‘આપ’ના એક બાદ એક હથિયારો છીનવાતા હવે કેજરીવાલનો નવો દાવ : પંજાબની જાહેરાતથી ગુજરાતમાં સંદેશ

19 September 2022 05:07 PM
Ahmedabad Gujarat Politics
  • ‘આપ’ના એક બાદ એક હથિયારો છીનવાતા હવે કેજરીવાલનો નવો દાવ : પંજાબની જાહેરાતથી ગુજરાતમાં સંદેશ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેની તમામ તાકાત ચૂંટણી લડવા આવી હોય તેવા સંકેત છે. પરંતુ રાજ્યમાં ભાજપે ‘આપ’ના જે હથિયાર છે તે છીનવવામાં કોઇ કસર બાકી રાખી નથી. ખાસ કરીને વિશાળ કર્મચારી સમુદાય ભાજપ વિરુધ્ધ મતદાન ન કરે તે માટે ગાંધીનગર આવી રહેલા એક બાદ એક આંદોલનમાં ‘સમાધાન’ થઇ રહ્યા છે અને ખાસ કરીને તેમાં આંદોલનના નેતાઓને પણ ‘અવનવી ભેટ’ આપીને કાયમી આવકની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

હવે આંદોલનમાં પડેલા તડાથી સરકારની ચિંતા હળવી થઇ છે પરંતુ આમ આદમી પાર્ટી માટે તેના બ્રહ્માસ્ત્ર જેવા આમ મતદારો છીનવાતા હવે કર્મચારીઓ માટે એક મોટી ગેરંટી લઇને આવી રહી છે. ગઇકાલે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ‘અભ્યાસ’ કરવા મેં મુખ્ય સચિવને સૂચના આપી છે.

આ યોજના કઇ રીતે લાગુ થાય તે અંગેની એક નીતિ પણ ઘડી કઢાશે અને તમામ મુખ્યમંત્રીઓ અને સૌ જાણે છે કે આ જૂની પેન્શન યોજના હવે ‘ડીટો ટુ ડીટો’ લાગુ કરી શકાય તેમ જ નથી. વર્તમાન પેન્શન યોજનામાં કે જે પેન્શન ફંડ આધારિત છે તેમાં ગુજરાત સરકારે 10 ને બદલે 14 ટકા પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરીને કર્મચારીઓને મનાવવા કોશિષ કરી છે.

પરંતુ નવી પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજના જેવા લાભ મળતા નથી અને તેમના નાણા પેન્શન ફંડ મેનેજરો કાયમ માટે વાપરી શકે તેવી જોગવાઈ હોવાથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં અનેક વિઘ્નો છે પરંતુ પંજાબમાં આ અંગેનો અભ્યાસ કરવાનો આદેશ આપીને હવે આમ આદમી પાર્ટી તેનો ગુજરાતમાં મોટાપાયે પ્રચાર કરશે અને તે રીતે ‘આપ’ દ્વારા ગુજરાતના કર્મચારીઓને પોતાની સાથે રાખવા કોશિષ કરશે તે નિશ્ચિત છે.


Related News

Advertisement
Advertisement
Advertisement