપક ઉપર મેચ ફિનિશરની ભૂમિકા રહેશે. તેણે અત્યાર સુધી 12 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 41.86ની સરેરાશથી 293 રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે.



રવિચંદ્રન અશ્ર્વિન
અશ્ર્વિે પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ માટે આશ્ર્ચર્યજનક રીતે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. ત્યારે ત્રણ વર્ષ બાદ તે ટી-20 ટીમમાં જગ્યા બનાવી શક્યો હતો. અશ્ર્વિન મીડલ ઓવરમાં રન રોકવા અને વિકેટ કાઢવામાં માહેર છે. આ ઉપરાંત તે નીચલા ક્રમે રન પણ બનાવી શકે છે. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદથી અશ્ર્વિન સાત ટી-20 મેચ રમી ચૂક્યો છે જેમાં આઠ વિકેટ ખેડવી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 6.46નો રહ્યો છે.


અક્ષર પટેલ
રવીન્દ્ર જાડેજાના ઈજાગ્રસ્ત થવાનો ફાયદો અક્ષર પટેલને મળ્યો છે. અક્ષર અંતિમ ઓવરોમાં મોટા શોટ લગાવવામાં માહેર છે. આ ઉપરાંત તેની ઓર્થોડૉક્સ સ્પિન બોલિંગ પણ વેધક સાબિત થઈ રહી છે. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદથી અક્ષરે 14 ટી-20 મેચ રમી છે અને 12 વિકેટ મેળવી છે. તેણે જાડેજા કરતાં વધુ વિકેટ મેળવી છે. અત્યાર સુધીમાં અક્ષરે કુલ 26 ટી-20 મેચ રમી છે જેમાં 147 રન પણ બનાવ્યા છે. અક્ષરનો ઈકોનોમી રેટ પણ માત્ર 7.27નો જ છે.


યુઝવેન્દ્ર ચહલ
પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને લેગ સ્પીનરની ખોટ પડી હતી જે ભૂલ સુધારતાં આ વખતે ચહલને ટીમમાં સામેલ કર્યો છે. ચહલે અત્યાર સુધી 66 ટી-20માં ભારત માટે 83 વિકેટ મેળવી છે. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદથી તે સતત ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો છે અને 17 મેચમાં 20 વિકેટ મેળવી છે. પાછલા એક વર્ષમાં ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં પણ ચહલ સામેલ છે. ચહલને ચતુરાઈભરી બોલિંગ માટે ઓળખવામાં આવે છે.


જસપ્રિત બુમરાહ
બુમરાહ આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. એશિયા કપમાં પણ તેની ખોટ પડી હતી. જો કે હવે તે ટી-20 વર્લ્ડકપમાં સામેલ થઈ ગયો છે. લાસ્ટ ઓવર સ્પેશ્યાલિસ્ટ અને યોર્કર ફેંકવાની ક્ષમતા ધરાવતા બુમરાહ ઉપર બોલિંગ એટેકની જવાબદારી રહેશે. બુમરાહે પાછલા ટી-20 વર્લ્ડકપ બાદ માત્ર ત્રણ ટી-20 મેચ રમી છે જેમાં ત્રણ વિકેટ કાઢી છે. જો કે તે ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલિંગ માટે મદદગાર પીચ ઉપર કહેર બનીને ત્રાટકી શકે છે.


ભુવનેશ્ર્વર કુમાર
ભુવનેશ્ર્વર પાછલા ટી-20 વર્લ્ડકપથી લઈને અત્યાર સુધીમાં ભારત માટે આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે આ દરમિયાન 25 ટી-20 મેચમાં 34 વિકેટ મેળવી છે. તેની ઈકોનોમી રેટ 6.74ની રહે છે. ભુવીએ અત્યાર સુધી કુલ 77 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 84 વિકેટ મેળવી છે. ચાર રન આપીને પાંચ વિકેટ તેની શ્રેષ્ઠ બોલિંગ છે. ઑસ્ટ્રેલિયામાં ભુવનેશ્ર્વર ભારત માટે સ્વિંગ બોલરની ભૂમિકા ભજવશે.


હર્ષલ પટેલ
હર્ષલ માટે 2021નો આઈપીએલ શાનદાર રહ્યો હતો. આ પછીથી તે સતત પસંદગીકારોની નજરમાં હતો. પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હર્ષલે ભારત માટે 17 ટી-20માં 23 વિકેટ મેળવી છે. સ્પીડમાં વિવિધતા અને સતત યોર્કર ફેંકવા તેની ખાસિયત છે. આ ઉપરાંત તે ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ પણ મનાય છે. હર્ષલ ટીમ ઈન્ડિયા માટે ઑસ્ટ્રેલિયામાં મહત્ત્વપૂર્ણ રહેવાનો છે.


અર્શદીપ સિંહ
પાછલા એક વર્ષમાં જે ફાસ્ટ બોલરે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તે અર્શદીપ સિંહ છે. અર્શદીપ ટીમ ઈન્ડિયામાં સામેલ ડાબા હાથનો એકમાત્ર ફાસ્ટ બોલર છે. તે પણ ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ મનાય છે. એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ તેણે સારી ઓવરો ફેંકી હતી. જો કે આ બન્ને મેચ ટીમ ઈન્ડિયા જીતી શકી નહોતી પરંતુ અર્શદીપે એ સાબિત કરી બતાવ્યું હતું કે તે સતત યોર્કર ફેંકી શકવા માટે સક્ષમ છે. અર્શદીપે ટીમ ઈન્ડિયા માટે 11 ટી-20 મેચ રમીને 14 વિકેટ કાઢી છે.




ગત વર્લ્ડકપમાં સામેલ શમી સિવાયના આ પાંચ ખેલાડીઓ આ વર્ષે નહીં રમી શકે
રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી (ગત વર્લ્ડકપમાં ટીમમાં સામેલ હતો, આ વખતે સ્ટેન્ડ બાય તરીકે રહેશે)


વર્લ્ડકપ માટે ટીમમાં પસંદ નહીં થતાં ટવીટર પર ટ્રેન્ડ થયો શમી-સેમસન: અનેકે બળાપો ઠાલવ્યો
વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં મોહમ્મદ શમીને સ્ટેન્ડ બાય તરીકે અને સંજુ સેમસનને પસંદ જ નહીં કરવામાં આવતાં બન્ને અત્યારે ટવીટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. શમી-સેમસનના ચાહકો અત્યારે રીતસરનો બળાપો ઠાલવી રહ્યા છે. રાહુલ અને પંતને ટીમમાં સામેલ કરાતાં લોકો ગુસ્સામાં છે તો ભુવનેશ્ર્વર કુમારનો પણ વિરોધ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ટીમમાં શમી અને સેમસન વર્લ્ડકપની ટીમમાં સામેલ થવા જોઈતા હતા. શમી આઈપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો હતો જ્યારે સેમસન રનર્સઅપ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો.


સ્વપ્ન ખરેખર સાચું પડે છે: કાર્તિકના એક ટવીટે સૌના જીતી લીધા દિલ
વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયામાં પસંદગી પામેલા દિનેશ કાર્તિકે એક ટવીટ કર્યું છે જેણે સૌના દિલ જીતવાનું કામ કર્યું છે. ટીમમાં પસંદ થયા બાદ કાર્તિકનું એક ટવીટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાંતેણે લખ્યું છે કે ‘સ્વપ્ન ખરેખર સાચા પડે જ છે’ આ ટવીટ ચાહકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે અને વારંવાર શેયર થઈ રહ્યું છે.


ઑસ્ટ્રેલિયા શ્રેણી માટેની ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર.અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ


આફ્રિકા સામે ટી-20 શ્રેણી માટેની ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), આર.અશ્ર્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ









Related News

Advertisement
Advertisement
Advertisement