આવતીકાલથી મોહાલીમાં પ્રથમ ટી-20 મુકાબલો

19 September 2022 05:18 PM
India Sports World
  • આવતીકાલથી મોહાલીમાં પ્રથમ ટી-20 મુકાબલો

♦ બંને દેશો વચ્ચે આજ સુધી કુલ ર3 ટી-20 મેચો રમાઇ છે, જેમાંથી ભારતે 13 અને ઓસિઝે 9 મેચો જીતી છે, 1 મેચ અનિર્ણીત રહી છે

♦ આત્મવિશ્વાસથી ભરપુર બંને ટીમો વચ્ચેનો ટી-20 જંગ રોમાંચક બની જશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી મોહાલીના મેચથી ટી-20નો મહા જંગ શરૂ થવા જઇ રહ્યો છે. એરોન ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હળવાશથી લેવા જેવી નથી. બંને ટીમો વચ્ચે ર007 થી ર019 સુધી ભારતમાં 7 ટી-20 મેચો રમાઇ છે. જેમાંથી ભારતે ચાર અને ઓસ્ટ્રેલિયાએ 3 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

જો કે ઓસ્ટ્રેલિયા 2018-19માં જયારે છેલ્લે ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે તે ટીમે ભારતને બે મેચોની ટી-20 શ્રેણીમાં 2-0થી પરાજીત કર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 ટી-20 મેચો રમાઇ છે. જેમાં ભારતે 13માં અને ઓસ્ટ્રેલિયાએ 9 મેચોમાં વિજય મેળવ્યો છે જયારે એક મેચ અનિર્ણીત રહી છે. 2-1થી ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાયેલી છેેલ્લી ટી-20 શ્રેણી જીતી હતી જે શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી.

આ વખતે ઓસિઝ ટીમમાં ડેવિડ વોર્નર, મિશેલ સ્ટાર્ક, મિશેલ પાશ પણ ઇજાને લીધે રમી રહ્યા નથી પરંતુ સ્ટીવ સ્મીથ અને ઓલ રાઉન્ડર ટીમ ડેવિડની હાજરીથી ટીમ બેલેન્સ્ડ છે. એશિયા કપની સ્પર્ધામાં ભારતનો નિરાશાજનક દેખાવ અને ભારત ફાઇનલથી વંચિત રહી ગયું. હવે જયારે ભારત ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા સામે 3-3 ટી-20 મેચોની શ્રેણી રમવાનું છે.

ઓસ્ટ્રેલિયા સામેની 3 ટી-20 મેચોની શ્રેણી 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા માટે આ શ્રેણી પડકારજનક સાબિત થશે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતમાં પોતાની પ્રથમ ટી-20 આંતર રાષ્ટ્રીય મેચ 2007-08ના સત્રમાં રમી હતી. જે મેચમાં ભારતનો વિજય થયો હતો. ત્યારબાદ 2013-14માં ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને એકમાત્ર ટી-20 મેચમાં પરાજીત કર્યુ હતું.

પછી ભારતીય ટીમ 2015-16માં પોતાના ઘરમાં ટી-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે બે શ્રેણીઓ રમી હતી જે બંનેમાં ભારતનો દેખાવ સંપૂર્ણ નિરાશાજનક રહ્યો હતો ત્યારબાદ ભારતે ફરી બે મેચોની ટી-20 શ્રેણી રમેલી અને તે બંનેમાં ભારત હાર્યું હતું. એક શ્રેણી ડ્રો રહી હતી અને એક શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. 2017-18માં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વખત ત્રણ મેચોની ટી-20 શ્રેણી માટે ભારત પ્રવાસ ખેડયો હતો.

ભારતે પ્રથમ મેચ ડકવર્થ લુઇસ પધ્ધતિથી 9 વિકેટે મેચ જીત્યો હતો. 2જી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીતી હતી. 3જી મેચ વરસાદને લીધે રદ કરાઇ હતી. આ રીતે એ શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઇ હતી. ત્યારબાદ ઓસિઝ ટીમે 2018-19માં ભારત પ્રવાસ ખેડયો અને આ શ્રેણીમાં ભારતનો નિરાશાજનક દેખાવ થતા ભારત હાર્યું હતું.

આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં 3 ટી-20 મેચોની શ્રેણી રમશે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર મિશેલમાર્શ, ઝડપી ગોલંદાજ મિશેલ સ્ટાર્ક અને માર્ક સ્ટોઇનિસ શ્રેણી રમવાના નથી.

આ શ્રેણીમાં ડેવિડ વોર્નરને પણ આરામ આપવામાં આવ્યો છે, ઉપરાંત ઉપરોકત ખેલાડીઓ પણ ઇજાને કારણે તથા ટી-20 વિશ્વ કપને ધ્યાને લેતા આરામ કરવા માટે સ્થાન પામ્યા નથી. આગામી વિશ્વકપ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાશે. તેને ધ્યાને લઇને ટીમે આવો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયા ભારતમાં ર0મી સપ્ટેમ્બરે મોહાલીમાં, 23 સપ્ટેમ્બરે નાગપુરમાં અને છેલ્લી ટી-20 25મી સપ્ટેમ્બરના હૈદ્રાબાદમાં રમાશે. ભારતે આ વખતે ઓસ્ટ્રેલિયાને હળવાશથી લેવા જેવી તો નથી જ. વિશ્વકપ અગાઉ બંને દેશ માટે આ શ્રેણી ખુબ જ મહત્વની સાબિત થશે.

ભારત ઘરઆંગણે સારા દેખાવની આશા રાખે છે. તેમાંય વિરાટ કોહલીનું ફોર્મ મહત્વનું સાબિત થશે. હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ ગમે તેવી પરિસ્થિતિમાં રોહિત શર્માને વિજયી લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં મહેનત કરશે જ, પરંતુ ઓસ્ટ્રેલિયા જેવી જબરદસ્ત ટીમે ભારતને ભારતમાં જ હરાવ્યું છે. તેથી આ શ્રેણી ભારત માટે ખુબ જ મહત્વની બની રહેશે.

- 2-1થી ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાયેલી છેલ્લી ટી-20 શ્રેણી જીતી હતી, જે શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી
- ભારતે જુલાઇ-ઓગષ્ટમાં વિન્ડીઝ વિરૂધ્ધ પાંચ મેચોની ટી-20 શ્રેણીમાં 4-1થી જીત પ્રાપ્ત કરી હતી.
- જયારે એરોન ફિન્ચના નેતૃત્વવાળી ઓસિઝ ટીમ પણ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વન-ડે શ્રેણીમાં 3-0થી વિજય પ્રાપ્ત કર્યો છે.

વિરાટ કોહલી : ઓસિઝ સામે 19 ટી-20માં સૌથી વધુ 718 રન
ઓસ્ટ્રેલિયા સામે ટી-20માં વિરાટ કોહલીનો દેખાવ શાનદાર રહ્યો છે. તેણે 19 ટી-20 ઓસિઝ સામે રમ્યા છે તેમાં કુલ 718 રન બનાવ્યા છે. તેણે 7 અર્ધ સદી પણ નોંધાવી છે. તેનો સર્વ શ્રેષ્ઠ વ્યકિતગત જુમલો 92 રનનો રહ્યો છે. તેણે સર્વાધિક કુલ રન 718 રન બનાવી ટોપનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ફિન્ચે 15 મેચમાં 440 રન બનાવ્યા છે.

વિરાટે તાજેતરમાં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ટી-20 ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી અણનમ 122 રન બનાવી નોંધાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement