ગાંગૂલી-જય શાહની ખુરશી બચશે કે જશે ? સુપ્રીમ કોર્ટમાં આજે વધુ સુનાવણી

14 September 2022 12:10 PM
Sports
  • ગાંગૂલી-જય શાહની ખુરશી બચશે કે જશે ? સુપ્રીમ કોર્ટમાં આજે વધુ સુનાવણી

સુપ્રીમે બીસીસીઆઈને કહ્યું, શા માટે 70 વર્ષથી ઉપરના લોકોને જ તક અપાઈ રહી છે, યુવાઓને કેમ નહીં ?: પદાધિકારીઓના કાર્યકાળ વચ્ચેનો ‘કુલિંગ ઑફ પીરિયડ’ ખતમ કરવાનો સુપ્રીમનો ઈનકાર

નવીદિલ્હી, તા.14 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના કામકાજ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે બીસીસીઆઈ એક સ્વાયત્ત સંસ્થા છે અને તે તેના કામકાજનું માઈક્રો મેનેજમેન્ટ કરી શકે નહીં. સાથે જ કોર્ટે બીસીસીઆઈને પૂછયું કે તે આઈસીસીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે 70 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને જ શા માટે રાખવા માંગે છે ? શા માટે યુવાઓને તક અપાઈ રહી નથી ? સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી એ અરજી પરની સુનાવણી દરમિયાન આવી છે

જેમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી અને સચિવ જય શાહ સહિત પોતાના પદાધિકારીઓના કાર્યકાળ સંબંધમાં પોતાના બંધારણમાં સંશોધન કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ કુલિંગ ઑપ પીરિયડ પૂર્ણ કરવાની માંગ પણ આ અરજીમાં કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પદાધિકારીઓના કાર્યકાળની વચ્ચેનો કુલિંગ ઑફ પીરિયડ સમાપ્ત કરવામાં આવશે નહીં. આ સાથે જ આ મામલાની આજે વધુ સુનાવણી કરવામાં આવશે અને પછી ચુકાદો આપશે. બીસીસીઆઈ દ્વારા અમલી બંધારણ પ્રમાણે એક પદાધિકારીને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અથવા બીસીસીઆઈ

કે પછી બંનેના સંયુક્ત રીતના સતત બે કાર્યકાળ વચ્ચે ત્રણ વર્ષના કુલિંગ ઑફ પીરિયડમાંથી પસાર થવું પડી રહ્યું છે. બીસીસીઆઈ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શરૂઆતમાં ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠને કહ્યું કે દેશમાં ક્રિકેટની રમત અત્યંત સુવ્યવસ્થિત છે. તેમણે કહ્યું કે બીસીસીઆઈ એક સ્વાયત્ત સંસ્થા છે અને તમામ ફેરફારો અંગે ક્રિકેટ સંસ્થાની એજીએમે વિચાર કર્યો છે. આ અંગે પીઠે કહ્યું કે બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા છે એટલા માટે અમે તેના કામકાજનું માઈક્રો મેનેજમેન્ટ ન કરી શકીએ.

આ પછી તુષાર મહેતાએ કહ્યું કે અત્યારનું જે બંધારણ છે તેમાં કુલિંગ ઑફ પીરિયડ સામેલ છે. જો હુંએક કાર્યકાળ માટે રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈનો પદાધિકારી છું તો મારે કુલિંગ ઑફ પીરિયડમાંથી પસાર થવું પડે છે. તેમણે કહ્યું કે આ બન્ને એકમ અલગ છે અને તેના નિયમો પણ અલગ જ છે તેમજ ગ્રાઉન્ડલેવલ પર નેતૃત્વ વિકસિત કરવા માટે પદાધિકારીના સતત બે કાર્યકાળ બહુ ઓછા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement