આ તે વળી કેવી આંતરરાષ્ટ્રીય મેચ ? કેન્યાએ કેમરુન ટીમને 20 બોલમાં જ હરાવી દીધી !

20 September 2022 09:47 AM
Sports World
  • આ તે વળી કેવી આંતરરાષ્ટ્રીય મેચ ? કેન્યાએ કેમરુન ટીમને 20 બોલમાં જ હરાવી દીધી !

20 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ 48 રન બનાવી આખી ટીમ તંબુ ભેગી: કેન્યાએ એક વિકેટ ગુમાવી 3.2 ઓવરમાં જ લક્ષ્યાંક કર્યો હાંસલ

નવીદિલ્હી, તા.20
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણીવખત જોવા મળ્યું છે કે ટીમો અત્યંત ઓછા સ્કોરે આઉટ થઈ જાય છે અને બીજી ટીમ ઝડપથી રન બનાવી મેચ જીતી લ્યે છે. જો કે અત્યાર સુધીમાં બહુ જવલ્લે જ નોંધાઈ હોય તેવી ઘટના આંતરરાષ્ટ્રીય મેચમાં બનવા પામી છે કે કોઈ ટીમે માત્ર 3.2 ઓવરમાં જ આખી મેચ પૂર્ણ કરી છે.

આ ઘટના સાઉથ આફ્રિકામાં બની છે. જ્યાં આફ્રિકા ક્રિકેટ એસોસિએશન કપ-2022ની સીઝન રમાઈ રહી છે. ટૂર્નામેન્ટના ગ્રુપ-બીમાં કેન્યા-કેમરુન વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી. આ મેચને કેન્યાએ 20 બોલમાં નવ વિકેટે જીતી લીધી છે. આવું આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ચોથીવાર બન્યું છે.

બેનોનીમાં રમાયેલી આ મેચમાં કેન્યા ટીમે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમનો આ દાવ એકદમ સાચો પડ્યો અને તેણે કેમરુન ટીમની પહેલી વિકેટે 20 રને ખેડવી હતી. આ પછી કેમરુનની આખી ટીમ અહીંથી ખખડવાનું શરૂ થઈ ગયું હોય તેવી રીતે 14.2 ઓવરમાં માત્ર 48 રન બનાવીને ઢેર થઈ ગઈ હતી.

મતલબ કે કેમરુને પોતાની તમામ વિકેટ માત્ર 28 રનમાં જ ગુમાવી દીધી હતી. કેન્યા વતી યશ તલાતીએ 8 રન અને શેમ નોચેએ 10 રન આપીને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે લુકાસે બે અને ગેરાર્ડે એક વિકેટ મેળવી હતી.

ત્યારબાદ કેન્યા ટીમ 49 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી અને તેણે 3.2 ઓવરમાં 50 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ દરમિયાન કેન્યાએ માત્ર એક વિકેટ ગુમાવી હતી. રુશબ પટેલે 14 રનની ઈનિંગ રમી જ્યારે સુખદીપ સિંહે 10 બોલમાં 26 અને નેહેમિઆહે ત્રણ બોલમાં સાત રન બનાવ્યા હતા. આ રીતે કેન્યાએ 20 બોલમાં જ નવ વિકેટે આ મેચ જીતી લીધી હતી.

જો સૌથી વધુ બોલ બાકી રાખીને મેચ જીતવાના રેકોર્ડને જોવામાં આવે તો આ મેચ ચોથા ક્રમે આવે છે. આ મામલે ઑસ્ટ્રીયા ટીમના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે જેણે 2019માં તુર્કીને 104 બોલ બાકી રાખીને પરાજય આપ્યો હતો. ત્યારે તુર્કીએ મેચ 10 વિકેટે જીતી હતી. બીજા નંબરે ઓમાન અને ત્રીજા નંબરે લક્ઝમબર્ગની ટીમ આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement