17 વર્ષ બાદ પાકિસ્તાનમાં શ્રેણી રમવા પહોંચી ઈંગ્લેન્ડ ટીમ: કડક સુરક્ષા-વ્યવસ્થા

16 September 2022 12:07 PM
India Sports World
  • 17 વર્ષ બાદ પાકિસ્તાનમાં શ્રેણી રમવા પહોંચી ઈંગ્લેન્ડ ટીમ: કડક સુરક્ષા-વ્યવસ્થા

20 સપ્ટેમ્બરથી બન્ને વચ્ચે સાત ટી-20 મેચની શ્રેણી રમાશે: કરાંચી-લાહોરમાં ચકલું પણ ન ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત

નવીદિલ્હી, તા.16
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. છેલ્લે 2005માં પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ હતી. ટીમ ઈંગ્લેન્ડ પાછલા વર્ષે પણ પાકિસ્તાનના પ્રવાસે જવાની હતી પરંતુ સુરક્ષા કારણોસર તે કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાનનો આખા વિશ્વમાં ફજેતો થયો હતો અને ફરીવાર સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા હતા. જો કે ઑસ્ટ્રેલિયા અને હવે ઈંગ્લેન્ડ પ્રવાસથી પાકિસ્તાનમાં ફરીથી ક્રિકેટની આશા જન્મી છે.

2009માં શ્રીલંકાઈ ટીમ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાને ન્યુટ્રલ વેન્યુ પર મેચ રમવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે યુએઈને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું હતું. 2012 અને 2015માં પાકિસ્તાને યુએઈમાં ઈંગ્લેન્ડની મેજબાની કરી હતી. જો કે પાછલા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી થઈ છે. ઑસ્ટ્રેલિયાએ તાજેતરમાં જ અંદાજે 20 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

19 ખેલાડીઓની ઈંગ્લેન્ડ ટીમ પાકિસ્તાનમાં સાત ટી-20 મેચની શ્રેણી રમશે. આ મુકાબલા કરાંચી અને લાહોરમાં 20 સપ્ટેમ્બરથી બે ઑક્ટોબર વચ્ચે રમાશે. ત્યારબાદ બન્નેટીમ ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેશે. આ પછી આવતાં વર્ષે ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડની ટીમ ફરીથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે પાકિસ્તાન જશે.

પીસીબીએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા સિરીઝે અમારી સુરક્ષા પ્રણાલી ઉપર વિશ્વાસ વધારી દીધો છે. અમને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી પણ સુરક્ષિત રીતે જ રમાશે. મેચના દિવસોમાં ઈંગ્લેન્ડ ટીમની હોટેલ અને કરાંચીના નેશનલ સ્ટેડિયમની વચ્ચેની સડકોને બંધ કરી દેવામાં આવશે અને સશસ્ત્ર ગાર્ડ તૈનાત રહેશે. એક હેલિકોપ્ટર પણ તેની યાત્રા પર નજર રાખશે અને સ્ટેડિયમ સામેની દુકાનો અને ઑફિસોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પાછલીવાર જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો ત્યારે પાકિસ્તાન સરકાર આતંકીઓ વિરુદ્ધની લડતમાં ભેરવાયેલી હતી. ત્યારથી સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે પરંતુ તાલીબાનના પાડોશી અફઘાનિસ્તાનમાં સત્તામાં પરત આવ્યા બાદ ફરીથી આતંકી ગતિવિધિમાં વધારો થયો છે.

પાકિસ્તાન પહોંચતાં જ ઈંગ્લેન્ડે બતાવી દરિયાદીલી: પૂરપીડિતો માટે મદદનું કર્યું એલાન
પાકિસ્તાનમાં શ્રેણી રમવા માટે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમે દરિયાદિલી બતાવતાં ત્યાં આવેલા વિનાશક પૂરપીડિતો માટે મદદનું એલાન કર્યું છે. ટીમના કેપ્ટન બટલરે કહ્યું કે આ એક મુશ્કેલ સમય છે કે પાકિસ્તાનના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. એક ટીમના રૂપમાં અકે અમુક રકમ દાન કરી રહ્યા છીએ અને એટલી જ રકમ બોર્ડ (ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ) પણ દાન કરશે. આ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે એક નાનો એવો પ્રયાસ છે. આશા છે કે અમે રોમાંચક ક્રિકેટ રમીને લોકોનો ઉત્સાહ વધારી શકશું.


Related News

Advertisement
Advertisement
Advertisement