ન્યુઝીલેન્ડ ‘એ’ સામે ઈન્ડિયા ‘એ’ની કમાન સંજુ સેમસનને સોંપાઈ

17 September 2022 10:01 AM
India Sports World
  • ન્યુઝીલેન્ડ ‘એ’ સામે ઈન્ડિયા ‘એ’ની કમાન સંજુ સેમસનને સોંપાઈ

આ શ્રેણી થકી પૃથ્વી શો, શાર્દૂલ ઠાકુર, ગાયકવાડ, કુલદીપ, રાહુલ ત્રિપાઠી સહિતના ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા લગાવશે એડીચોટીનું જોર

નવીદિલ્હી, તા.17
વિકેટિકપર-બેટર સંજૂ સેમસનને ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. ટીમના એલાન બાદ એવા અહેવાલો વહેતાં થયા હતા કે 27 વર્ષીય આ પ્રતિભાશાળી ક્રિકેટર પોતાના ગૃહરાજ્ય કેરળ વતી રમશે. જો કે ત્યારે એવો સંકેત આપવામાં આવ્યો હતો કે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સની કમાન સંભાળનારા રોયલ્સને વધુ તક અપાશે.

પસંદગીકારોએ સંજુને ન્યુઝીલેન્ડ ‘એ’ વિરુદ્ધ રમાનારી આગલી વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કમાન સોંપી છે. સંજુની આગેવાનીવાળી આ ટીમમાં પૃત્વી શો સહિત અનેક એવા યુવા ખેલાડીઓને તક અપાઈ છે જેથી તેઓ પોતાના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકે.

આ ટીમમાં યુવા ઑલરાઉન્ડર રાજ અંગદ બાવાને પણ રાખવામાં આવ્યો છે. 22 સપ્ટેમ્બરથી ન્યુઝીલેન્ડ ‘એ’ શ્રેણીમાં રાજ પર સૌની નજર રહેશે. ભારતને અન્ડર-19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારો ાજ મીડિયમ પેસર અને ડાબા હાથનો મીડલ ઓર્ડર બેટર છે. તેણે ચંદીગઢ માટે માત્ર બે રણજી મેચ રમી છે પરંતુ સમજી શકાય કે તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વચ્ચે વચ્ચે શિવમ દુબે અને વિજય શંકર જેવા ઑલરાઉન્ડર્સને અજમાવવામાં આવ્યા પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખુદને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આવામાં પસંદગીકારો બોલિંગ ઑલરાઉન્ડર્સનું એક પુલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઈન્ડિયા ‘એ’ ટીમ
સંજુ સેમસન (કેપ્ટન), પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કે.એસ.ભરત (વિકેટકિપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, રાહુલ ચાહર, તીલક વર્મા, કુલદીપ સેન, શાર્દૂલ ઠાકુર, ઉમરાન, મલિક, નવદીપ સૈની, રાજ અંગત બાવા

શ્રેણીનો કાર્યક્રમ
ભારત ‘એ’-ન્યુઝીલેન્ડ ‘એ’ વચ્ચેની વન-ડે શ્રેણીની ત્રણ મેચ 22, 25 અને 27 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement