ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂકેલા રોબિન ઉથપ્પાનો સંન્યાસ

15 September 2022 12:14 PM
Sports
  • ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂકેલા રોબિન ઉથપ્પાનો સંન્યાસ

આઈપીએલ પણ નહીં રમે: સન્માન આપનારા તમામ લોકોનો વ્યક્ત કર્યો આભાર

નવીદિલ્હી, તા.15
ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ઉથપ્પાએ 15 એપ્રિલ-2006ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. ઈન્દોરમાં રમાયેલી પોતાની ડેબ્યુ મેચમાં રોબિને ઓપનિંગ કરતાં 86 રન બનાવ્યા હતા. ઉથપ્પાએ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા પ્રેમ અને સન્માન આપનારા દરેક વ્યક્તિનો આભાર માન્યો છે.

ઉથપ્પા આક્રમક બેટિંગ કરનારો બેટર હતો અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં બન્ને ફોર્મેટમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે દેશ માટે છેલ્લી મેચ 2015માં રમી હતી. તેણે ટવીટ કર્યું કે પોતાના દેશ અને પોતાના રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે તમામ સારી ચીજોનો અંત આવે છે એટલા માટે કૃતજ્ઞ હૃદય સાથે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. રોબિન ઉથપ્પા 2007માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાનો હિસ્સો પણ હતો.

ઉથપ્પાએ આગળ લખ્યું કે હું મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પૂના અને રાજસ્થાનનો પણ આભાર માનું છું જેમણે મને આઈપીએલ રમવાની તક આપી છે. સાથે જ કોલકત્તા અને ચેન્નાઈની ટીમ મારા માટે ઘણી સ્પેશ્યલ છે જેણે આઈપીએલ દરમિયાન મારા પરિવારનું આટલું ધ્યાન રાખ્યું. આ સાથે જ ઉથપ્પાએ હવે આઈપીએલમાં પણ નહીં રમવાનો નિર્ણય લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement