રૂપાણી બાદ હવે શું નીતિન પટેલને પણ ભાજપ ‘નેશનલ ડ્યુટી’ આપશે ?

19 September 2022 04:53 PM
Rajkot Gujarat Politics
  • રૂપાણી બાદ હવે શું નીતિન પટેલને પણ ભાજપ ‘નેશનલ ડ્યુટી’ આપશે ?

અગાઉની સરકારના કેટલા મંત્રીઓ ટીકીટ માટે લકી હશે તે પણ જબરી ચર્ચા

રાજકોટ,તા. 19
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ચંદીગઢ અને પંજાબના પ્રભારી બનાવી દેવાયા તે બાદ હવે તેમની ટીમના નંબર ટુ સ્થાને રહી ચૂકેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગુજરાતમાંથી બિસ્તરા-પોટલા બંધાવી છે કે કેમ તેના પર સૌની નજર છે.

ગુજરાતમાં ધારાસભા ચૂંટણીમાં તેમના માટે ટીકીટ નથી તે નિશ્ચિત માનવામાં આવે છે અને જો ભાજપ મોવડી મંડળ કોઇ અસાધારણ નિર્ણય કરે તો જ રુપાણી સરકારના એક-બે મંત્રીઓને ફરી ટીકીટ મળશે પણ તેમાં નીતિન પટેલનું નામ નથી અને માનવામાં આવે છે કે નિતીનભાઈને પણ ટૂંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનની જવાબદારી સોંપી દેવામાં આવશે અને તે રીતે રુપાણી બાદ નીતિન પટેલ પણ ગુજરાત બહાર જશે.

વર્તમાન સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ બંને હાલ ઉતર ગુજરાતના ફેવરિટ પાટીદાર નેતા તરીકે ગણવામાં આવે છે અને તેથી નીતિન પટેલને માટે હવે ચૂંટણીનું રાજકારણ પુરુ થઇ રહ્યું છે.અગાઉ તેઓ કડીના ધારાસભ્ય હતા અને બાદમાં મહેસાણામાંથી ચૂંટાયા પણ સંભવ છે કે 2024 માટે પણ રિઝર્વ રાખવામાં આવે.

બીજી તરફ રુપાણી સરકારમાં સિનિયર મંત્રીઓમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હજુ ફરી ટીકીટ મળશે તેવી આશા રાખે છે. એક સમયે ગૃહમંત્રી અમિત શાહના ગ્લુ આઈ બોય તરીકે જાણીતા પ્રદીપસિંહ જાડેજા લાંબા સમયથી અમદાવાદની વટવા ધારાસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. અને 2002માં તેઓ અસારવા ધારાસભા બેઠક પરથી ચૂંટાયા હતા. આમ તેમની 20 વર્ષની પોલીટીકલ કારકિર્દીમાં 2007થી તેઓ મંત્રી હતા. અને આથી હવે તેમને નવી ‘જવાબદારી’ સોંપાય તેવી શક્યતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement