મહેલા જયવર્ધને-ઝહીર ખાનનું વધ્યું કદ: મુંબઈ ઈન્ડિયન્સની ત્રણેય ટીમમાં મળી મહત્ત્વની જવાબદારી

14 September 2022 05:10 PM
Sports
  • મહેલા જયવર્ધને-ઝહીર ખાનનું વધ્યું કદ: મુંબઈ ઈન્ડિયન્સની ત્રણેય ટીમમાં મળી મહત્ત્વની જવાબદારી

મુંબઈ ઈન્ડિયન્સ પાસે આઈપીએલ ઉપરાંત હવે અન્ય બે ટીમો છે એટલા માટે ફ્રેન્ચાઈઝીએ જયવર્ધનેને ગ્લોબલ હેડ ઑફ પરફોર્મન્સ અને ઝહીર ખાનને ગ્લોબલ હેડ ઑફ ક્રિકેટ ડેવલપમેન્ટના ખાસ પદ પર આપી નિયુક્તિ

રાજકોટ, તા.14 : શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને અને દેશના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઝહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. મુંબઈ પાસે હવે આઈપીએલ ઉપરાંત અન્ય બે ટીમો પણ છે. આવામાં ફ્રેન્ચાઈઝીએ જયવર્ધનેને ગ્લોબલ હેડ ઑફ પરફોર્મન્સ તેમજ ઝહીર ખાનને ગ્લોબલ હેડ ઑફ ક્રિકેટ ડેવલપમેન્ટના ખાસ પદ પર નિયુક્ત કર્યા છે.

નવી ભૂમિકામાં ઝહીર ખાન હવે ખેલાડીઓના વિકાસની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત ભારતીય દિગ્ગજ યુવા ખેલાડીઓના ટેલેન્ટને પરખવાનું કાર્ય પણ કરશે. મુંબઈ માટે હંમેશા રો-ટેલેન્ટ સફળતાનો મુળ મંત્ર રહ્યો છે. ઝહીર પોતાની નવી ભૂમિકામાં અન્ય બન્ને ટીમો માટે પણ આ જ ભૂમિકા ભજવશે. જ્યારે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને રણનીતિથી લઈને હાઈ પરફોર્મન્સ ઈકો સિસ્ટમ બનાવવાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત તેઓ ત્રણેય ટીમોના મુખ્ય કોચને દિશા-નિર્દેશ પણ આપશે. એટલું જ નહીં જરૂર પડવા પર તે ટીમ સાથે પોતાનો અનુભવ પણ શેયર કરશે.

ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને એક નવા સ્તર સુધી લઈ જવાની કોશિશમાં છે એટલા માટે ઝહીર અને જયવર્દનેને આ મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પહેલાં ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સના રૂપમાં સામેલ થતી હતી પરંતુ હવે તેણે નવી બે ટીમો બનાવી છે જેમાં એમઆઈ કેપટાઉન અને એમઆઈ અમીરાત સામેલ છે. દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન શ્રી આકાશ એમ.અંબાણીએ જણાવ્યું કે અમારી ગ્લોબલ કોર ટીમમાં જયવર્ધને અને ઝેક (ઝહીર ખાન)ને સામેલ કરીને હું અત્યંત ખુશી અનુભવું છું.

આ બન્ને મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો મહત્ત્વનો હિસ્સો છે અને મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ સ્પિરિટને પ્રદર્શિત કરે છે. મને વિશ્વાસ છે કે તેઓ વૈશ્વીક સ્તરે અમારી ટીમોમાં આ જ પ્રકારે યોગદાન આપશે અને સમગ્ર વિશ્વની ક્રિકેટિંગ ઈકોસિસ્ટમમાં ફેરફાર લાવશે. મહેલા જયવર્ધનેએ જણાવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ ક્રિકેટ ઓપરેશન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે ખૂબ જ મોટું સન્માન છે.

શ્રીમતિ અંબાણી અને આકાશના નેતૃત્વ તેમજ માર્ગદર્શને મુંબઈ ઈન્ડિયન્સને સૌથી મૂલ્યવાન ગ્લોબલ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી બનાવી છે અને મુંબઈ ઈન્ડિયન્સનો વૈશ્વીક વિકાસ જોઈને મને અનહદ ખુશી થાય છે. મજબૂત સાતત્યપૂર્ણ વૈશ્વીક ક્રિકેટ બ્રાન્ડનું નિર્માણ કરવાની નવી જવાબદારી અંગે હું આશાવાદી છું.ઝહીર ખાને જણાવ્યું કે હું વિનમ્રતાપૂર્વક આ નવી ભૂમિકા સ્વીકારું છું અને મારામાં વિશ્વાસ મુકવા બદલ શ્રીમતિ નીતા અંબાણી અને આકાશનો આભાર વ્યક્ત કરું છું. એક ખેલાડી અને કોચિંગ ટીમના સભ્ય તરીકે મુંબઈ ઈન્ડિયન્સ મારું ઘર રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement