કચ્છના દરિયામાંથી ફરી રૂા. 200 કરોડનું ડ્રગ્સ પકડાયું : છ પાકિસ્તાની ઝબ્બે

14 September 2022 04:05 PM
kutch Gujarat
  • કચ્છના દરિયામાંથી ફરી રૂા. 200 કરોડનું ડ્રગ્સ પકડાયું : છ પાકિસ્તાની ઝબ્બે

ગુજરાત એટીએસ તથા કોસ્ટ ગાર્ડનું ઓપરેશન : પંજાબની જેલમાંથી કારોબાર થતો હોવાનો અને જેલવાસ ભોગવતા નાઈજીરીયને જથ્થો મંગાવ્યો હોવાનો ધડાકો

અમદાવાદ,તા. 14
ગુજરાતમાંથી નશીલા પદાર્થો-ડ્રગ્સનો જથ્થો પકડાવાનો સીલસીલો અટકતો ન હોય તેમ આજે એટીએસ અને કોસ્ટ ગાર્ડે વધુ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરી હતી. પંજાબની જેલમાંથી આ સમગ્ર કારોબાર થતો હોવાનો ઘટસ્ફોટ
થયો છે.

એટીએસના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે દરિયા કિનારા મારફત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા વધુ એક પ્રયાસ થઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એટીએસ તથા કોસ્ટ ગાર્ડે વોચ ગોઠવી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ખાસ નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન કચ્છના જખૌથી 33 દરિયાઇ માઇલ દૂર પાકિસ્તાની શંકાસ્પદ બોટને પકડવામાં આવી હતી. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડની બે ફાસ્ટ એટેક બોટ ધસી ગઇ હતી.

પાકિસ્તાની બોટને આંતરી હતી અને તલાશીમાં 200 કરોડનું 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને બોટ તથા પાકિસ્તાની શખ્સોને જખૌ લાવવામાં આવ્યા છે. જ્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘનિષ્ઠ પુછપરછ શરુ કરવામાં આવી છે.

માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે વધુ એક ડ્રગ્સ રેકેટ ભેદયું છે. પ્રાથમિક પુછપરછમાં એવો ખુલાસો થયો છે કે પંજાબની જેલમાં કેદ એક નાઈજીરીયન દ્વારા આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને જેલમાંથી જ તેનો કારોબાર કરવામાં આવતો હતો.

ગુજરાતમાંથી છેલ્લા એક-દોઢ વર્ષથી નશીલા દ્રવ્યોનો જંગી જથ્થો પકડાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના બંદરો, જળસીમા તથા સીમાવતી ગામડાઓમાંથી ચાલુ વર્ષે જ અત્યાર સુધીમાં માત્ર એટીએસે 9 ઓપરેશન હાથ ધર્યા છે અને અંદાજીત 1900 કરોડનો જથ્થો પકડ્યો હોવાનું અત્રે ઉલ્લેખનીય છે. ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવાના સીલસીલાને પગલે રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે અને સરકારની નિષ્ફળતાથી ડ્રગ્સ સિન્ડીકેટ સક્રિય હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

જો કે રાજ્ય સરકાર ડ્રગ્સ સિન્ડીકેટના ષડયંત્રોને નિષ્ફળ બનાવી રહ્યાનો દાવો કરી રહી છે. તાજેતરમાં જ નાર્કોટીક બ્યુરો તથા એટીએસના સંયુક્ત ઓપરેશનમાં વડોદરા અને અંકલેશ્ર્વરમાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સિવાય દિલ્હી, ઉતરપ્રદેશ, કોલકાતામાં પણ એટીએસે ઓપરેશન પાર પાડ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement