બેટર બન્યા ‘હિરો’, બોલર બન્યા ‘વિલન’: છેલ્લી પાંચ ઓવરમાં 61 રન લૂંટાવી જીતેલી મેચ ગુમાવી

21 September 2022 09:45 AM
India Sports World
  • બેટર બન્યા ‘હિરો’, બોલર બન્યા ‘વિલન’: છેલ્લી પાંચ ઓવરમાં 61 રન લૂંટાવી જીતેલી મેચ ગુમાવી

♦ પ્રથમ T20માં ઑસ્ટ્રેલિયાનો ચાર વિકેટે વિજય: ભુવનેશ્વરે 4 ઓવરમાં 52, ચહલે 3.2 ઓવરમાં 42 અને હર્ષલે 4 ઓવરમાં 49 રન આપી દીધા; એકમાત્ર અક્ષર પટેલ રહ્યો કારગત

♦ ઑસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લા 30 બોલમાં 60 રનની જરૂર હતી જે તેણે 26 બોલમાં જ બનાવી લીધા: વર્લ્ડકપ પહેલાં જ બોલરો ખખડવા લાગતાં નવી ચિંતા

♦ હાર્દિક, રાહુલ, સૂર્યકુમારે ધમાકેદાર બેટિંગ કરીને સ્કોરને 208 રન સુધી પહોંચાડ્યો છતાં બોલરો તેને બચાવી ન શક્યા: ગ્રીન-વેડ-ડેવિડે બોલરોની બરાબરની ખબર લીધી

મોહાલી, તા.21
ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગેલી ટીમ ઈન્ડિયાની પોલ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલીમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં જ ખૂલી ગઈ છે. ત્રણ ટી-20 મેચની શ્રેણીના પહેલા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 208 રન બનાવ્યા જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રાખીને લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગયું છે.

ઑસ્ટ્રેલિયા માટે આ મેચમાં હિરો કેમરુન ગ્રીન અને મેથ્યુ વેડ રહ્યા હતા જેણે તાબડતોબ બેટિંગ કરી હતી. આ બન્ને બેટરો સામે ભારતીય બોલર્સ સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યા હતા. ગ્રીને માત્ર 30 બોલમાં 61 રન બનાવ્યા તો વેડે 21 બોલમાં 45 રન ઝૂડ્યા હતા. ભારતની ખરાબ બોલિંગનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે અંતિમ પાંચ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને 60થી વધુ રનની જરૂર હતી જેને તેણે સરળતાથી બનાવી લીધા હતા.

ટીમ ઈન્ડિયા વતી આ મેચમાં બોલિંગ યુનિટ ‘વિલન’ સાબિત થયું હતું જે 208 જેટલા વિશાળ સ્કોરને પણ બચાવી શક્યું નહોતું. ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલર ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં બાવન રન આપી દીધા તો એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. આ જ સ્થિતિ યુઝવેન્દ્ર ચહલની રહી હતી જેણે માત્ર 3.2 ઓવરમાં 42 રન આપી દીધા હતા. જ્યારે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા હર્ષલ પટેલે ચાર ઓવરમાં 49 રન આપી દીધા હતા. આ મેચમાં અસરકારક દેખાઈ હોય તો તે માત્ર અક્ષર પટેલની જ બોલિંગ ગણી શકાય જેણે 4 ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.

209 રનનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે તોફાની શરૂઆત કરી હતી. પહેલીવાર ઓપનિંગ કરવા આવેલા કેમરુન ગ્રીને ભારતીય બોલર્સની બરાબરની ખબર લઈ નાખી હતી. તેનો સાથ એરોન ફિન્ચ (22 રન)એ આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ઓવરમાં જ 38 રન બનાવ્યા હતા. જો કે ચોથી ઓવરમાં ભારતને સફળતા મળી હતી પરંતુ ગ્રીન અને સ્ટિવ સ્મિથે ભારતીય બોલરો ઉપર એટેક સતત યથાવત રાખ્યો હતો. 23 વર્ષીય ગ્રીને માત્ર 30 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી.

જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. ગ્રીનની વિકેટ પડ્યા બાદ ઑસ્ટ્રેલિયાને સતત ઝટકા લાગ્યે રાખતાં ભારતે મેચ ઉપર પક્કડ બનાવી લીધી હતી. ગ્રીન જ્યારે આઉટ થયો ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 109 હતો અને જોતજોતામાં ટીમ 145 રને પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. આ પછી ટીમ ડેવિડ, મેથ્યુ વેડે એવી કમાલની ભાગીદારી કરી કે જેનાથી ભારતના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ હતી. બન્ને બેટરોએમાત્ર 30 બોલમાં 62 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી દીધી હતી.

આ પહેલાં ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 208નો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા (11) અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (બે રન) આ મેચમાં ફ્લોપ રહ્યા હતા પરંતુ ટીમના ઓપનિંગ બેટર રાહુલે કમાલની બેટિંગ કરતાં 35 બોલમાં 55 રન બનાવ્યા હતા જેનો સાથ સૂર્યકુમાર યાદવે આપ્યો હતો જેણે 25 બોલમાં 46 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સાચી કમાલ અંતમાં હાર્દિક પંડ્યાએ કરી હતી જેણે માત્ર 30 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. અંતિમ પાંચ ઓવરમાં હાર્દિકની બેટિંગના દમ પર ભારતે અંદાજે 70 રન બનાવી લીધા હતા. એક સમયે જે સ્કોર 180 સુધી જતો દેખાતો હતો જે હાર્દિકને કારણે 208 સુધી પહોંચ્યો હતો.

હાર્દિકના તોફાનથી ધોની-યુવરાજ સહિતના દિગ્ગજો પાછળ છૂટ્યા
હાર્દિક પંડ્યાએ ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં 30 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી જે તેની કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ છે. આ સાથે જ હાર્દિકે ધોનીને પાછળ છોડ્યો છે. ધોનીએ આ પહેલાં 11 વખત 200થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિક અને કેપ્ટન રોહિત શર્મા 10-10વાર 200થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવી ચૂક્યા છે.

હાર્દિક ટી-20 આંતરરાષ્ટ્રીયમાં નંબર-5 અથવા તેનાથી નીચલા ક્રમે ઉતરીને બીજીવાર ફિફટી બનાવી છે. તે મનિષ પાંડે અને યુવરાજસિંહ સાથે આ મામલે સંયુક્ત રીતે નંબર વન બન્યો છે. જો કે હાર્દિક સ્ટ્રાઈક રેટ મામલે યુવરાજ કરતાં આગળ નીકળી ગયો છે. યુવરાજે 20 ઈનિંગમાં 361 રન બનાવ્યા હતા જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 140નો છે. જ્યારે હાર્દિક અત્યાર સુધી 47 ઈનિંગમાં 847 રન બનાવી ચૂક્યો છે અને સ્ટ્રાઈક રેટ 143નો છે.

રોહિતે ગપટીલના રેકોર્ડની કરી બરાબરી; રાહુલે પણ હાંસલ કરી ખાસ ઉપલબ્ધી
ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા માત્ર 11 રન જ બનાવી શક્યો હતો આમ છતાં તેણે ન્યુઝીલેન્ડના ઓપનર માર્ટિક ગપટીલના એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રોહિત આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ છગ્ગા લગાવવા મામલે ગપટીલની બરાબર પહોંચી ગયો છે. તેણે 137 T-20ની 129 ઈનિંગમાં 172 છગ્ગા લગાવ છે. જ્યારે ગપટીલની 121 મેચની 117 ઈનિંગમાં 172 છગ્ગા છે. આ મામલે ત્રીજા સ્થાને વિન્ડિઝનો પૂર્વ ઓપનર ગેઈલ છે. ગેલે 79 મેચમાં જ 124 છગ્ગા લગાવ્યા હતા.

બીજી બાજુ રન મામલે રોહિત કરતાં આગળ કોઈ નથી. તેના નામે 3631 રન છે. જ્યારે બીજા સ્થાને કોહલી છે જેણે 3586 રન બનાવ્યા છે. આ ઉપરાંત રાહુલે ટી-20માં ભારત વતી બે હજાર રન પૂરા કર્યા છે. આવું કરનારો તે ભારતનો ત્રીજો બેટર બન્યો છે. તેના કરતાં આગળ હવે રોહિત-કોહલી છે.

પસંદગીકારો 2021ના વર્લ્ડકપની જ ભૂલ દોહરાવવા લાગ્યા ? બૂમરાહને લઈને ઉતાવળ શા માટે ?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પ્રથમ ટી-20 મેચમાં રમ્યો હતો. ઈજા બાદ ટીમમાં વાપસી કરનારા બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. આ પછી એવી અટકળો વહેતી થઈ ગઈ છે કે શું બુમરાહ ઈન્જર્ડ છે કે પછી પસંદગીકારો તેને વર્લ્ડકપ પહેલાં ટીમમાં લાવવાની ઉતાવળ કરી રહ્યા છે ? બુમરાહ એશિયા કપમાં રમી શક્યો નહોતો જેની ટીમને ખોટ પડી હતી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી શકી નહોતી.

ઑસ્ટ્રેલિયા સામે ટોસ દરમિયાન રોહિતે કહ્યું હતું કે, બુમરાહને આ મેચ માટે બ્રેક આપવામાં આવ્યો છે. આશા છે કે તે બીજી અને ત્રીજી મેચ રમશે. રોહિતના આ નિવેદન બાદ કયાસો લાગી રહ્યા છે કે બુમરાહ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. પસંદગીકારોએ 2021 વર્લ્ડકપમાં અનેક ઈજાગ્રસ્ત ખેલાડીઓને સામેલ કર્યા હતા ત્યારે આ વખતે પણ એવી ભૂલ દોહરાવાઈ રહી છે કે કેમ ?


Related News

Loading...
Advertisement
Advertisement