41નો થયો હવે બસ...: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન

16 September 2022 09:47 AM
India Sports World
  • 41નો થયો હવે બસ...: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસનું કર્યું એલાન

♦ આવતાં સપ્તાહે ‘લેવર કપ’માં રમીને લેશે વિદાય

237 સપ્તાહ સુધી નંબર વન રહેવાનો રેકોર્ડ ફેડરરના નામે; 20 ગ્રાન્ડસ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી: એક મહિનાની અંદર ટેનિસના બબ્બે દિગ્ગજોનો સંન્યાસ

♦ પોતાની સુવર્ણ કારકીર્દિમાં ફેડરરે જીતી 103 ટ્રોફી: સચિન, નાડાલ, કાર્લોસ, બુમરાહ સહિતના દિગ્ગજોએ ફેડરરને આગળના ભવિષ્ય માટે પાઠવી શુભકામના

નવીદિલ્હી, તા.16
દુનિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ પૈકીના એક એવા રોજરર ફેડરરે પોતાના પ્રોફેશ્નલ કરિયરને વિરામ આપવાનું એલાન કર્યું છે. આવતાં સપ્તાહે રમાનારા ‘લેવર કપ’માં સ્વિત્ઝરલેન્ડનો 41 વર્ષીય ફેડરર છેલ્લીવાર રમશે. ફેડરરરે ચાર મિનિટ 24 સેક્ધડનો વીડિયો શેયર કરીને પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હું 41 વર્ષનો થઈ ગયો છું, હવે બસ...

ફેડરર જૂલાઈ-2021માં વિમ્બલ્ડનમાં રમ્યા બાદ કોર્ટ પર ઉતર્યો નથી. આ પછી તેના ઘૂંટણની બે સર્જરી થઈ છે. તે આ વર્ષે જૂલાઈમાં ઑલ ઈંગ્લેન્ડ ક્લબમાં સેન્ટર કોર્ટના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયો હતો.

આ સાથે જ એક મહિનાની અંદર ટેનિસના બે દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસથી એક યુગનું સમાપન થઈ જશે. યુએસ ઓપનના ત્રીજા તબક્કામાં હાર બાદ અમેરિકી ખેલાડી સેરેના વિલિયમ્સે પણ રેકેટ સાઈડમાં મુકી દીધું હતું. આ બન્નેએ લગભગ એક સાથે જ કરિયરની શરૂઆત કરી હતી. સેરેનાએ પહેલું ગ્રાન્ડસ્લેમ 1998માં તો ફેડરરે 1999માં રમ્યું હતું. બન્નેના નામે સિંગલ્સમાં (ફેડરર 20, સેરેના 43) 43 ગ્રાન્ડસ્લેમ છે.

ફેડરરે કહ્યું કે હું 41 વર્ષનો થઈ ગયો છું. મેં 24 વર્ષમાં 1500થી વધુ મેચ રમી છે. ટેનિસ જગતમાં મારી સાથે પહેલાંથી ઘણો જ ઉદારતાથી વ્યવહાર કરવામાં આવ્યો છે. ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આ 24 વર્ષ માત્ર 24 કલાકમાં જ પૂર્ણ થઈ ગયા છે. આ એક એવો અનુભવ છે જેમાં મેં મારી આખી જિંદગી જીવી લીધી છે.

ફેડરર 2018માં છઠ્ઠીવાર ઑસ્ટ્રેલિયન ઓપન જીતી 20 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો. આ પછી તે કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નથી. હવે તે સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલે રાફેલ નડાલ (22) અને નોવાક જોકોવિચ (21) બાદ ત્રીજા ક્રમે છે

ઉલ્લેખનીય છે કે ફેડરર 237 સપ્તાહ સુધી સતત નંબર વન ખેલાડી તરીકે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે પોતાના કરિયરમાં કુલ 103 ટ્રોફીઓજીતી છે. 2009માં વિમ્બલ્ડન જીતી તેણે સમ્પ્રાસના સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. ફેડરર 1251 જીત સાથે ટૂર લેવલ પર સૌથી વધુ જીતમાં જીમી કોનર્સ બાદ બીજો ખેલાડી છે.

ફેડરરના સંન્યાસ બાદ સચિન તેંડુલકર, રાફેલ નડાલ, કાર્લોસ અલ્કારેઝ, જસપ્રિત બુમરાહ સહિતના ખેલાડીઓએ તેને આગળના સુવર્ણ ભવિષ્ય બદલ શુભકામના પાઠવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement