ગુજરાત-હિમાચલ અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી એકસાથે યોજાશે ! પંચની તૈયારી

14 September 2022 03:59 PM
India Politics
  • ગુજરાત-હિમાચલ અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી એકસાથે યોજાશે ! પંચની તૈયારી

♦ દેશના સૌથી સંવેદનશીલ રાજયમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવા નિર્ણય

♦ કાશ્મીરમાં તા.1 ઓકટો સુધીમાં મતદાર યાદીને આખરી સ્વરૂપ: ભાજપના વરિષ્ઠ નેતાઓના પ્રવાસ પણ શરૂ થશે: ચૂંટણી ઢંઢેરામાં પુર્ણ રાજયનો દરજજાનું વચન આપવા ભાજપની તૈયારી

નવી દિલ્હી,તા. 14
ગુજરાતમાં આગામી નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પણ સાથે યોજાય તેવી રાજકીય અટકળો વ્યક્ત થઇ રહી છે ત્યારે એવા મહત્વપૂર્ણ સંકેતો સાંપડ્યા છે કે દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય એવા જમ્મુ-કાશ્મીરમાં પણ ગુજરાત-હિમાચલની સાથે જ ધારાસભાની ચૂંટણી યોજી દેવામાં આવશે. આ દિશામાં ચૂંટણી પંચ દ્વારા વિચારણાની સાથે તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે.

એકસાથે ત્રણ રાજ્યોની ચૂંટણી જાહેર થવાના સંજોગોમાં રાજકીય પક્ષોએ મોટી દોડધામ કરવી પડે તે સ્પષ્ટ છે. ખાસ કરીને કાશ્મીરમાં કલમ-370ની નાબૂદી બાદ પ્રથમ વખત ચૂંટણી થાય તેમ હોવાથી રાજકીય પક્ષોએ તમામ તાકાત કામે લગાડવી પડે તેવી સ્થિતિ સર્જાશે.

દેશના સૌથી સંવેદનશીલ રાજય જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષના અંત પુર્વે વિધાનસભા ચૂંટણીઓ યોજાશે તેવા સંકેત છે. રાજયને ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદી બાદ રાજયમાં નવા સિમાંકન સાથેની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. લદાખ ક્ષેત્રને અગાઉથી જ જમ્મુ-કાશ્મીરથી અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવી દેવાયા છે.

તા.1 ઓકટો. સુધીમાં રાજયની નવી મતદાર યાદી પણ તૈયાર થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાજયમાં શાંતિ જાળવવા અને જનજીવન રોજીંદુ બને તે માટે સતત મોનેટરીંગ બેઠકો યોજી હતી અને હવે રાજયમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે યોગ્ય સમય હોવાનો પણ સંકેત મળી જતા આગામી 2-3 માસમાં જમ્મુ-કાશ્મીરમાં ધારાસભા ચૂંટણીયો યોજાશે અને ચૂંટાયેલી સરકારને રાજયમાં શાસન સુપ્રત કરી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાશે.

રાજયમાં ભાજપે ચૂંટણી તૈયારી શરૂ પણ કરી દીધી છે અને પક્ષના વરિષ્ઠ નેતાઓ શ્રી અમિત શાહ, શ્રી રાજનાથ સિંહ, નિતીન ગડકરી, સ્મૃતિ ઈરાની વિ. પ્રયાસ કરીને ચૂંટણીઓ અંગે ફીડબેક મેળવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભાજપે તેની ચૂંટણી તૈયારીમાં હવે ઢંઢેરો પણ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં સૌથી મહત્વનું જમ્મુ-કાશ્મીરને પુર્ણ રાજયનો દરજજો બહાર કરવાનું પણ વચન અપાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement