IPL સ્પોટ ફિક્સિગંમાં સંડોવાયેલા પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું નિધન

15 September 2022 12:16 PM
Sports
  • IPL સ્પોટ ફિક્સિગંમાં સંડોવાયેલા પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું નિધન

આઈસીસીની એલિટ પેનલનો હિસ્સો રહી ચૂકેલા રઉફ લાહોરમાં પોતાની બૂટ-ચપ્પલની દુકાન બંધ કરીને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન: 231 આંતરરાષ્ટ્રીય મેચમાં કર્યું’તું અમ્પાયરિંગ

નવીદિલ્હી, તા.15
આઈસીસીની એલિટ પેનલનો હિસ્સો રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફનું લાહોરમાં નિધન થયું છે. 66 વર્ષીય રઉફના નિધનની જાણકારી તેના ભાઈ તાહિર રઉફે આપતાં જણાવ્યું કે તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તેઓ જ્યારે લાહોરમાં પોતાની દુકાન બંધ કરીને પરત ફરી રહ્યા હતા

ત્યારે જ છાતીમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલે ખસેડ્યા બાદ તેમનું નિધન થયું હતું. આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓના રમવા ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ પણ રઉફ આઈપીએલમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા. 2013માં તેમના ઉપર સ્પોટ ફિક્સિગંનો આરોપ લાગ્યો હતો જેથી આઈપીએલની સીઝન વચ્ચેથી જ છોડીને જવું પડ્યું હતું. બીજી બાજુ આ વર્ષે તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ હટાવી દેવાયા હતા. તેઓ આઈસીસીની ઈન્ટરનેશનલ અમ્પાયર પેનલમાં હતા જેમાંથી પણ તેમને પડતા મુકાયા હતા.

રઉફ વર્ષ 2006થી 2013 સુધી આઈસીસીની એલિટ અમ્પાયર પેનલના સભ્ય હતા. તેમણે 231 મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું જેમાં 64 ટેસ્ટ, 28 ટી-20 અને 139 વન-ડે મેચ સામેલ છે. પાકિસ્તાની અમ્પાયરે 2013માં આઈપીએલમાં સ્પોટ ફિક્સિગંનો આરોપ લાગ્યા બાદ તમામ પ્રકારના અમ્પાયરિંગમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને 2016માં ભ્રષ્ટાચારના દોષિત ઠેરવીને પાંચ વર્ષ માટે ક્રિકેટમાં પ્રતિબંધિત કર્યા હતા. અમ્પાયરિંગ કરવાનું બંધ કર્યા બાદ રઉફની આર્થિક હાલત એટલી હદે કથળી જવા પામી હતી કે લાહોરમાં જ તેમણે બૂટ-ચપ્પલની દુકાન શરૂ કરવી પડી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી આ દુકાન ઉપર જ નિર્ભર હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement