2024માં મોદી વિરૂધ્ધ કેજરીવાલનો જંગ : AAP નો નવો દાવ

19 September 2022 03:29 PM
India Politics
  • 2024માં મોદી વિરૂધ્ધ કેજરીવાલનો જંગ : AAP નો નવો દાવ

♦ ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં જશે આમ આદમી પાર્ટી

♦ મને જોડતોડનું રાજકારણ સમજાતું નથી, કોઇ પક્ષ સાથે જોડાણ નહીં : 130 કરોડ લોકો સાથે જ અમારુ ગઠબંધન : કેજરીવાલનું સંબોધન

♦ પ્રથમ વખત ‘આપ’ દ્વારા રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલન બોલાવાયું : 20 રાજ્યોનાં 1500 વધુ પ્રતિનિધિઓ હાજર હોવાનો દાવો : કેજરીવાલે રાષ્ટ્રીય મિશનમાં જોડાવા અપીલ કરી

નવી દિલ્હી,તા. 19
આગામી સમયમાં દેશમાં વધુ રાજ્યમાં ફેલાઈમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2024ની લોકસભા ચૂંટણીને મોદી વિરુધ્ધ કેજરીવાલમાં ફેરવવા માગે છે તેવા સંકેત મળી ગયા છે. ગઇકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય જન પ્રતિનિધિ સંમેલનમાં પંજાબ, છતીસગઢ, ગુજરાત, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, ઓડિસા અને ચંદીગઢ સહિત દેશભરના આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ સમક્ષ શ્રી કેજરીવાલે ‘આપ’નો 2024નો એજન્ડા સ્પષ્ટ કર્યો હત.

એ પણ સંકેત આપી દીધો કે તેઓ વિપક્ષની એકતાની પીચ પર 2024ની ચૂંટણી લડવા તૈયાર નથી પરંતુ આમ આદમી પાર્ટી ખુદની પીચ તૈયાર કરશે અને તેમાં ભાજપને રમવા મજબૂર કરશે. શ્રી કેજરીવાલે રવિવારે પક્ષને ‘મેઇક ઇન્ડીયા નંબર વન’ અભિયાનમાં જોડાવા માટે અને 130 કરોડ ભારતીયોના ગઠબંધનના આધારે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

પંજાબમાં પ્રચંડ વિજય બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીમાં તેની પૂરી તાકાત લગાવી દીધી છે અને ગઇકાલના સંમેલનમાં પણ શ્રી કેજરીવાલે 2024માં પક્ષના વ્યૂહ અંગે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મને ગઠબંધનનું રાજકારણ સમજમાં આવતું નથી અને આપણે 130 કરોડ લોકોનું ગઠબંધન બનાવવાનું છે. વિપક્ષનો ચહેરો કોણ હશે તે અંગે આમ આદમી પાર્ટી ચિંતા કરતી નથી.

શ્રી કેજરીવાલે તેમના પ્રવચનમાં સીધો ભારતીય જનતા પક્ષને જ નિશાન બનાવ્યો હતો અને ખાસ કરીને રેવડી કલ્ચર અંગે વડાપ્રધાને કરેલી ટીકાનો જવાબ આપતા કહ્યું કે દિલ્હીમાં પણ અમે જે ફ્રી આપીએ છીએ તેમાં રાજ્યની તિજોરી પર કોઇ વધારાનો બોજો આવતો નથી કારણ કે અમે કટ્ટર ઇમાનદાર છીએ.

આ અગાઉ કેજરીવાલે કોંગ્રેસ અંગે એવું નિવેદન કર્યું હતું કે, રાહુલ ગાંધી આ પક્ષને નબળો પાડવા માટે પૂરતા છે. તેઓએ ભાજપની બી ટીમ હોવાનો પણ ઇન્કાર કર્યો હતો. આ બેઠકમાં 20 રાજ્યોના 1500થી વધુ લોકો એકત્ર થયા હતા. જો કે મોટાભાગના દિલ્હી અને પંજાબના હતા. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement