કમો હેરાન થાય છે, હવે અમારાથી સહન પણ નથી થતું અને બોલી પણ નથી શકાતું

20 September 2022 02:18 PM
Rajkot Entertainment Gujarat
  • કમો હેરાન થાય છે, હવે અમારાથી સહન પણ નથી થતું અને બોલી પણ નથી શકાતું

● મનોદિવ્યાંગ કમલેશ(કમો)ની એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ, અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી અન્ય માટે આનંદ પણ ખુદ ‘કમા’ માટે હેરાનગતિ બની ગઈ હોવાનો કલાકારોનો વ્યથા વ્યક્ત કરતો અભિપ્રાય

● તાજેતરમાં જ એક લોકડાયરા દરમિયાન યોગેશ ગઢવીએ સ્પષ્ટ વક્તવ્ય આપેલું કે, કમો ભગવાનનું ઘરેણું છે, તેને આમ નચાવાય કે ધુણાવાય નહીં: યોગેશભાઈના નિવેદન બાદ કલાકાર જગતમાં નવી ચર્ચા છેડાઈ છે

રાજકોટ, તા.19
તાજેતરમાં લોક ડાયરા સહિતના કાર્યક્રમો તેમજ અન્ય પ્રાસંગિક આયોજનોમાં મનો દિવ્યાંગ કમલેશ ઉર્ફે કમો હાજર રહે તેવી આયોજકો દ્વારા મોટા પાયે કવાયત કરવામાં આવી રહી છે. પ્રથમ સોશ્યલ મીડિયા બાદ કમલેશ(કમો) એટલો ફેમસ થઈ ગયો છે કે તેની ગણના ગુજરાતના સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાં થવા લાગી છે.

કમો પોતાના કાર્યક્રમમાં આવે તે માટે આયોજકો દોડ લગાવી રહ્યા છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ બીજી તરફ મનો દિવ્યાંગ કમલેશ(કમો)ની એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ, અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી અન્ય માટે આનંદ પણ ખુદ ‘કમા’ માટે હેરાનગતિ બની ગઈ હોવાનો કલાકારોનો વ્યથા વ્યક્ત કરતો અભિપ્રાય મળ્યો છે. એક કલાકારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કમો હેરાન થાય છે, હવે અમારાથી સહન પણ નથી થતું અને બોલી પણ નથી શકાતું.

તાજેતરમાં જ એક લોકડાયરા દરમિયાન યોગેશ ગઢવીએ સ્પષ્ટ વક્તવ્ય આપેલું કે, કમો ભગવાનનું ઘરેણું છે, તેને આમ નચાવાય કે ધુણાવાય નહીં. યોગેશભાઈના નિવેદન બાદ કલાકાર જગતમાં નવી ચર્ચા છેડાઈ છે. કમાને લઇને લોકસાહિત્યકાર યોગેશ ગઢવીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મોરબીમાં એક કથાના આયોજનમાં યોગેશદાન ગઢવીએ જે શબ્દો કહ્યા હતા તેનો વીડિયો વાયરલ થયેલો.

લોકડાયરામાં મનો દિવ્યાંગ એવા કમાના ઉપયોગને લઇને લોક કલાકારે સવાલ ઉઠાવ્યા હતા. યોગેશદાને કહ્યુ હતું કે, કમાનો આ રીતે ઉપયોગ કરી શકાય નહીં. કમાની માનસિક સ્થિતિ શું હોય એ આપણે સમજી શકીએ નહીં. તેના તોફાન શું હોય તે આપણે સમજી શકીએ નહીં.

આ પછી અન્ય કલાકારોનો અભિપ્રાય આવ્યો, સૌએ આમ તો કમલેશ આમ સેલિબ્રિટી બની ગયો તેનો આનંદ વ્યક્ત કર્યો, પણ તેને પડતી હેરાન ગતિ અને જે રીતે આયોજકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તે જોઈ સૌએ વેદના પ્રગટ કરી હતી. સમાજમાં આ મામલે એક તંદુરસ્ત સંવાદ રચાય તે માટે સાંજ સમાચારે જુદા જુદા કલાકારોનો અભિપ્રાય લીધો હતો.

કમાને દર બે કલાકે જમવા જોય, કાર્યક્રમના બિઝી શિડ્યુલમાં શુ આયોજકો તેની વ્યવસ્થા સંભાળી શકે છે?

એક કલાકારે કહ્યું કે, તેમણે કમલેશ અને તેના રોજિંદા જીવન વિશે વિગત જાણી તો જાણવા મળ્યું કે, તબીબે જે કમલેશના રૂટિન વિશે વાત કરી તે મુજબ કમાને દર બે કલાકે જમવા જોઈએ છે. આયોજકોએ કમલેશની આ દરેક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ અને આપણા ફાયદા માટે તેને હેરાન ગતિ ન થાય તેની કાળજી રાખવી પડશે.

કિર્તીદાનભાઇએ તો કમાને સહજ રીતે વ્હાલ કર્યુ, પછી જે થયું તે આશ્ચર્યજનક છે: સાંઇરામ દવે

‘સાંજ સમાચાર’ સાથે ટેલીફોનિક વાતચીતમાં નામી હાસ્ય કલાકાર, સાહિત્યકાર સાંઇરામ દવેએ જણાવ્યું કે, કલાકારોને દિવ્યાંગો કે મનો દિવ્યાંગો સાથે વિશેષ લાગણી હોય છે, જયારે કોઇ દિવ્યાંગ ઓટોગ્રાફ કે સેલ્ફી લેવા માટે આવે છે ત્યારે કલાકારો સામેથી તેમની પાસે જઇ સહાનુભૂતિ દર્શાવતા હોય છે, કલાકારોની પ્રસ્તુતિ ઉપર સામાન્ય લોકો જુમી ઉઠતા હોય છે, ત્યારે એમ મનો દિવ્યાંગ વ્યકિત કિર્તીદાનભાઇનો સૂર પર નાચી ઉઠી તે કિર્તીદાનભાઇ માટે ઉપલબ્ધી કહેવાય, આ કારણે સહજ ભાવ સાથે તેમણે કમાને વ્હાલ કર્યુ.

પરંતુ તે બાદ કલાકારો પર તુટી પડવું અને અન્ય બીજુ જે કંઇ થયું તે મારા માટે આશ્ચર્યજનક છે. સાંઇરામ ભાઇએ વધુમાં કહયું કે, હું કમાને કયારેય મળ્યો નથી. પરંતુ લોકોના પ્રેમના અતિરેકના કારણે તે હેરાન ન થાય, તે આપણે જોવું જોઇએ. ઉપરાંત દિવ્યાંગ અને બાળ કલાકારોને લોકોની સિમ્પથી મળતી હોય છે, પરંતુ આપણા આનંદ માટે કે ફાયદા માટે કોઇ મનોદિવ્યાંગને ગેર ફાયદો ન થાય તે જોવાની આપણા સહુની સહિયારી જવાબદારી છે.

લોકપ્રિયતાથી કમાનો પરિવાર ખુશ

કમલેશ એટલે કે સૌનો લોકપ્રિય કમો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો વતની છે, તે અહીં આવેલા પૂજય વજા ભગતના રામ રોટી આશ્રમમાં જ વધુ સમય ગાળે છે અને નિજાનંદમાં હોય છે. એક ઇન્ટર વ્યૂમાં કમાના માતાપિતાએ કહયા મુજબ કમાની લોકપ્રિયતાથી તેઓ ખુશ છે, કીર્તિદાનભાઇએ કમાને ફેમસ બનાવ્યો. હવે તે જુદા-જુદા કાર્યક્રમોમાં જાય છે અને પહેલા કરતા તેનું જીવન ઘણું સારું છે. જયારથી પરિવારનું માનવું છે કે, જયારથી કીર્તિદાનભાઇએ કમાનો હાથ પકડયો ત્યારથી કમાની સ્થિતિ વધુ સારી છે, કમો પોતાની બુદ્ધિપૂર્વક વિચારવા લાગ્યો છે, તેની મનોસ્થિતિ પણ સુધરી રહયાનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, કમોે સુખી-સંપન્ન પરિવારમાંથી આવે છે. તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ચર્ચા છે કે, નિર્દોષ આનંદનો લોકો ગેરલાભ પણ ઉઠાવી રહયા છે.

કમો ભગવાનનું નિર્દોષ બાળક, તેનો દુરૂપયોગ ન થવો જોઇએ: કીર્તિદાન

લોકપ્રિય ગાયક લોક સાહિત્યકાર કીર્તિદાનભાઇ ગઢવીના જણાવ્યા મુજબ વઢવાણના કોઠારીયા સ્થિત એક આશ્રમના ડાયરામાં કમો તેના ગીત રસીયો રૂપાડો રંગ રેલીયોના તાલે જુમી ઉઠયો હતો. મનો દિવ્યાંગનું નામ કમલેશ હોવાનું લોકોએ જણાવ્યું હતું. કીર્તિદાને કહયું કે, કમો નિર્દોષ ભાવે નાચી રહયો હતો તે સૌને વ્હાલું લાગ્યું. અને જોત જોતામાં તે લોકપ્રિય બની ગયો, લોકો આજે કમાને જોવા માટે આવે છે, તેને લોકપ્રિયતા મળતા હવે તેની આવક પણ ચાલુ થઇ ગઇ છે. જેના થકી કમાનો પરિવાર તેની વિશેષ કાળજી રાખી શકે છે, હું તેને મારા બે-ત્રણ ડાયરામાં લઇ ગયો.

પરંતુ મેં અગાઉથી જ આયોજકોને કહીં દીધુ હતું કે, કમા માટે કંઇ જ ફરજિયાત નહીં હોય કમાને નાચવું હશે તો જ નાચશે, બેસવું હશે તો બેસશે. હું પુરા સન્માન સાથે કમાનો હાથ પકડી તેને સ્ટેજ પર લઇ જઉ છું. આયોજકોને પણ કહીં દીધેલું કે, ડાયરાના કલાકારોને તેની ફી ચાર્જ ચુકવો છો તો કમાને પણ રૂ. 21000 આપવા પડશે. આમ કમાને આવક શરૂ થઇ છે. તેને આ આવકની કોઇ જરૂર નથી પરંતુ તે આનાથી આનંદમાં રહે છે, જોકે, જે લોકો કમાના વીડીયો ઉતારી તેનો દુરૂપયોગ કરી લાઇકસ અને જાહેરાત મેળવવા પ્રયાસ કરી રહયા છે. તેને વિનંતી કરીશ કે, કમો ભગવાનનું નિર્દોષ બાળક છે, તેને પ્રેમ કરવો જોઇએ, તેનો દુરૂપયોગ ન થવો જોઇએ.

કમાને રમકડું ન બનાવો, આવા તાયફા બંધ કરવા જોઈએ: હિતેન કુમાર

ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમાર સામે આવ્યા છે અને લોકો આગળ કમાને આ રીતે રજૂ નહીં કરવા માટેની વિનંતી કરી રહ્યા છે. તેમણે કહ્યું, કમા જેવા મનો દિવ્યાંગ બાળકોને હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. દરેક વ્યક્તિ આગળ હાથ જોડીને વિનંતી કરું છું કે, કમા જેવા વ્યક્તિને આ રીતે આમ રમકડું બનાવીને આ રીતે લોકોની સામે નહીં મૂકો કારણ કે માનસિક રીતે વિકલાંગ જે કહી શકાય તેના માટે કરુણા તો પેદા નથી થતી પણ હાસ્યાસ્પદ ઘટના બની રહી છે. આ પ્રકારના લોકો માટે કરુણા હોવી જોઈએ તેમના માટે આ પ્રકારના તાયફા કરવાનું બંધ કરવા જોઈએ તેવું મારુ માનવું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement