T20માં ‘ઈમ્પેક્ટ પ્લેયર’નો ‘વઘાર’ કરતું BCCI : હવે 15 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં થશે સામેલ

17 September 2022 12:01 PM
India Sports World
  • T20માં ‘ઈમ્પેક્ટ પ્લેયર’નો ‘વઘાર’ કરતું  BCCI : હવે 15 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં થશે સામેલ

♦ હવે મેચ પહેલાં ટીમે 11 નહીં બલ્કે 15 ખેલાડીઓના નામ આપવાના રહેશે: ત્યારપછી જરૂર લાગે તો 11માંથી કોઈ એક પ્લેયરને બદલીને તેના સ્થાને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ને રમાડી શકાશે

♦ આ ખેલાડી બોલિંગ-બેટિંગ બધું જ કરી શકશે: 11 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી નવો નિયમ લાગુ થઈ શકે: આઈપીએલમાં પણ નવો નિયમ બનશે અમલી

નવીદિલ્હી, તા.17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઘરેલું ક્રિકેટના નિયમોમાં મોટાો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારથી મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા માટે 11 નહીં પરંતુ 15 ખેલાડી પાત્ર ગણાશે. બોર્ડ 11 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી ટી-20 સૈયદ મુશતાક અલી ટ્રોફીથી ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ લાગુ કરી શકે છે.

આ નિયમ પ્રમાણે મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં કોઈ એક ખેલાડીને બદલી શકાશે. આ માટે ટીમે ટોસ સમયે 11 ખેલાડીઓ ઉપરાંત અન્ય ચાર ખેલાડીઓના નામ આપવાના રહેશે મતલબ કે આ 15 ખેલાડી મેચ રમવા માટે પાત્ર ગણાશે. ચાર વધારાના ખેલાડીઓમાંથી કોઈ એકનો ઉપયોગ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ના રૂપમાં કરી શકાશે.

અહેવાલો પ્રમાણે બીસીસીઆઈએ આ અંગે તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને સરક્યુલર મોકલ્યો છે. સરક્યુલર પ્રમાણે ટી-20 ક્રિકેટની સતત વધી રહેલી લોકપ્રિયતા સાથે એ જરૂરી છે કે આપણે નવી વસ્તુઓને પ્રસ્તુત કરીએ જે આ ફોર્મેટને ચાહકો માટે જ નહીં બલ્કે ટીમો માટે પણ વધુ આકર્ષક અને રસપ્રદ બનાવશે. નિયમ પ્રમાણે એક ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ બન્ને ટીમો મેચ દરમિયાન એક જ વાર કરી શકશે.

ઑસ્ટ્રેલિયાની ટી-20 લીગ ‘બીગબેશ’માં એક્સ ફેક્ટરના નામથી આ નિયમ લાગુ છે જેમાં દરેક ટીમ પહેલી ઈનિંગની 10મી ઓવર પહેલાં 12મા અથવા 13મા ખેલાડીઓનો ઉપયોગ પ્લેઈંગ ઈલેવનમાં કરી શકશે. આ દરમિયાન બેટિંગ નહીં કરનારા અથવા એક ઓવરથી વધુ બોલિંગ નહીં કરનારા ખેલાડીઓની જગ્યાએ તેને રાખી શકાશે. બીસીસીઆઈના નવા નિયમ પ્રમાણે બન્ને ઈનિંગની 14મી ઓવર પહેલાં ઈમ્પેક્ટ ખેલાડીનો ઉપયોગ કરી શકાશે.

ટીમના કેપ્ટન, કોચ અને ટીમ મેનેજરે ગ્રાઉન્ડ અથવા ફોર્થ અમ્પાયરને ઈમ્પેક્ટ પ્લેયર વિશે જાણ કરવાની રહેશે કે ઈમ્પેક્ટ પ્લેયરના આવ્યા બાદ કયો ખેલાડી બહાર જશે. જો કે બહાર થયેલા ખેલાડીનો ઉપયોગ આખી મેચ દરમિયાન નહીં કરી શકાય તો તે એકસ્ટ્રા પ્લેયર તરીકે ફિલ્ડિંગ કરવા પણ નહીં આવી શકે. બેટિંગ ટીમ વિકેટ પડવા અથવા બ્રેક દરમિયાન ઈમ્પેક્ટ ખેલાડીનો ઉપયોગ કરી શકશે.

જો કોઈ ઈમ્પેક્ટ પ્લેયરને બોલરની જગ્યાએ લાવવામાં આવે છે તો તે પહેલાં કેટલી ઓવર પણ બોલિંગ કરી શક્યો હોય તેની અસર પડશે નહીં મતલબ કે ઈમ્પેક્ટ પ્લેયર પૂરી ચાર ઓવર બોલિંગ કરી શકશે. મેચ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા ખેલાડીની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ થઈ શકશે નહીં.



Related News

Advertisement
Advertisement
Advertisement