કોઈ પરફેક્ટ નથી હોતું, ભૂલ બધાથી થાય છે: ટીકાકારોની બોલતી બંધ કરતો રાહુલ

20 September 2022 10:04 AM
India Sports
  • કોઈ પરફેક્ટ નથી હોતું, ભૂલ બધાથી થાય છે: ટીકાકારોની બોલતી બંધ કરતો રાહુલ

લોકો એ નથી જોતા કે 200ના સ્ટ્રાઈકથી રમવું જરૂરી છે કે 120-130ના સ્ટ્રાઈક રેટથી રમીને ટીમને જીત અપાવવી જરૂરી છે

નવીદિલ્હી, તા.20
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે.એલ.રાહુલે કહ્યું કે તે ટી-20 વર્લ્ડકપમાં એક ઓપનિંગ બેટરના રૂપમાં સુધાર કરવા તેમજ ટીમ ઉપર વધુ પ્રભાવ લાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. રાહુલ અત્યારે ખરાબ ફોર્મને કારણે ટીકાકારોના નિશાના પર છે. એશિયા કપમાં તેણે પાંચ મેચમાં માત્ર 132 રન જ બનાવ્યા હતા.

ખરાબ ફોર્મની સાથે સાથે રાહુલનો સ્ટ્રાઈક રેટ પણ સવાલો ઉભા કરી રહ્યો છે. રાહુલનો 61 ટી-20 મુકાબલામાં સરેરાશ સ્ટ્રાઈક રેટ 140.91 છે પરંતુ અનેકવાર તે ઝડપથી રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. હવે રાહુલનું માનવું છે કે કોઈ પણ પ્લેયર પરફેક્ટ નથી હોતો અને તે ભારત માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ખાસ કરીને સ્ટ્રાઈક રેટ સુધારવા માટે અથાગ મહેનત કરી રહ્યો છે.

રાહુલે કહ્યું કે દરેક ખેલાડી પોતાની રમતમાં સુધાર કરવા માટે પ્રયત્ન કરતો જ હોય છે કેમ કે કોઈ પરફેક્ટ નથી હોતું. સ્ટ્રાઈક રેટ ઓવરઓલ પ્રદર્શનના આધારે જોવામાં આવતો હોય છે. લોકો એ ક્યારેય નથી જોતા કે બેટર એક નિશ્ચિત સ્ટ્રાઈક રેટ પર રમ્યો છે કે નહીં. શું કોઈ બેટર 200ના સ્ટ્રાઈક રેટથી રમે તે મહત્ત્વનું છે કે પછી તે 120-130ના સ્ટ્રાઈક રેટથી રમીને ટીમને જીતાડે.

આ એક એવી વસ્તુ છે જેના ઉપર કોઈ જ વાત કરતું નથી. પાછલા 10-12 મહિનામાં પ્રત્યેક ખેલાડીને જે રોલ આપવામાં આવ્યો છે તે બહુ સ્પષ્ટ છે અને અત્યારે બધા તેના ઉપર કામ કરી રહ્યા છે. હું પણ ઓપનિંગ બેટર તરીકે સારું શું કરી શકું તેના ઉપર કામ કરી રહ્યો છું.


Related News

Advertisement
Advertisement
Advertisement