રાજયમાં ચૂંટણી તૈયારીને આખરી ઓપ: રાજકીય પ્રવાસો વધશે

19 September 2022 10:56 AM
Rajkot Gujarat Politics
  • રાજયમાં ચૂંટણી તૈયારીને આખરી ઓપ: રાજકીય પ્રવાસો વધશે

♦ રાજયમાં મેઘરાજાની સટાસટી બાદ હવે તહેવારો-રાજકીય ધમધમાટ શરૂ

♦ ત્રણ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશ્નરના નેતૃત્વની ટીમે બે દિવસ ગાંધીનગરમાં કેમ્પ કરીને સંખ્યાબંધ બેઠકો યોજી: મતદાર યાદીથી મતદાન મથકની વ્યવસ્થાની સમીક્ષા

♦ આવકવેરા-સીબીઆઈ-ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ નાર્કોટીક બ્યુરોને પણ ખાસ ચૂંટણી ફરજ ટીમો તૈયાર રાખવા જણાવાયું: મુખ્ય સચિવ- પોલીસ વડા સાથે બેઠકો

♦ રાજકીય નેતાઓના પ્રવાસો હવે ગતિ પકડશે: વડાપ્રધાન-કેજરીવાલ સ્ટાર આકર્ષણ: પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે છે: ચૂંટણી લડવા માંગતા દાવેદારો એલર્ટ

રાજકોટ: ગુજરાતમાં આગામી દિવસોમાં ખાસ કરીને ઓકટોબર માસના અંત પુર્વે જાહેર થઈ શકતી ધારાસભા ચૂંટણીની રાજકીય તથા વહીવટી તૈયારીઓ હવે આખરી તબકકામાં છે. ગઈકાલે કેન્દ્રીય ચૂંટણીપંચની એક ટીમે બે દિવસ ગાંધીનગરમાં પડાવ નાંખીને રાજયમાં મતદાર યાદીથી ઈ.વી.એમ. ઉપલબ્ધી સુધીની તૈયારીઓને સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત મતદાન મથકોની આવશ્યકતા સ્થાનિક તૈયારીઓ તથા વિવિધ સરકારી કર્મચારીઓની ઉપલબ્ધત તાલીમ વિ. અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતી અને તેમની ટીમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

આ ઉપરાંત પંચ દ્વારા હવે આવકવેરા વિભાગે એકસાઈઝ વિભાગ સીબીઆઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ નાર્કોટીગ કંટ્રોલ બ્યુરો, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, પોષ્ટ વિભાગ સહિતના સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણીપંચના માર્ગદર્શન મુજબ મોનેટરીંગ કરવા ખાસ ટીમો ફાળવવાની પણ સૂચના આપી હતી અને ચૂંટણીપંચની નવ વરિષ્ઠ અધિકારીઓની ટીમમાં વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશ્નર શ્રી ધર્મેન્દ્ર શર્મા, શ્રી નિતેશ વ્યાસ તથા શ્રી હદેશકુમાર સહિતના અધિકારીઓએ બે દિવસ સુધી બેઠકોનો દૌર ચલાવ્યો હતો. આ બાદ રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તથા રાજયના પોલીસવડા શ્રી આશિષ ભાટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચૂંટણી સંબંધીત વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાજયમાં તા.1 ઓકટો.ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ થશે અને બાદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિતની ટીમ પણ ગુજરાત આવશે. રાજયમાં સરકારે બદલીઓનો દૌર લગભગ પુરો કર્યો છે તેમ છતાં આઈપીએસ અને આઈએએસમાં હવે બદલીનો એક આખરી રાઉન્ડ આવી શકે છે અને બાદમાં રાજયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે તેવા સંકેત છે.

રાજકીય નેતાઓના પ્રવાસ શરૂ
બીજી તરફ હવે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ શરૂ થયા છે. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી- આમ આદમી પાર્ટીના વડા શ્રી અરવિંદ કેજરીવાલના પ્રવાસો વધવા લાગ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ માસના અંતથી આગામી માસના મધ્ય સુધીમાં ગુજરાતમાં પાંચ પ્રવાસ કરીને રાજયના અનેક વિસ્તારોને આવરી લેશે તેવા સંકેત છે.

આમ આદમી પાર્ટીના વડા શ્રી કેજરીવાલ ફરી આ સપ્તાહના અંતે આવી રહ્યા છે અને હવે કોંગ્રેસ પક્ષના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધી પણ આ માસના અંતથી ગુજરાતનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી હાલ એકતા યાત્રામાં વ્યસ્ત છે અને તેમને ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતના પ્રવાસે આવશે તેવા સંકેત છે.

પંજાબમાં ‘આપ’ ના વિજય શિલ્પી રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં ડેપ્યુટ કરતા કેજરીવાલ

રાજકોટ: ગુજરાતમાં આગામી ચૂંટણી પુરી તાકાતથી લડવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે હવે તેના બીજા વિશ્વાસુ તથા પંજાબમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ બજાવી રહેલા સાંસદ શ્રી રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ અગાઉ ગુજરાતના પ્રભારી તરીકે ‘આપ’ના સાંસદ-સંદીપ પાઠકને નિયુક્ત કર્યા હતા જેમાં આઈઆઈએમના પુર્વ પ્રોત્સાહક અને હવે પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજય માટે મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી રાઘવ ચઢ્ઢાને નિયુક્ત કરી કેજરીવાલ ગુજરાતમાં પુરી ગંભીરતાથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે નિશ્ચિત કરી દીધુ છે.

નવી ‘તાકાત’ સાથે સી.આર.પાટીલ રીટર્ન: નેચરોપથી સારવારથી ‘સ્ફૂર્તિ’ મેળવી

રાજકોટ: ગુજરાત ભાજપમાં છેલ્લા બે વર્ષથી પ્રવાસ અને કાર્યક્રમો તેમજ ચૂંટણી પુર્વે તૈયારીમાં પરિશ્રમની ‘પરાકાષ્ટા’ સર્જી ભાજપ માટે વિજય નિશ્ચિત કરવા પ્રતિબદ્ધ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે તેમના વજન વધવાની તથા સતત પ્રવાસના કારણે જે થાક હતો તે દૂર કરવા દિલ્હી સ્થિત આયુર્વેદીક ઈન્સ્ટીટયુટમાં 10 દિવસ નેચરોપથીની સારવાર સાથે 6 કિલો વજન ઉતારીને પરત આવી ગયા છે. તેઓએ એક ફેસબુક પોષ્ટથી આ જાણકારી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા આજથી ત્રણ દિવસ ગુજરાતમાં: કાલે રાજકોટમાં ‘મહાસંમેલન’
ગાંધીનગરમાં કાલે દેશભરના ભાજપના મેયર્સ-ડે.મેયર્સની કોન્ફરન્સ: બુધવારે કમલમમાં બેઠકોનો દૌર યોજાશે


રાજકોટ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા આજે મોડીરાત્રીના ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચશે. શ્રી નડ્ડા કાલે ગાંધીનગરમાં યોજાનારી દેશભરમાં ભાજપના ચૂંટાયેલા મેયર તથા ડેપ્યુટી મેયરની કોન્ફરન્સને ખુલ્લી મુકશે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરનાર છે. બે દિવસની આ બેઠકમાં સંબોધન બાદ શ્રી નડ્ડા કાલે બપોરે 2 વાગ્યે રાજકોટમાં ગુજરાતભરના ભાજપના પંચાયતથી મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યોના એક વિશાળ સંમેલનને પણ સંબોધન કરશે.

જેમાં રાજયભરમાં 15000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપનાર છે. જયારે બાદમાં શ્રી નડ્ડાનો મોરબીમાં રોડ-શો યોજાશે. શ્રી નડ્ડા બુધવારે ગાંધીનગરમાં ‘કમલમ’ ખાતે બેઠકોનો દૌર યોજાશે અને તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા સંગઠનના તથા સરકારના મહત્વના ચહેરાઓ હાજરી આપશે.

 


Related News

Advertisement
Advertisement
Advertisement