રાજ્યભરના શહેર-જીલ્લા પ્રમુખોને 18મીએ કોંગ્રેસનું તેડુ : ચૂંટણીના સ્થાનિક સમીકરણોની સમીક્ષા થશે

14 September 2022 04:27 PM
Rajkot Gujarat Politics
  • રાજ્યભરના શહેર-જીલ્લા પ્રમુખોને 18મીએ કોંગ્રેસનું તેડુ : ચૂંટણીના સ્થાનિક સમીકરણોની સમીક્ષા થશે

રાજકોટ,તા. 14
વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ ગળાડૂબ છે. ઉમેદવાર પસંદગી સહિતની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી જ છે. તે પૂર્વે પાર્ટી નેતાગીરી દ્વારા રાજ્યભરના શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રમુખો તથા આગેવાનોને તેડુ મોકલવામાં આવ્યું છે અને ઉમેદવારી પસંદગી કરતા પૂર્વે સ્થાનિક સમીકરણોથી માંડીને વિવિધ મુદ્દાઓ પર સૂચનો મેળવવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું હતું કે આગામી 18મીને રવિવારે ગુજરાતભરના શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રમુખો તથા સિનિયર આગેવાનોને તેડાવવામાં આવ્યા છે. પાર્ટી નેતાગીરી તેમની સાથે વર્તમાન રાજકીય ચિત્ર, જે તે શહેર-જિલ્લાની બેઠકોના સ્થાનિક સમીકરણો,કોંગ્રેસે તાજેતરમાં યોજેલા આંદોલનાત્મક કાર્યક્રમોના પ્રત્યાઘાત વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ વિવિધ પાસાઓનો સર્વે કરાવવામાં આવ્યો છે અને તેના આધારિત જે તે શહેર-જિલ્લાના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવા કોંગ્રેસે વ્યૂહ અપનાવ્યો છે. આ વખતે ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ તમામ 182 બેઠકો પર ઝુકાવવાની હોવાથી બેવડા પડકારનો સામનો કરવાનો થાય છે અને તેના આધારિત વ્યૂહ ઘડવામાં આવ્યા છે.

કોંગ્રેસે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુક્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્તરનાં નેતાઓને જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તમામેતમામ લોકસભા મતક્ષેત્ર દીઠ પણ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવાર પસંદગી સ્થાનિક સ્તરે જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે કોંગ્રેસ પૂરી તાકાત લગાવવા કટીબધ્ધ હોવાની છાપ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement