1 ઑક્ટોબરથી ક્રિકેટના નિયમોમાં જડમૂળથી ફેરફાર: બોલ ઉપર લાર લગાવવા પર કાયમી પ્રતિબંધ

20 September 2022 03:32 PM
India Sports
  • 1 ઑક્ટોબરથી ક્રિકેટના નિયમોમાં જડમૂળથી ફેરફાર: બોલ ઉપર લાર લગાવવા પર કાયમી પ્રતિબંધ

બેટર કેચઆઉટ થાય તો નવો બેટર જ સ્ટ્રાઈક લેશે: ટેસ્ટ અને વન-ડેમાં નવા બેટરે બે મિનિટની અંદર તો ટી-20માં 90 સેકન્ડની અંદર સ્ટ્રાઈક લઈ લેવી પડશે: ગાંગૂલીના નેતૃત્વમાં બનેલી ક્રિકેટ સમિતિએ નિયમોમાં સુચવેલા ફેરફારોને આઈસીસીની મંજૂરી: ટી-20 વર્લ્ડકપથી નિયમો થઈ જશે લાગુ

નવીદિલ્હી, તા.20
આઈસીસીએ ક્રિકેટમાં નવા નિયમોની યાદી જાહેર કરી છે જે 1 ઑક્ટોબર-2022થી લાગુ થઈ જશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગૂલીના નેતૃત્વ હેઠળ બનેલી પુરુષ ક્રિકેટ સમિતિએ એમસીસીના 2017ના ક્રિકેટ નિયમોમાં ફેરફારની ભલામણ કરી છે જેને મહિલા ક્રિકેટ સમિતિએ પણ સમર્થન આપ્યું છે. નવા નિયમ 1 ઑક્ટોબરથી લાગુ પડશે.

જેનો મતલબ એ છે કે આવતાં મહિને ઑસ્ટ્રેલિયામાં રમાનારા આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડકપમાં તે લાગુ પડી જશે.નવા નિયમો પ્રમાણે હવેથી બેટર કેચ આઉટ થાય તો નવો બેટર જ સ્ટ્રાઈક પર આવશે. અત્યાર સુધી એવું બનતું હતું કે કેચ દરમિયાન સ્ટ્રાઈક બદલી હોય તો જ નવો બેટર સ્ટ્રાઈક પર આવતો હતો. આ ઉપરાંત કોવિડ મહામારી બાદ ક્રિકેટ ફરીથી શરૂ થયું તો બોલ પર લાર લગાવવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે લારને કાયમ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

નવા બેટરને ટેસ્ટ અને વન-ડેમાં સ્ટ્રાઈક બે મિનિટમાં લેવી પડશે જ્યારે ટી-20માં તેની સમયસીમા 90 સેકન્ડની રહેશે. પહેલાં બેટર આઉટ થયા બાદ નવા કેલાડીએ ટેસ્ટ અને વન-ડેમાં ત્રણ મિનિટનો સમય મળતો હતો. જો કે હવે નિર્ધારિત સમયમાં આવું કરવામાં નિષ્ફળ રહે છે તો ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ આઉટની માંગ કરી શકે છે. જો બો પીચની બહાર પડે છે તો નવા નિયમ હેઠળ બેટરના બેટનો અમુક હિસ્સો અથવા તેના પીચની અંદર રહેવા પર તેને બોલથી રમવાનો અધિકાર મલશે.

તેના બહાર જવા પર અમ્પાયર ડેડ બોલનો ઈશારો કરશે. પીચ છોડવા માટે મજબૂર કરનારી કોઈ પણ બોલ નો-બોલ ગણાશે. બોલરના બોલ ફેંકવા દરમિયાન જો કોઈ અનુચિત અને જાણી જોઈને કોઈ પ્રકારની મૂવમેન્ટ કરવામાં આવે છે તો અમ્પાયર તેને ડેડ બોલ જાહેર કરી શકશે. આ ઉપરાંત બેટિંગ ટીમને પાંચ રન પેનલ્ટીના રૂપમાં મળશે.

જો કોઈ બોલર પોતાની ડિલિવરી સ્ટ્રાઈડમાં પ્રવેશ કરતાં પહેલાં સ્ટ્રાઈકરને રનઆઉટ કરવાના પ્રયાસમાં બોલ ફેંકે છે તો હવે તે ડેડ બોલ ગણાશે. આ એક અત્યંત દુર્લભ સિનારિયો છે જેને અત્યાર સુધી નો-બોલ ગણવામાં આવતો હતો. ટી-20ની જેમ હવે વન-ડે ક્રિકેટમાં પણ નિધાતિર સમયમાં ઓવર પૂરી ન કરવા પર ફિલ્ડિંગ ટીમે વધારાનો એક ફિલ્ડર 30 યાર્ડના સર્કલની અંદર રાખવો પડશે.


Related News

Advertisement
Advertisement
Advertisement