આજે ક્રિકેટના મેદાન ઉપર 15 વર્ષ બાદ ટકરાશે સચિન તેંડુલકર-બ્રાયન લારા

14 September 2022 12:07 PM
Sports
  • આજે ક્રિકેટના મેદાન ઉપર 15 વર્ષ બાદ ટકરાશે સચિન તેંડુલકર-બ્રાયન લારા

વર્લ્ડ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડસ વચ્ચે કાંટે કી ટક્કર: મુકાબલો નિહાળવા માટે દર્શકોની પડાપડી

નવીદિલ્હી, તા.14 : ક્રિકેટની દુનિયાના બે મહાન પૂર્વ બેટર ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા આમ તો ઘણા સમય પહેલાં જ સંન્યાસ લઈ ચૂક્યા છે. ચાહકો હવે તો આ દિગ્ગજોની ટક્કર પણ ભૂલી ચૂક્યા છે પરંતુ આજે 15 વર્ષ બાદ આ બન્ને દિગ્ગજો ફરી એકબીજાનો મુકાબલો કરતાં જોવા મળશે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ પર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ સીઝન-2માં આજે ઈન્ડિયા લેજન્ડસનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડસ સામે થશે. આ મેચ માટે કાનપુરમાં દર્શકોનો રોમાંચ ચરમસીમાએ છે.

વેસ્ટ ઈન્ડિજ લેજન્ડસના કેપ્ટન બ્રાયન લારા સોમવારે જ કાનપુર પહોંચી ગયા છે. સચિન પહેલાંથી જ ઈન્ડિયા લેજન્ડસની કમાન સંભાળી રહ્યા છે. તેની ટીમમાં યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ છે. કાનપુરના ક્રિકેટદર્શકો માટે આ પહેલો પ્રસંગ હશે જ્યારે તેઓ સચિન અને લારાને એકબીજા સામે રમતાં જોઈ શકશે. 1990 અને 2000ના દશકામાં ક્રિકેટની દુનિયામાં અનેકવાર એવી વાતો ચાલતી હતી કે સચિન અને લારામાંથી બેસ્ટ બેટર કોણ છે ? કોઈ લારાને મહાન માનતું હતું તો કોઈ સચિનને બેસ્ટ ગુણતું હતું.

લારાએ ટેસ્ટ મેચમાં 400નો સ્કોર બનાવીને દુનિયાને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા તો સચિને પણ વન-ડે-ટેસ્ટમાં રનોનું રમખાણ સર્જયું હતું. અંદાજે 12 હજાર ટેસ્ટ રન અને 10 હજાર વન-ડે રનો સાથે લારાએ 2007માં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ પછી બન્ને દિગ્ગજો પર રન બનાવવાની ટક્કર ક્યારેય જોવા મળી નહોતી. વર્ષ 2013માં માસ્ટર બ્લાસ્ટર સચિને પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. નિવૃત્તિ બાદ બન્ને સ્ટાર ક્યારેક ગોલ્ફના મેદાનમાં સાથે જોવા મળ્યા હતા તો ક્યારેક કેલિફોર્નિયામાં કારરેસ જોવા પણ પહોંચ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement