ઈન્સ્ટા બાદ ટવીટર પર ‘વિરાટ’ બન્યો કોહલી : પાંચ કરોડ ફૉલોઅર્સ ધરાવતો પ્રથમ ક્રિકેટર

14 September 2022 10:14 AM
India Sports
  • ઈન્સ્ટા બાદ ટવીટર પર ‘વિરાટ’ બન્યો કોહલી : પાંચ કરોડ ફૉલોઅર્સ ધરાવતો પ્રથમ ક્રિકેટર

● 2020માં જ્યારે કોહલીના 3.40 કરોડ ફૉલોઅર્સ હતા ત્યારે તે એક સ્પોન્સર્ડ ટવીટ બદલ અઢી કરોડ ચાર્જ કરતો’તો જેમાં હવે થઈ ગયો બમણો વધારો: ભારતમાં ટવીટર પર સૌથી વધુ 8.20 કરોડ ફૉલોઅર્સ વડાપ્રધાન મોદીના

નવીદિલ્હી, તા.14
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ટવીટર ઉપર 50 મિલિયન મતલબ કે પાંચ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ સાથે જ તે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતાં ક્રિકેટર પણ બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ ઉપર પણ કોહલી સૌથી વધુ ફૉલો થનારા ક્રિકેટર છે. ક્રિકેટના મેદાનની જેમ જ કોહલી સોશ્યલ મીડિયા ઉપર રેકોર્ડ બનાવી રહ્યા છે. ફૉલોઅર્સ વધવાથી કોહલીની કમાણીમાં બમણો વધારો થઈ જશે.

સોશ્યલ મીડિયા ઉપર જેટલા વધુ ફૉલોઅર્સ કમાણી એટલી જ વધુ હોય છે. ઈન્સ્ટાગ્રામ ઉપર વિરાટ કોહલીના અંદાજે 211 મિલિયન ફૉલોઅર્સ છે. હૂપરની 2022ની ઈન્સ્ટાગ્રામ રિચલિસ્ટ પ્રમાણે કોહલી ઈન્સ્ટાગ્રામ ઉપર એક સ્પોન્સર્ડ પોસ્ટ બદલ 8.69 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.

ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરવા મામલે કોહલી દુનિયામાં 14મા નંબરે છે. આ લિસ્ટમાં પોર્ટુગરના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોચ પર છે જે એક પોસ્ટના બદલામાં 15.5 કરોડ રૂપિયા લ્યે છે.

ટવીટર થકી કમાણી કરનારા સેલિબ્રિટીઓનું લિસ્ટ 2020માં આવ્યું હતું. એ સમયે વિરાટના ટવીટર ઉપર અંદાજે 34 મિલિયન ફૉલોઅર્સ હતા. ત્યારે તે એક સ્પોન્સર્ડ ટવીટના બદલામાં 35101 ડૉલર મતલબ કે અંદાજે અઢી કરોડ રૂપિયાનો ચાર્જ લેતા હતા.

હવે તે સમયના મુકાબલે અત્યારે કોહલીના ફૉલોઅર્સમાં 50%નો વધારો થઈ જવા પામ્યો છે એટલે સ્વાભાવિક પણે હવે તેમણે ટવીટ કરવાના બદલામાં પોતાનો ચાર્જ પણ બમણો કરી દીધો છે.

ભારતમાં ટવીટર પર કોહલી કરતાં વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (82 મિલિયન) અને પીએમઓ-ઈન્ડિયા (50.5 મિલિયન) ફૉલોઅર્સ છે. 47.7 મિલિયન ફૉલોઅર્સ સાથે અમિતાભ બચ્ચન ચોથા ક્રમે છે. દુનિયામાં ટવીટર પર સૌથી વધુ 133.1 મિલિયન ફૉલોઅર્સ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના છે. એથ્લીટસમાં અહીં પણ 103.4 મિલિયન ફૉલોઅર્સ સાથે રોનાલ્ડો ટોચ પર છે. રોનાલ્ડો એક ટવીટના બદલામાં અંદાજે આઠ કરોડ રૂપિયા ચાર્જ લ્યે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement