શેરબજારમાં 900 પોઇન્ટનો ઉછાળો : ઓલરાઉન્ડ લેવાલી

20 September 2022 04:51 PM
Business India
  • શેરબજારમાં 900 પોઇન્ટનો ઉછાળો : ઓલરાઉન્ડ લેવાલી

ફાર્મા, બેંક, ઓટો શેરો ઉંચકાયા : તમામ હેવીવેઇટ શેરોમાં લેવાલી : સેન્સેકસ ફરી 60000ને વટાવી ગયો

રાજકોટ, તા. 20
મુંબઇ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ઝોક રહ્યો હતો. હેવીવેઇટથી માંડીને રોકડાના શેરો ઉંચકાતા માર્કેટ ગ્રીન ઝોનમાં ધમધમતું રહ્યું હતું. સેન્સેકસ 900 પોઇન્ટથી વધુ ઉંચકાઇને ફરી 60000ને વટાવી ગયો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ રહી હતી. વિશ્વ બજારોની તેજીનો પડઘો પડયો હતો. અમેરિકામાં ફેડરલ રીઝર્વ આવતીકાલે વ્યાજદરનો નિર્ણય લેનાર હોવા છતાં તેની કોઇ અસર વર્તાઇ ન હતી. 75 પૈસા સુધીનો વ્યાજદર વધારો અપેક્ષીત છે તેનાથી ઉંચો વ્યાજદર વધારો થાય તો જ માર્કેટમાં વિપરીત પ્રત્યાઘાત ઉભો થવાની શકયતા હોવાનું જાણકારોનું કહેવું છે.

વિદેશી નાણા સંસ્થાઓની એકધારી લેવાલી પર સારી અસર હતી. અર્થતંત્ર ધબકતું હોવાથી આવતા મહિને જાહેર થનારા કોર્પોરેટ પરિણામો અફલાતુન આવવાના આશાવાદથી તેજીને ટેકો મળી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં હજુ એક તરફી ટ્રેન્ડ જણાતો નથી. ટુંકાગાળામાં અમેરિકાની અસર ઉભી થઇ શકે છે બાકી લાંબાગાળે ટ્રેન્ડ પ્રોત્સાહક જ ગણાવાય છે.

શેરબજારમાં આજે મોટા ભાગના શેરો ઉંચકાયા હતા. એશિયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતિ, રિલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટીસીએસ, ટાઇટન, એપોલો હોસ્પિટલ, સીપ્લા, આઇસર મોટર્સ, ટાટા મોટર્સ, અંબુજા સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, એચડીએફસી વગેરે ઉંચકાયા હતા. નેસ્લે, શ્રી સિમેન્ટ, ગ્રાસીમ જેવા અમુક શેરો નબળા હતા. નિફટીમાં 1380 શેરો ગ્રીન ઝોનમાં રહેવાની સામે 576 ઘટેલા હતા તેના પરથી જ તેજીના માહોલનો અંદાજ આવી જતો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 773 પોઇન્ટના ઉછાળાથી 59915 હતો જે ઉંચામાં 60105 તથા નીચામાં 59556 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 245 પોઇન્ટના ઉછાળાથી 17867 હતો. જે ઉંચામાં 17919 તથા નીચામાં 17744 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement