મુંબઈમાં શિવસેના અને શિંદે જૂથ વચ્ચે દશેરા રેલી મામલે ગજગ્રાહ વધ્યો

19 September 2022 05:43 PM
Government India Politics
  • મુંબઈમાં શિવસેના અને શિંદે જૂથ વચ્ચે દશેરા રેલી મામલે ગજગ્રાહ વધ્યો

♦ રેલી તો શિવાજી પાર્કમાં જ યોજાશે: ઉદ્ધવનો હુંકાર

♦ શિંદે જૂથને બીકેસી ગ્રાઉન્ડમાં મંજુરી, ઉદ્ધવને શિવાજી પાર્કમાં મંજુરી ન મળતા દશેરા રેલી અદ્ધરતાલ

મુંબઈ તા.19
શિવસેનાની પરંપરાગત દશેરા રેલીને લઈને ઉદ્ધવ ઠાકરે અને વિદ્રોહી એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહેલી જંગ એક ડગલુ આગળ વધી છે. વિદ્રોહી શિંદે જૂથને બીકેસી ગ્રાઉન્ડમાં દશેરા રેલીની મંજુરી મળી છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની શિવાજી પાર્ક પર દશેરા રેલી યોજવાની અરજી એમ કહીને ફગાવાઈ છે કે મેદાન બુક છે, બીજી બાજુ ઉદ્ધવ શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા મકકમ છે, હાલ તો શિવસેનાની દશેરા રેલી અદ્ધરતાલ લટકી છે. તાજેતરમાં બન્ને જૂથ વચ્ચે થયેલી અથડામણના કારણે ઉદ્ધવની દશેરા રેલીના એંધાણ ઓછા નજરે પડે છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બીકેસી મેદાન શિંદે જૂથને અપાયા બાદ હવે શિવસેના માટે શિવાજી પાર્કમાં જ રેલી કરવાનો વિકલ્પ બચ્યો છે. છેલ્લા 56 વર્ષથી શિવાજી પાર્કમાં જ શિવસેનાની દશેરા રેલી યોજાતી આવી છે. પરંતુ હજુ સુધી શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી યોજવાની મંજુરી નથી મળી.

બીજી બાજુ બીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોતા શિવસેનાના બન્ને જૂથોને રેલીની મંજુરી મળવાની સંભાવના ઓછી છે. ઉલ્લેખનીય છે કે ગણપતિ વિસર્જન પ્રભાદેવીમાં ઠાકરે જૂથ અને શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સરવણકર પર ડ્રાઈવીંગના આરોપ પણ લાગ્યા હતા, આ બાબતને આધાર બનાવી પોલીસ રેલીને મંજુરી આપવાથી દૂર ભાગી રહી છે.

દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ હુંકાર ભણ્યો હતો કે રેલી તો શિવાજી પાર્કમાં જ થશે. ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરે, શિવસેના અને શિવાજી પાર્કનો અતૂટ નાતો રહ્યો છે. બાલ ઠાકરેએ આ શિવાજી પાર્કમાં જ પાર્ટીનો પાયો નાંખ્યા બાદ દશેરા રેલીને સંબોધીત કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement