રાહુલને જ પ્રમુખ બનાવો: ગુજરાત કોંગ્રેસનો ઠરાવ

19 September 2022 11:31 AM
Ahmedabad Gujarat Politics
  • રાહુલને જ પ્રમુખ બનાવો: ગુજરાત કોંગ્રેસનો ઠરાવ

♦ રાજસ્થાન, છતીસગઢ પછી ગુજરાત પણ જોડાયુ: ચૂંટણી પ્રક્રિયાના કાઉન્ટડાઉન વખતે વધુ રાજયો સમર્થન કરે તેવી શકયતા

અમદાવાદ તા.19
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને પ્રક્રિયાને આડે માંડ ત્રણ દિવસ બાકી છે ત્યારે એક પછી એક રાજયો રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાને સમર્થન આપવા લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીના સમર્થનમાં ઠરાવ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના પ્રમુખ બનવા માટે રાહુલ ગાંધીએ એકથી વધુ વખત ઈન્કાર કર્યો હોવા છતાં પાર્ટીમાં નેતાઓ તેમને દબાણ કરી જ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે અગાઉ જ રાહુલ ગાંધીનું સમર્થન કર્યુ હતું. રાજસ્થાન કોંગ્રેસે આ અંગેનો ઠરાવ પણ કર્યો હતો ત્યારબાદ છતીસગઢ કોંગ્રેસે આવો ઠરાવ કર્યો હતો અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ બનાવવાનું સમર્થન કરતો ઠરાવ કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી તૈયારીના ભાગરૂપે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં યોજવામાં આવી હતી. તમામ શહેર-જીલ્લા સંગઠન હોદેદારોને પણ તેડાવવામાં આવ્યા હતા. ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની તરફેણ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જ ગયું છે. અત્યાર સુધીમાં ત્રણ રાજયોએ રાહુલને પ્રમુખ બનાવવાનું સમર્થન કરતો ઠરાવ કર્યો છે. અન્ય રાજયો પણ આવા ઠરાવ કરે તેવી શકયતા છે તે સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયામાં કેવા વળાંક આવે છે તેના પર મીટ રહેશે.

કોંગ્રેસ નવરાત્રીમાં ‘શક્તિ વંદના’ના કાર્યક્રમો કરશે: પ્રિયંકા ગાંધીના ‘રોડ-શો’ની તૈયારી
પ્રદેશ કારોબારીમાં અનેક નિર્ણયો: ભાજપ શાસનની નિષ્ફળતા દર્શાવતી પત્રિકાનું વિતરણ કરશે
વિધાનસભા ચૂંટણી પુર્વે કોંગ્રેસ એકશન મોડમાં આવી જ ગઈ છે અને અનેકવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રદેશ કારોબારીની બેઠકમાં કાર્યકરોને લોકોની વચ્ચે જવા તથા રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનો જન-જન સુધી પહોંચાડવાનું આહવાન કરવામાં આવ્યુ હતું.

પ્રદેશ કોંગ્રેસની કારોબારીમાં નવરાત્રીથી દિવાળી સુધીના કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંતર્ગત 75 બાઈકરેલી યોજવાનું નકકી કરવામાં આવ્યુ હતું.

રાહુલ ગાંધી યાત્રામાં વ્યસ્ત છે ત્યારે પ્રચારમાં પ્રિયંકા ગાંધી સક્રીય રહેવાના છે અને રોડ-શોનો કાર્યક્રમ તૈયાર થયો હોવાથી તેની તૈયારી કરવા સૂચના આપવામાં આવી હતી.

નવરાત્રી દરમ્યાન કોંગ્રેસ રાજયભરમાં શક્તિવંદના કાર્યક્રમ કરશે. તમામ 52000 બુથ પર નાગરિક અધિકાર પત્ર પહોંચાડાશે. ભાજપ શાસનની 50 નિષ્ફળતા દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે. મારૂ બુથ મારૂ ગૌરવ હેઠળ દોઢ કરોડ પત્રિકાનું વિતરણ કરાશે. ચૂંટણીમાં 125 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરવાનુ નકકી થયુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement