બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતી ક્રિકેટર અત્યારે ભેંસ-બકરી ચરાવવા મજબૂર !

15 September 2022 12:09 PM
Gujarat Sports
  • બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતી ક્રિકેટર અત્યારે ભેંસ-બકરી ચરાવવા મજબૂર !

અરવલ્લીના પીપરાણા ગામે રહેતા અને નેત્રહિન એવા ભલાજી ડામોરનું તત્કાલિન રાષ્ટ્રપતિએ કર્યું’તું સન્માન

અરવલ્લી, તા.15 : ભલાજી ડામોરનું નામ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ભલાજી પણ ઈન્ટરનેશનલ સ્તરે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યા છે પરંતુ તેમની જિંદગી કોહલી, સેહવાગ, ધોની જેવા ક્રિકેટર જેવી નથી. જે ભલાજી ડામોરે વર્ષ 1998ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમને પોતાના દમ પર સેમિફાઈનલમાં પહોંચાડી હતી તે ભલાજી ડામોર અત્યારે ભેંસ-બકરીઓ ચરાવી રહ્યા છે. સાથે જ ગુજરાન ચલાવવા નાની-મોટી મજૂરી કરી રહ્યા છે. ભલાજીનું કરિયર શાનદાર રહ્યું છે અને તેણે કુલ 125 મેચમાં 3125 રન બનાવ્યા છે અને 150 વિકેટ મેળવી છે.

અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામમાં રહેતાં ભલાજી ડામોર પોતાની કેટેગરીમાં ભારત વતી સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડી છે. ભારત જ્યારે 1998ના બ્લાઈન્ડ વર્લ્ડકપ મુકાબલાના સેમિફાઈનલમાં આફ્રિકા ટીમ સામે હારી ગયું હતું ત્યારે પણ શાનદાર પ્રદર્શન બદલ તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને ભલાજી ડામોરના ભરપેટ વખાણ કર્યા હતા. સામાન્ય નેત્રીમતા ધરાવતાં ક્રિકેટરોને જ્યાં વિકેટ લેવા માટે બિરદાવાય છે ત્યારે ભલાજી નેત્રહિન હોવા છતાં પણ સરળતાથી બેટરોને બોલ્ડ કરી દેતા હતા.

અત્યારે ભલાજી ડામોર પોતાના ગામમાં એક એકર જમીન પર ખેતીકામ કરે છે. આ જમીનમાં તેના ભાઈનો પણ ભાગ છે. તેની જમીનથી એટલી આવક નથી થતી કે પરિવારનું ગુજરાન ચલાવી શકાય. તેમના પત્ની અનુ પણ ગામમાં બીજા લોકોના ખેતરમાં જઈને મજૂરી કરે છે. ભલાજીનો ચાર વર્ષનો પુત્ર પણ છે જેનું નામ સતીશ છે અને તેની આંખો સામાન્ય છે. પરિવાર પાસે રહેવાના નામે એક રૂમનું તૂટેલું-ફૂટેલું ઘર છે. આ ઘરમાં ભલાજીને ક્રિકેટર તરીકે મળેલા સર્ટિફિકેટ અને ટ્રોફીઓ જોવા મળે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement