ઈંગ્લેન્ડમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેદાન-એ-જંગ : મોહમ્મદ સિરાજે મચાવ્યો કહેર

14 September 2022 10:22 AM
India Sports World
  • ઈંગ્લેન્ડમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેદાન-એ-જંગ : મોહમ્મદ સિરાજે મચાવ્યો કહેર

► ગજબનાક આઉટ સ્વિંગરથી ઈન્ઝમામ ઉલ હક્કના ભત્રીજા ઈમામ ઉલ હક્કને કર્યો આઉટ: સિરાજે ઈંગ્લેન્ડ કાઉન્ટીમાં વર્વિકશર વતી રમતાં 19 ઓવરમાં 54 રન આપી ખેડવી ચાર વિકેટ

નવીદિલ્હી, તા.14
એશિયા કપમાં ભલે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો બરાબરી પર રહ્યો હોય અને બન્નેએ એક-એક મેચ જીતી હોય પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો પેસર વિપક્ષી ટીમમાં રમી રહેલા પાકિસ્તાની બેટર પર ભારે પડી ગયો છે.

આ આમનો-સામનો ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વનની એક મેચમાં થયો હતો. આ મેચમાં મોહમ્મદ સિરાજ વર્વિકશર વતી સમરસેટ વિરુદ્ધ રમી રહ્યો હતો જેમાં પાકિસ્તાનનો ઓપનિંગ બેટર ઈમામ-ઉલ-હક્ક પણ સામેલ છે.

મુકાબલામાં 10મી ઓવરમાં ઈન્ઝમામ ઉલ હક્કના ભત્રીજા ઈમામ ઉલ હક્કનો સામનો સિરાજ સામે થયો હતો. તેણે ઈમામ હક્કને સંપૂર્ણ રીતે ચોંકાવતાં શાનદાર આઉટ સ્વિંગર ફેંક્યો હતો જે ઑફ સ્ટમ્પથી ઘણો બહાર જઈ રહ્યો હતો. ઈમામને બોલ આટલી મૂવમેન્ટ કરશે તેની ખબર જ ન હોય તેવી રીતે બોલને બેટ અડાડી બેઠો હતો. બાકીનું કામ વિકેટ પાછળ ઉભેલા કિપરે કરી બતાવ્યું હતું. ઈમામ આ ઈનિંગમાં 20 બોલમાં એક પણ બાઉન્ડ્રી લગાવ્યા વગર પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

મેચની પ્રથમ ઈનિંગમાં અત્યાર સુધીમાં સીરાજે 19 ઓવરમાં 54 રન આપીને ચાર વિકેટ મેળવી છે જ્યારે ભારતના જ જયંત યાદવે 14 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી છે. પહેલાં દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં સમરસેટે આઠ વિકેટે 182 રન બનાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement