પૂ. પ્રમુખસ્વામીના દિવ્ય નેતૃત્વનું જમા પાસુ : તેઓ આર્થિક વહીવટમાં અત્યંત કુશળતા ધરાવતા હતા

17 September 2022 10:52 AM
Rajkot Dharmik
  • પૂ. પ્રમુખસ્વામીના દિવ્ય નેતૃત્વનું જમા પાસુ : તેઓ આર્થિક વહીવટમાં અત્યંત કુશળતા ધરાવતા હતા

પપુઆ ન્યુ ગીનીમાં 11 મી સપ્ટેમ્બર 2022 ના દિવસે 7.6 મેગ્નીટ્યુડનો બહુ જબરદસ્ત ધરતીકંપ આવ્યો હતો. તેનાથી આખો દેશ હચમચી ગયો છે. તેમાંથી તો હવે કળ વળી ગઈ છે. પરંતુ તેનાંથી પહેલાં શ્રીલંકામાં આર્થિક ધરતીકંપ આવ્યો અને આખો દેશ તહસનહસ થઈ ગયો છે. હજી કંઈ ઠેકાણું પડ્યું નથી. શ્રીલંકાની ચાલી રહેલી પાઈમાલીનું મૂળ તેની આર્થિક નીતિમાં છે. તેના માટે ઘણા આર્થિક નિષ્ણાતો રાષ્ટ્રપતિ રાજ્પક્ષેની કંગાળ આર્થિક રીતિનો દોષ કાઢે છે. તેમણે 2019માં બહુ મોટી ટેક્સ રાહતો પ્રજાને આપી હતી. તેથી સરકારની આવકમાં બહુ મોટું ગામડું પડ્યું હતું અને વર્ષે 1.4 બિલિયન ડોલર્સની દેશને ખોટ પડી હતી.

આ સિવાય પણ તેઓના વોટબેંકને રાજી રાખવા અને નવા મત મેળવી સત્તા પ્રાપ્ત કરવાના ઉપાયોને કારણે દેશની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી. આમ એક મુખ્ય વ્યક્તિના ઢંગધડા વગરના વ્યવહારથી આખો દેશ દેવાળિયો અને લાચાર થઈ ગયો છે. આ એક ગાફેલ સુકાની સર્જિત આફત છે. અર્થશાસ્ત્રી અને આંકડા પ્રમાણે ભારતના અમુક રાજ્યોમાં પણ નવું આર્થિક સંકટ દેખાઈ રહ્યું છે. દિલ્હી પરનું દેવું સાત ટકા વધ્યું છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ 2022 - 2023 માં પંજાબનું દેવું 2.83 લાખથી વધીને 3.05 લાખ કરોડ થશે. એક દિવસમાં કે એક મહિના કે એક વર્ષમાં કશું કદાચ ન થાય પરંતુ અર્થ વ્યવસ્થા જો બરાબર ન સંભાળી શકાય તો આજે નહીં તો કાલે મુશ્કેલીઓ તો આવે જ છે. અર્થ દૃષ્ટિ અલગ છે આર્થિક આવડત બંને અલગ ભૂમિકા છે. એકમાં ફકત પોતાનું અને આજુબાજુવાળાનું ભલું થાય એવી ગોઠવણ છે અને બીજામાં બધાનું ભલું થાય એવી દીર્ઘદૃષ્ટિ છે.

કોન્સેરો ગ્લોબલ (Consero global)નામની કંપનીના સંશોધન પ્રમાણે The importance of good leadership may seem obvious, but what is less obvious is what makes a good leader સારા નેતૃત્વનું મહત્વ સ્પષ્ટ લાગે છે, પરંતુ જે ઓછું સ્પષ્ટ છે તે એક સારા નેતા બનાવે છે. પછી ઉમેરતા તેઓ જણાવે છે કે The most effective leaders have a sophisticated and thorough understanding of their organization's financial health, and they make decisions grounded in financial realities. પ્રમુખ સ્વામી મહારાજ એવા આર્થિક આગેવાન પણ હતા જેને અર્થ વ્યવહારની પાયાની બાબતો બહુ સ્પષ્ટ હતી.

તેઓ 1200 મંદિરોનો વ્યવહાર સંભાળતા હતા. આ બધાં મંદિરો અને તે સિવાય સંસ્થાની હોસ્પિટલ, સ્કૂલો અને બીજા અન્ય સ્થાનોની આવક જાવકની વિગતો, બેંક ડીટેલ્સ વગેરે ખૂબ સારી રીતે જાણતા. ક્યાં કેટલું વાપરવું, ખર્ચમાં ક્યાં કાપ મૂકવો અને સમગ્ર સંસ્થાનો વ્યવહાર કેવી રીતે બરાબર ચલાવવો તેની સંપૂર્ણ આવડત એમનામાં હતી. અર્થનું સંતુલન તેઓ બહોશીથી કરતા. કોઈપણ વિગત એવી નહીં હોય કે તેઓ સારી રીતે જાણતા ન હોય. એક એક પૈસાની માહિતી તેમની પાસે રહેતી. સંસ્થાના એકાઉન્ટ વિભાગમાં સેવા આપતા ભક્તો બધો જ હિસાબ સો ટકા ચોખ્ખો રાખે. બધા જ આંકડા બહુ જ સ્પષ્ટ અને વ્યવસ્થિત જોવા મળે. વળી એક વિભાગીય જવાબદારી સંભાળનારા અનુભવી સેવકો સમયાંતરે બેન્ક સ્ટેટમેન્ટ અને બેલેન્સ વગેરેના પેપર સ્વામીજીને મોકલે. સ્વામીજી એમની ચકોર નજરે તેનો તલસ્પર્શી અભ્યાસ કરે. કંઈક નવું આવ્યું હોય તો વધારે માહિતી માટે લાગતા વળગતાને તત્કાળ ફોન કરીને અથવા વ્યક્તિગત મળીને પૂછી લે. સંસ્થાની ચાલતી 162 જેટલી સામાજિક પ્રવૃત્તિના હિસાબો પણ વ્યવસ્થિત જુએ. એમને કાયદા ઉપરાંત આર્થિક ક્ષેત્રે અને અર્થતંત્રની બધી બાબતો જાણે કે મોઢે હતી. કોઈ એમને બનાવી જાય એવું ક્યારેય બન્યું નથી.

એક વાર એક મંદિરના હિસાબલક્ષી કાગળીયાં સ્વામીજી પાસે આવ્યા. એમણે બધા જ કાગળીયાં શાંતિથી સુપેરે જોયા અને તપાસ્યા. નાનામાં નાની વિગતો પણ વાંચી સર્વ આંકડા નોંધ્યા. એમાં એમને થોડો ફરક જણાતા તે મંદિરના વ્યવસ્થાપકને ફોન કર્યો અને પૂછ્યું કે આ વખતે યાત્રી નિવાસના આંકડામાં આટલો ફેર કેમ છે? ગયા વર્ષની સરખામણીમાં આટલો બધો તફાવત કેમ આવ્યો છે? વ્યવસ્થાપક કે જણાવ્યું કે ગયા વર્ષે આપ અહીં પધાર્યા ન હતા. તેથી તેના આંકડા એ પ્રમાણે છે. આ વર્ષે આપનું આગમન અમારા મંદિરમાં થયું હતું તેથી દેશ વિદેશના ઘણા ભક્તો મંદિરમાં રોકાયા હતા. તેના કારણે સંખ્યા અને આંકડા બદલાયા છે. આ પ્રસંગના સાક્ષી બધા સ્વામીજીની વહીવટી કુશળતાથી આશ્ર્ચર્ય પામી ગયા! કારણ કે સ્વામીજી પાસે ઘણા વિભાગના આંકડા આવતા હોય. તેમાં એક મંદિરના એક નાના વિભાગના આંકડામાં તફાવત આવ્યો તે પણ સ્વામીજીથી અજાણ્યો ન રહ્યો.

આખા વિશ્ર્વમાં પથરાયેલી બીએપીએસ સંસ્થાના કંઈ કેટલાય સ્થાનો છે. પ્રત્યેક દેશના ધાર્મિક સંસ્થાને લગતા દાન અને તેના વ્યવહાર સંબંધી કાયદા અલગ અલગ છે. સ્વામીજી આ બધા જ દેશના કાયદાથી વાકેફ રહેતા. કદાચ જાણતા ન હોય તો તેના જાણકાર એવા વ્યક્તિઓને પૂછતા અને તેનો સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરતા વળી આર્થિક વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે કરતા. ક્યાં કેટલી જરૂર છે અને ક્યાંથી કેટલી મદદ કરવાની વિનંતી આવી છે અને ક્યાં કેટલી સહાય કરવા જેવી છે એ બધું જ સ્વામીજીને ખબર. હરિભક્તો પણ સ્વામીજીની આ વિશેષતાને જાણતા તેથી જ્યારે જ્યારે તેમને વ્યવહાર સંબંધી કોઈ પણ પ્રશ્ન આવે તો તરત તેઓ સ્વામીજી પાસે દોડી આવતા તેઓ શાંતિથી તેમના આર્થિક વ્યવહારને લગતા અટપટા પ્રશ્નો સાંભળતા અને તેનો સચોટ સમાધાન કરતા. તેનાથી હરિભક્તોનો વ્યવહાર ખૂબ સારો ચાલે. તેમને પછી ક્યારે દેવાળું કાઢવાનો કારમો સમય આવતો નહીં. બધું ખૂબ સારી રીતે પડતું મૂળમાં કહેવાનું એ કે સ્વામીજી આર્થિક વહીવટમાં બહુ કુશળ હતા જે એમના દિવ્ય નેતૃત્વનું જમા પાસું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement