ગોવા પછી હવે ગુજરાતનો વારો : કોંગ્રેસના અર્ધો ડઝન ધારાસભ્યો ‘છેડો’ ફાડશે

15 September 2022 02:08 PM
Ahmedabad Gujarat Politics
  • ગોવા પછી હવે ગુજરાતનો વારો : કોંગ્રેસના અર્ધો ડઝન ધારાસભ્યો ‘છેડો’ ફાડશે

કોંગ્રેસના ધારાસભ્યોને ‘લેવાનું’ નક્કી જ છે પરંતુ ભાજપ ‘યોગ્ય’ સમયની પ્રતિક્ષામાં હોવાનો નિર્દેશ : સારૂ ભવિષ્ય નજરે ચડતું ન હોવાથી નેતાઓ કોંગ્રેસને રામ-રામ કરતા હોવાની ચર્ચા

અમદાવાદ,તા. 15
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાજકીય યાત્રાએ છે પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની હાલત વધુને વધુ ખરાબ થતી રહી હોય તેમ ગોવામાં મોટુ ભંગાણ સર્જાયા બાદ હવે ગુજરાતનો વારો આવશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા બે મહિનામાં જ યોજાવાની છે તેવા સમયે નવી અટકળોનો દોર શરુ થયો છે.

છેલ્લા વર્ષોથી રાજકીય રીતે નબળી પડી ગયેલી કોંગ્રેસને ફરી બેઠી કરવા અને લોકોમાં સ્થાન જમાવવા માટે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરુ કરી છે. પરંતુ તે દરમિયાન જ જુદા-જુદા સ્તરોએ પાર્ટીમાં ભંગાણ પડવા લાગ્યું છે. યાત્રા પૂર્વે ગુલામ નબી આઝાદે પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને ગઇકાલે ગોવામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો કોંગ્રેસના રામ રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસની એકધારી ચૂંટણી હારને પગલે નેતાઓનો સંયમ તૂટી રહ્યો હોવાની છાપ છે.

એવી રાજકીય અટકળો વ્યક્ત થવા લાગી છે કે, ગોવા પછી હવે ગુજરાતમાં કોંગ્રેસમાં ભાંગફોડ થશે અને અર્ધો ડઝન જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ જશે. અર્ધો ડઝન જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના હોવાની અટકળો કેટલાક વખતથી વ્યક્ત થઇ જ રહી છે. આ ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળી પણ ચૂક્યા છે અને રાજ્યસભાની ચૂંટણી વખતે પાર્ટીના મેન્ડેટનો ભંગ કરીને ભાજપને મત આપ્યા હોવાનું કહેવાય જ છે.

સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસના અર્ધો ડઝન ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું નિશ્ચિત જ છે પરંતુ તેમને સામેલ કરવા ભાજપની નેતાગીરી ‘યોગ્ય’ સમયની પ્રતિક્ષા કરી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી સાવ નજીક આવી ગઇ છે ત્યારે મોકો જોઇને ભાજપ ઓપરેશન પાર પાડી દે તેવી શક્યતા છે.

કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે અને માસાંતે નામાંકન પ્રક્રિયા પણ શરુ થઇ જવાની છે તે પૂર્વે હજુ પાર્ટીને કેટલા રાજકીય ઝટકા લાગે છે તેના પર તમામ રાજકીય નેતાઓની નજર છે. કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળુ હોવાનું માનીને જ અનેક નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડતા હોવાનું કહેવાય છે.

કોંગ્રેસની વર્તમાન હાલતને નજરમાં લેવામાં આવે તો નજીકના ભવિષ્યમાં કોઇ મોટો ચમત્કાર થઇ શકે તેવી સ્થિતિ નથી. આંતરિક સમસ્યાઓને કારણે જ પાર્ટીની હાલત ખરાબ થતી હોવાનું પણ કહેવાય છે. કોંગ્રેસ પ્રમુખના પૂર્વ રાજકીય સલાહકાર અહેમદ પટેલના નિધન પછી આંતરિક પરિસ્થિતિમાં ખાલીપો આવી ગયો હોવાની પાર્ટીમાં જ ચર્ચા છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા આઠ વર્ષમાં કોંગ્રેસમાંથી 170થી વધુ ધારાસભ્યોએ છેડો ફાડી લીધો છે અને અન્ય પાર્ટીઓમાં સામેલ થઇ ગયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement