મેચ કોઈ વ્યક્તિ નહીં, આખી ટીમ જીતાડે છે; ધોની-કોહલીની પૂજા કરવાનું બંધ કરો: ગંભીર

20 September 2022 12:05 PM
India Sports
  • મેચ કોઈ વ્યક્તિ નહીં, આખી ટીમ જીતાડે છે; ધોની-કોહલીની પૂજા કરવાનું બંધ કરો: ગંભીર

ભારતીય ક્રિકેટમાં શરૂ થઈ ગયેલા ‘હિરો કલ્ચર’ પર ભડક્યા ગંભીર: ડ્રેસિંગ રૂમમાં મોન્સ્ટર (ડરામણો) માહોલ તૈયાર થાય તે વ્યાજબી નથી

નવીદિલ્હી, તા.20
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને હાલના કોમેન્ટેટર-સાંસદ ગૌતમ ગંભીરે ફરીવાર ભારતીય ક્રિકેટમાં હિરો કલ્ચર ઉપર સવાલો ઉભા કર્યા છે. ગૌતમનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ ચાહકોએ હિરોની પૂજા કરવી બંધ કરી દેવી જોઈએ કેમ કે તે ક્રિકેટ માટે સારું નથી. ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં કોઈ પ્રકારનો મોન્સ્ટર (ડરામણો) માહોલ તૈયાર ન કરવો જોઈએ.

ગંભીરે કહ્યું કે જ્યારે તમે કોઈની પૂજા શરૂ કરી દો છો તો તેની સાથે રહેલા અન્ય ખેલાડી ત્યાં જ ખતમ થઈ જાય છે અને ક્યારેય આગળ વધી શકતા નથી. પહેલાં મહેન્દ્રસિંહ ધોની હતા અને હવે વિરાટ કોહલી છે. ગૌતમે કહ્યું કે જ્યારે કોહલીએ ટી-20 મેચમાં સદી બનાવી ત્યારે કોઈએ પણ ભુવનેશ્વર કુમારને તેના શાનદાર સ્પેલ બદલ બિરદાવ્યો નહોતા.

કોમેન્ટરીમાં હું એકમાત્ર એવો હતો જેણે વારંવાર આ સ્પેલનો ઉલ્લેખ કર્યો હતો. ચાર ઓવરમાં માત્ર ચાર રન આપીને પાંચ વિકેટ લેવી સરળ નથી. ભારતે હિરોની પૂજા કરવાથી બહાર આવવું જોઈએ. તમારે માત્ર ભારતીય ક્રિકેટને જ મહત્ત્વ આપવું જોઈએ કેમ કે મેચ કોઈ વ્યક્તિ નહીં બલ્કે આખી ટીમ જીતાડે છે.

ગંભીરે ઉમેર્યું કે સોશ્યલ મીડિયા પર લોકોને હિરો બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં તમામ ખેલાડીઓના નકલી ચાહકો ઉપલબ્ધ છે. અહીં માત્ર એ જ આધાર પર તમને જજ કરવામાં આવે છે કે તમારા ફોલોઅર્સની સંખ્યા કેટલી છે. જ્યારે 1983માં ભારતે વર્લ્ડકપ જીત્યો ત્યારે કપિલ દેવ સાથે આવું થયું હતું. ત્યારપછી 2007, 2011 વર્લ્ડકપમાં પણ આવું જ બન્યું હતું અને લોકોએ કેપ્ટનને જ બધું માની લીધું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement