સૌરાષ્ટ્રભરમાં દૂધનું વેંચાણ બંધ; ચાની દુકાનો બંધ કરાવાઇ : માથાકુટો

21 September 2022 11:41 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રભરમાં દૂધનું વેંચાણ બંધ; ચાની દુકાનો બંધ કરાવાઇ : માથાકુટો
  • સૌરાષ્ટ્રભરમાં દૂધનું વેંચાણ બંધ; ચાની દુકાનો બંધ કરાવાઇ : માથાકુટો
  • સૌરાષ્ટ્રભરમાં દૂધનું વેંચાણ બંધ; ચાની દુકાનો બંધ કરાવાઇ : માથાકુટો
  • સૌરાષ્ટ્રભરમાં દૂધનું વેંચાણ બંધ; ચાની દુકાનો બંધ કરાવાઇ : માથાકુટો

► ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે દૂધ વેચાણનો બહિષ્કાર : રાત્રી સુધી સ્ટોક કરવા દોડધામ

► મોરબીમાં 400 હોટલો બંધ : ડેરીથી માંડી ઘર સુધી સપ્લાય ઠપ્પ : ભાવનગર, જુનાગઢમાં પણ વિરોધ : અમુલની ગાડીઓ પરત મોકલાઇ : રાજકોટમાં પાર્લરમાં તોડફોડ

રાજકોટ, તા.21 : ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગણી સાથે આજે દૂધ વિતરણ નહીં કરવા માલધારીઓએ આપેલા એલાનને સૌરાષ્ટ્રમાં પ્રતિસાદ મળ્યો છે. ગઇકાલે સાંજથી દૂધ લેવા લોકોએ દોટ મૂકી હતી બાદ આજે સવારે અમુક પાર્લરમાં જ દૂધ મળતા પરિવારો હેરાન થયા હતા. રાજકોટ, મોરબી, જુનાગઢ, ભાવનગર સહિતના શહેરોમાં આજે દૂધ પાર્લર ઉપરાંત ચાની લારી, ગલ્લા, હોટલ બંધ રહ્યા છે.

રાજકોટ
રાજકોટમાં આજે અમુક ચાલુ રહેલા દૂધ પાર્લર કેટલાક લોકોએ બંધ કરાવ્યા હતા તો એરપોર્ટ રોડ પર ચાલુ પાર્લરમાં તોડફોડ કરી કેટલાક શખ્સોએ દૂધની કોથળીઓ ઢોળી નાખતા પોલીસ દોડી ગઇ હતી. ગઇકાલે અમુલ ડેરી દ્વારા રાબેતા મુજબ રાત્રી સુધી દૂધની સપ્લાય કરવામાં આવી હતી અનેક પરિવારોએ રાત્રે જ દૂધ લઇ લીધુ હતું તો ઘરે ઘરે જતા ધંધાર્થીઓએ બુધવારે દૂધ નહીં આવે તેવી પણ ઘણા લોકોને જાણ કરી હતી. બહાર ચા પીને દિવસ શરૂ કરતા અનેક લોકો આજે ચા શોધતા નજરે પડયા હતા. અમુક પાર્લર સવારમાં દૂધ વેંચ્યુ હતું. બાદમાં ભયના કારણે કેબીનો બંધ થઇ ગઇ હતી તો ચાના ઘણા ગલ્લા, દુકાનો ખુલ્યા બાદ બંધ કરાવાયા હતા.

ભાવનગર
બુધવારે માલધારીઓ દ્વારા એક દિવસ માટે દૂધ વિતરણ બંધ રાખવાનું હોવાથી ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે જ અમૂલ પાર્લરોમાં અમુલ તાજા અને અમુલ ટી ફેશિયલ જેવી બ્રાન્ડ ની દૂધની થેલી લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી. તો કેટલા કે પોતાના કાયમી દૂધવાળા પાસે દ્વારા ગઈકાલે દૂધનો વધુ સ્ટોક લઈ લીધો હતો.ભાવનગરમાં ગઈકાલે મોડીરાત સુધી દૂધ લેવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.

મોરબી
ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો છે અને આજે તા.21 ના રોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ નહીં કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાના માલધારીઓ પણ જોડાયા છે અને આજે જીલ્લામાં અંદાજે 400થી વધુ ચાની લારી હોટલો બંધ રાખવામા આવી છે અને આજે ઘરે ઘરે કે સહકારી અથવા તો ખાનગી ડેરીમાં દૂધ આપવા માટે કોઈ ગયું નથી તેવું ગુજરાત માલધારી મહા પંચાયતના મોરબી જિલ્લાના ક્ધવીનરે જણાવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે જે કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે, ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપવામાં આવે, વાડા કાયદેસર કરવામાં આવે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તે સહિત 11 માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં પણ માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા માલધારીઓને સમજાવીને સહકાર આપવા માટે અગાઉ કહેવામા આવ્યું હતુ જેથી આજે મોરબી જીલ્લામાં કોઈ માલધારી કોઈપણ જગ્યાએ દૂધ આપવા માટે ગયા નથી

અંદાજે 400થી વધુ ચાની લારી હોટલો બંધ રાખવામા આવી છે અને આજે ઘરે ઘરે કે સહકારી અથવા તો ખાનગી ડેરીમાં દૂધ આપવા માટે કોઈ માલધારી કે પશુપાલક ગયેલ નથી જેથી કરીને બે લાખ લિટર કરતાં વધુ દૂધ આજે મોરબી જીલ્લામાં કોઈને આપવામાં આવ્યું નથી આટલું જ નહીં રાજકોટથી અમુલ દૂધની બે ગાડી મોરબી આવી રહી હતી તે પૈકીની એક ગાડીને લજાઈ પાસે અને બીજી ગાડીને શનાળા પાસે રોકીને સમજાવીને પછી રવાના કરવામાં આવી હતી આવી જ રીતે સુરેન્દ્રનગર બાજુથી એક દૂધની ગાડી મોરબી આવી રહી હતી તેને ધૂટું પાસે રોકીને સમજાવીને પછી મોકલવામાં આવી છે.

જુનાગઢ
માલધારી સમાજની લાંબા સમયની માંગણીઓનો કોઇ નિર્ણય નહીં આવતા આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધના એલાનને લઇને દૂધની તમામ ડેરીઓ, દૂધની દુકાનો, દૂધના ફેરીયાઓએ સદંતર બંધ પાળ્યો છે. આજના બંધના એલાનને સફળ બનાવવા માલધારી સમાજ દ્વારા એકત્રીત થઇને દૂધ આપતા ફેરીયાઓ, દૂધની ડેરીઓને સદંતર બંધ રાખવા નુરોધ કરતા આજે તમામ દૂધના ધંધાર્થીઓએ સંપૂર્ણપણે બંધ પાળ્યો છે.

આજે સવારે મોટરસાયકલ ટેમ્પા, રીક્ષામાં દૂધ લઇને ઘરે ઘરે પહોંચાડતા ફેરીયાઓએ પોતાના ધંધા બંધ કરી બંધને ટેકો જાહેર કરતા અસંખ્ય પરિવારો વહેલી સવારથી દૂધ લેવા રોડ પર જોવા મળતા હતા. જોકે ધંધાર્થીઓએ ગત મોડી રાત સુધી દૂધ ઘરે ઘરે પહોંચાડવા જોવા મળતા હતા. આજે ચા, દૂધની દુકાનોએ પણ બંધમાં જોડાઇને બંધ પાળ્યો છે. સોસાયટી, વિસ્તારોમાં કયાય કયાય ચાની લારીઓ દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે.

અમરેલી
આજે પશુપાલકો દ્વારા ઢોર નિમયંત્રણ કાયદાના વિરોધમાં દૂધ પુરવઠો અટકાવી દેવાની જાહેરાતના પગલે આજે સવારથી દૂધ વેંચતા ફેરીયાઓ દ્વારા દૂધ વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ દૂધની ખેંચ જોવા મળી રહી છે. તો બીજી તરફ અમરેલી શહેરમાં કેટલાકની સ્ટોલ રાબેતા મુજબ શરૂ રહેવા પામેલ છે. તો કેટલાક ટી સ્ટોલ આ બંધમાં જોડાયા છે. જોકે આ લખાય છે ત્યારે અમરેલી શહેરમાં જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement