દેશદેવી મા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે તા. 25ના ઘટ સ્થાપન સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ

13 September 2022 12:47 PM
kutch Rajkot
  • દેશદેવી મા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે તા. 25ના ઘટ સ્થાપન સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ

ભીતરમાં ભિનાશ, મનમાં મીઠાશ, હૈયામાં હામ હોઠે છે મા આશાપુરાનું નામ : તા. 2જી ઓક્ટો.ના ભવ્ય હોમાદિક ક્રિયા, અધ્યક્ષસ્થાને બાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 12-30 કલાકે હવનમાં બીડુ હોમશે: તા. 3 ઓક્ટો.ના સોમવારે મહારાણી પ્રીતિદેવી દ્વારા મા આશાપુરાને સવારે જાતર (પત્રી) ચડાવાશે

રાજકોટ,તા.13 : ભક્તિ અને શક્તિનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભક્તિનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું સ્થાન અલૌકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓના નામરુપ ધરી કામણગારા કચ્છની ધન્યધરા માતાના મઢ બિરાજતા દેશદેવી માં આશાપુરાનું ભવ્ય મંદિર છે જે 19મી સદીનું ભવ્ય તીર્થધામ છે. જ્યા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શક્તિ સહાર અને કલ્યાણકારી છે. મા આશાપુરાનું સ્વરુપ અજોડ, અનોખુ, અલૌકિક છે.

જ્યાં આસો નવરાત્રી તા. 25-09ના રવિવાર ભાદર વદ અમાસ રાત્રે 9 કલાકે ઘટ સ્થાપન થશે. આસો સુદ-1 તા. 26-09ના સોમવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા. 02-10ના આસો સુદ-7 રવિવાર રાત્રે 9-30 કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરુ થશે. હવનવિધિ ગોર મહારાજ મુળશંકર જોષી સમગ્ર પૂજાવિધિ, શ્ર્લોક, શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્યો, માઈભક્તો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડુ હોમવાનો સમય રાત્રીના 12-30 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે.

આસો સુદ આઠમ તા. 03ના સોમવારે કચ્છ રાજપરિવાર તથા ભાયતો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વિધિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાણી સાહેબા પ્રીતિદેવી મા આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે 8 કલાકે ચડાવશે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. મા આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે મા આશાપુરા દ્વારા ફુલ સ્વરુપે રાજવી પરિવારને જાતર (પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કળયુગમાં પણ ચમત્કાર ગણાયછે. જેને પત્રી પ્રસાદ કહેવાય છે. મા આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાર્થના કરે છે. સમગ્ર દેશમાં વસ્તા માઈભક્તોની રક્ષા કરશે. મા આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશે.

કચ્છ ભૂમિ મહિમાવંતી છે. મા આશાપુરાના ભુવા ગજુભા ચૌહાણ સેવા આપે છે. મા આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે મા આશાપુરાનું નામ જપતા અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસ સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યું તે વાહન લઇ મા આશાપુરાના દર્શન કરવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકોમાં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના બીંબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે મા આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછળે મા આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે. કચ્છ ભુમી મૈમાંવંતી છે.

અહીં જગડુશાની દાતારી, ભીથા કકલની રાજભક્તિ, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભક્તિ, તોરલની શક્તિ આત્મસમર્પણ આ ધરાને અજવાળી છે. કચ્છી માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ઝમીર ખુમારવંતી પ્રજામા માં આશાપુરાના દર્શન કરવા, પગપાળા, આવતા ભાવિકોની વિનામૂલ્યે વિના સંકોચે સેવા એ જ ધર્મના ઉદ્દેશની નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાતજાતના ભેદભાવ વગર 24 કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિનામુલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે. મા આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પુર્ણ થાય છે.

સંકલન : વિનોદ પોપટ | મો. નં. 98799 07218


Related News

Advertisement
Advertisement
Advertisement