પાકિસ્તાનની ધરતી પર પહેલીવાર T20 રમવા ઉતરશે ઈંગ્લેન્ડ

20 September 2022 12:02 PM
India Sports World
  • પાકિસ્તાનની ધરતી પર પહેલીવાર T20 રમવા ઉતરશે ઈંગ્લેન્ડ

બન્ને વચ્ચે રાત્રે 8 વાગ્યાથી મુકાબલો: ઈંગ્લેન્ડનો કેપ્ટન જોશ બટલર ઈજાગ્રસ્ત થતાં મોઈન અલીને સોંપાઈ કમાન: બન્ને વચ્ચે સાત ટી-20 મુકાબલા રમાશે

નવીદિલ્હી, તા.20
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ આજે પહેલીવાર પાકિસ્તાનમાં રમશે. આ સાથે જ ટીમ પહેલીવાર પાકિસ્તાનની ધરતી ઉપર ટી-20 મેચ રમવા ઉતરશે. ટી-20 ઈન્ટરનેશનલની શરૂઆત બાદથી ઈંગ્લીશ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બન્ને ટીમો વચ્ચે સાત મેચની ટી-20 શ્રેણીની પહેલી મેચ આજે રમાશે. ઈંગ્લેન્ડની ટીમે પાછલા વર્ષે પણ ટી-20 વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો પરંતુ સુરક્ષાના કારણોસર તેને રદ્દ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ આજે શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો હોય તેવી રીતે કેપ્ટન જોશ બટલર ઈજાગ્રસ્ત થઈ જતાં તેના સ્થાને મોઈન અલીને ટીમની કમાન સોંપવામાં આવી છે.

શ્રેણીમાં મેજબાન પાકિસ્તાનની ટીમ મનોવૈજ્ઞાનિક ફાયદા સાથે મેદાને ઉતરશે. ટીમ એશિયા કપમાં ફાઈનલ રમ્યા બાદ આ શ્રેણી રમવા ઉતરશે. આમ તો તેનો કેપ્ટન બાબર આઝમ સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. જો કે હવે તેની પાસે ઘરેલું દર્શકો સામે ફોર્મ વાપસી કરવાની તક રહેશે.

અત્યાર સુધી બન્ને ટીમના થયેલા આમના-સામનાની વાત કરવામાં આવે તો કુલ 21 ટી-20 મેચ રમાઈ છે જેમાં 14 મેચ ઈંગ્લેન્ડે તો 6 પાકિસ્તાને જીતી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. એકંદરે આ ફોર્મેટમાં પાકિસ્તાન ઉપર ઈંગ્લેન્ડનું પલડું ઘણું બધું ભારે છે. ટી-20 રેન્કિંગમાં ઈંગ્લેન્ડ અત્યારે બીજા તો પાકિસ્તાન ચોથા ક્રમે છે.

આ મેચનું પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્ક ઉપર રાત્રે આઠ વાગ્યાથી થશે. દરમિયાન કેપ્ટનની જવાબદારી મળ્યા બાદ મોઈન અલીએ કહ્યું કે આગલા મહિને રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલાં સાત ટી-20 મેચોમાં ટીમની આકરી પરીક્ષા થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement