સૌરવ ગાંગૂલીના સ્થાને જય શાહ બની શકે BCCIના પ્રમુખ: 15 ક્રિકેટ એસો.નું સમર્થન

15 September 2022 12:20 PM
Sports
  • સૌરવ ગાંગૂલીના સ્થાને જય શાહ બની શકે BCCIના પ્રમુખ: 15 ક્રિકેટ એસો.નું સમર્થન

► સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગાંગૂલી-જય શાહની ખુરશી યથાવત રહી: જો કે બોર્ડના મોટાભાગના અધિકારીઓના ત્રણ વર્ષના કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવાથી નવેસરથી ચૂંટણી યોજાશે

► સુપ્રીમના ચુકાદા બાદ હવે કોઈ પણ સભ્ય ત્રણ વર્ષ સ્ટેટ ક્રિકેટ એસો. અને ત્રણ વર્ષ બીસીસીઆઈમાં પદ મેળવી શકશે: ત્રણ વર્ષના કુલિંગ ઑફ પીરિયડના નિયમમાં ફેરફાર

નવીદિલ્હી, તા.15 : સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના બંધારણમાં સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી અને સચિવ જય શાહ વધુ એક ટર્મ માટે બોર્ડનો હિસ્સો રહી શકશે. 2019માં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી બોર્ડપ્રમુખ બન્યા હતા જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સચિવ અને દેશના ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના પુત્ર જયભાઈ શાહ બીસીસીઆઈ સચિવ બન્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે બીસીસીઆઈમાં ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. બોર્ડ ટૂંક સમયમાં પોતાની વાર્ષિક સામાન્ય સભા બોલાવવા જઈ રહ્યું છે.

બંધારણમાં સંશોધનનો નિર્ણય લીધા બાદ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને નવેસરથી ચૂંટણી માટે નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. બોર્ડના હાલના અધિકારી આ મહિને પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે એટલા માટે ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. 34 વર્ષીય જયભાઈ શાહ શું હવે બીસીસીઆઈના પ્રમુખ બનશે ? આ અંગે વહેતા થયેલા એક અહેવાલ પ્રમાણે 15 સ્ટેટ ક્રિકેટ એસોસિએશનો જયભાઈ શાહને બોર્ડના નવા પ્રમુખ બનાવવાની તરફેણમાં છે. મોટાભાગના એસોસિએશનોનું માનવું છે કે કોરોના છતાં આઈપીએલને સફળ બનાવવા પાછલ જયભાઈ શાહનું મહત્ત્વનું યોગદાન રહેલું છે.

આ સાથે જ આઈપીએલના મીડિયા રાઈટસથી બોર્ડને 48,390 કરોડ રૂપિયાની કમાણી પણ તેમના માર્ગદર્શન થકી જ થવા પામી છે. સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે જયભાઈ શાહને બીસીસીઆઈની કમાન સોંપવાનો આ શ્રેષ્ઠ સમય છે અને તમામ ક્રિકેટ એસોસિએશનો તેમનું સમર્થન કરવા માટે તૈયાર છે. જો કે સવાલ એ પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી કે જો જયભાઈ શાહ બોર્ડપ્રમુખ બને છે તો સૌરવ ગાંગૂલીનું શું થશે ?દરમિયાન બીસીસીઆઈના બંધારણ પ્રમાણે કોઈ પણ સભ્ય સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અથવા બોર્ડમાં કુલ છ વર્ષ સુધી રહી શકતા હતા.

આ પછી તે સભ્ય માટે ત્રણ વર્ષનો કુલિંગ પીરિયડ લાગુ પડતો હતો અર્થાત્ આ દરમિયાન તે બોર્ડ અથવા રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે જોડાઈ શકતા નહોતા. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કોઈ પણ સભ્ય હવે છ વર્ષ સુધી રાજ્ય અને છ વર્ષ સુધી બોર્ડમાં અલગ-અલગ રહી શકે છે. આ પછી તે સભ્યએ કુલિંગ ઑફ પીરિયડમાં જવું પડશે. એકંદરે ત્રણ વર્ષ સુધી સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સભ્ય રહ્યા બાદ એ સભ્ય ત્રણ વર્ષ માટે બીસીસીઆઈમાં ફરીથી પદ હાંસલ કરી શકશે.


Related News

Advertisement
Advertisement
Advertisement