વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા લોકો અધીરા: મિનિટોમાં વેચાઈ ગઈ ટિકિટ !

16 September 2022 09:54 AM
India Sports World
  • વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા લોકો અધીરા: મિનિટોમાં વેચાઈ ગઈ ટિકિટ !

23 ઑક્ટોબરે મેલબર્નમાં થનારી ટક્કર માટે ખુરશી પર બેસીને જોવાની ટિકિટ વેચાઈ ગયા બાદ ઉભા ઉભા મેચ જોવા માટેની ટિકિટ વેચાણમાં મુકતાની સાથે જ ઉપડી ગઈ: અત્યાર સુધીમાં વર્લ્ડકપ માટે 82 દેશના પાંચ લાખથી વધુ લોકોએ ખરીદી ટિકિટ

નવીદિલ્હી, તા.16
ઑસ્ટ્રેલિયામાં આવતાં મહિનાની 16મી તારીખથી શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડકપને લઈને ચાહકોનો ઉત્સાહ અત્યારથી જ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઑક્ટોબરે મેલબર્નમાં રમાનારા મુકાબલાને સ્ટેડિયમમાં બેસીને જોવા માટે રીતસરની પડાપડી ચાલી રહી છે. એકંદરે આ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના જણાવ્યા પ્રમાણે ટી-20 વર્લ્ડકપ માટેની અલગ-અલગ મેચોની પાંચ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.

આઈસીસીએ જણાવ્યું કે, ઉભા રહીને મેચ જોવા માટે વધારાની ટિકિટોની વ્યવસ્થા કરવામાં આવી હતી જે વેચાણ માટે રાખ્યાની થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. ટૂર્નામેન્ટ પહેલાં સત્તાવાર વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જ્યાં ક્રિકેટરસિકો પોતાની ટિકિટોનું આદાન-પ્રદાન કરી શકશે.

આઈસીસીએ વધુમાં ઉમેર્યું કે ટી-20 વિશ્ર્વકપમાં 16 આંતરરાષ્ટ્રીય ટીમોની મેચ જોવા માટે 82 દેશોના લોકોએ ટિકિટ ખરીદી છે. આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપ-2020 બાદ આ પહેલો પ્રસંગ હશે જ્યારે આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટમાં સ્ટેડિયમ ખચોખચ ભરેલું રહેશે. 2020માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલ મેચમાં 86174 દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા.

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ જણાવ્યુંકે આ ઉપરાંત સિડનીમાં 27 ઑક્ટોબરે આફ્રિકા-બાંગ્લાદેશ તેમજ ભારત-ગ્રુપ ‘એ’ની બીજા નંબરની ટીમ વચ્ચે રમાનારી મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે.

ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઑક્ટોબરે સિડનીમાં, પાકિસ્તાન અને ગ્રુપ ‘એ’ની રનર્સઅપ તેમજ ભારત-આફ્રિકા વચ્ચે પર્થમાં 30 ઑક્ટોબર તેમજ પાકિસ્તાન-આફ્રિકા વચ્ચે ત્રણ નવેમ્બરે સિડનીમાં રમાનારી સુપર-12ની મેચની થોડી જ ટિકિટો બાકી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement