કોંગ્રેસનો માછીમારો માટે વચનોનો વરસાદ

16 September 2022 02:30 PM
Rajkot Politics
  • કોંગ્રેસનો માછીમારો માટે વચનોનો વરસાદ

બોટમાલિકોને વાર્ષિક 36 હજાર લીટર ટેક્સ મુક્ત ડીઝલ, પાક. જેલમાં રહેલા માછીમાર પરિવારોને આર્થિક સહાય, માછીમાર વિકાસ બોર્ડની રચના સહિત 14 વચનોની જાહેરાત

રાજકોટ,તા. 16
વિધાનસભાના ચૂંટણી વર્ષમાં વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી વચનોનો સીલસીલો અત્યારથી જ શરુ થઇ ગયો છે. કોંગ્રેસ દ્વારા હવે માછીમારો માટે વચનોનો વરસાદ વરસાવ્યો છે. કોંગ્રેસની સતા આવશે તો માછીમારોને ટેક્સ મુક્ત ડીઝલ સહિતના 14 વચનો જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ સહિત જુદા-જુદા શહેરોમાં પત્રકાર પરિષદ યોજીને માછીમારો માટે 14 વચનોનું એલાન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર રચાવાના સંજોગોમાં ગુજરાતના બોટ માલિકોને વાર્ષિક 36,000 લીટર ડીઝલ ટેક્સ મુક્ત આપવામાં આવશે.

નાની ફાઈબર બોટને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની અને તેમાં વાર્ષિક 4000 લીટર પેટ્રોલ ટેક્સ મુક્ત આપવામાં આવશે. આ ઉપરાંત જુના પેન્ડીંગ સબસીડીના નાણા પણ ચૂકવી દેવામાં આવશે.

પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે 50 લાખનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોને મુક્ત કરાવવા ઘનિષ્ઠ પ્રયાસો કરાશે. આવા માછીમારોના પરિવારને 3 લાખનું સહાય પેકેજ અને છૂટકારો ન થાય ત્યાં સુધી પરિવારને રોજના રુા. 400 લેખે આર્થિક સહાય અપાશે. મૃત્યુ પામતા માછીમારોના પરિવારોને 10 લાખની સહાય અપાશે.

2004થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની એનસીડીસી સહાય યોજના ફરી શરુ કરવામાં આવશે. ઝીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવાને અગ્રતા અપાશે. માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરાશે. દરિયામાં ઔદ્યોગિક પ્રદુષણ છોડવાના દૂષણને રોકવા વિધાનસભામાં કાયદો લવાશે. બોટ માલિકો માટે ગોડાઉન, વર્કશોપ અને વિશાળ માછીમારી વ્યાપાર ઝોનની રચના કરવામાં આવશે, સમુદ્રી તોફાન વખતે નુકસાન અંગે વળતર-વીમા યોજના ચાલુ કરાશે, માછીમારી ઉત્પાદનમાં વેલ્યુએડીશન માટે પ્રોસેસીંગ પ્લાન્ટો માટે આર્થિક સહાય અપાશે.

પૂરતો ભાવ મળે અને શોષણ ન થાય તે માટે વ્યક્તિગત કોલ્ડ સ્ટોરેજ માટે આર્થિક સહાય અપાશે. માછીમાર વસાહતો તથા માછીમાર આવાસ યોજના બનાવાશે. માછીમારોના બાળકો માટે શિષ્યવૃતિ જાહેર કરાશે. જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો પર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે. માછીમાર વિકાસ બોર્ડની રચના કરાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement