25 વર્ષમાં ભારતનું દૂધ ઉત્પાદન ત્રણ ગણુ થઇ જશે

19 September 2022 10:18 AM
Vadodara Gujarat India
  • 25 વર્ષમાં ભારતનું દૂધ ઉત્પાદન ત્રણ ગણુ થઇ જશે

વર્લ્ડ ડેરી સમિટમાં અંદાજ મૂકાયો : વિશ્વસ્તરે અડધુ ઉત્પાદન માત્ર ભારતમાં જ થશે

વડોદરા,તા.19
ગુજરાતમાં શ્વેતક્રાંતિ સર્જાયા બાદ દૂધના ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને આવતા 25 વર્ષમાં તે ત્રણ ગણુ થઇ જવાનો અંદાજ એક અભ્યાસ રિપોર્ટમાં મુકવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના વર્લ્ડ ડેરી સમિટનું આયોજન ભારતમાં 48 વર્ષ બાદ થયું હતું. આ સમિટમાં પેશ થયેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં આવતા 25 વર્ષમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગણુ થઇ જશે. એટલું જ નહીં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા ડબલ થઇ જશે. વિશ્વનું 23 ટકા દૂધ ભારતમાં ઉત્પન્ન થાય છે અને આવતા 25 વર્ષમાં દુનિયાભરનું અર્ધો અર્ધ દૂધ ઉત્પાદન ભારતમાં થશે.

વાર્ષિક 4.5 ટકાના વૃધ્ધિ દર સાથે 25 વર્ષમાં દૂધનું કુલ ઉત્પાદન 628 મીલીયન ટન થવાનો અંદાજ અમૂલના મેનેજીંગ ડાયરેક્ટર અને ઇન્ડીયન ડેરી એસોસિએશનના પ્રમુખ આર.એસ. સોઢીએ દર્શાવ્યો હતો.

ઇન્ટરનેશન ડેરી ફેડરેશનના સભ્ય રહેલા સોઢીએ કહ્યું કે આવતા 25 વર્ષમાં ભારતમાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા 852 ગ્રામ થશે જે હાલ 428 ગ્રામ છે. દૂધ ઉત્પાદનમાં વૃધ્ધિથી નિકાસમાં પણ મોટી વૃધ્ધિ થશે. 2047માં 100 અબજ ડોલરની નિકાસ શક્ય બનશે. ભારતનો ડેરી ઉદ્યોગ હાલ 13 ટ્રીલીયન રુપિયાનો છે.જે આવતા પાંચ વર્ષમાં ડબલ થઇ શકે છે અને 30 ટ્રીલીયન રુપિયા સુધી પહોંચી શકે છે તેમ એનડીડીબીનાં ચેરમેન મિનેષ શાહે કહયું હતું.

ભારતમાં 1951માં દૂધનું ઉત્પાદન 17 મીલીયન ટન હતું તે 2021માં 209.96 મીલીયન ટન થયું છે. 2021માં ડેરી પ્રોડક્ટની નિકાસ 350 મીલીયન ડોલરની હતી. જે 2047માં 100 બીલીયન ડોલરને આંબવાનો અંદાજ છે.


Related News

Loading...
Advertisement
Advertisement