ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ એ આપી સરપ્રાઈઝ: ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી

21 September 2022 12:02 PM
Entertainment India
  • ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ એ આપી સરપ્રાઈઝ: ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી

♦ ગુજરાતી ફિલ્મ જગત માટે ગૌરવની ઘટના

♦ દિગ્ગજ ડિરેકટર રાજામૌલીની ભવ્ય ફિલ્મ ‘આરઆરઆર’ ઉપરાંત ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની ઓસ્કારમાં નોમિનેશનની અપેક્ષાએ ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ એ નોમિનેશન મેળવ્યુ

મુંબઈ: ભારતીય સિનેમાની કઈ ફિલ્મ આ વર્ષે ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તે અંગે છેલ્લા બે મહિનાથી અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે. ઓસ્કારની રેસમાં સૌથી આગળ એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સૌથી આગળ છે તેમ મનાતું હતું અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ ભારત તરફથી ઓસ્કાર એન્ટ્રી બની શકે છે અને તેનું નામ પણ ચર્ચામાં હોવાનું સામે આવ્યું હતું પરંતુ બધી જ ચર્ચાઓ અને સોશિયલ મીડીયા પર મનગમતી ફિલ્મને ઓસ્કારમાં પહોંચાડવા માટે ચાલી રહેલા હેશટેગ ટ્રેન્ડ વચ્ચે ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) એ બેક ડોર એન્ટ્રી કરી, સૌને ચોંકાવી દીધા છે.

‘લાસ્ટ ફિલ્મ શો’ ફિલ્મને ભારત તરફથી આગામી વર્ષે 2023માં યોજાનાર 95માં ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં મોકલવામાં આવશે. મૂળ ગુજરાતીમાં બનેલી આ ફિલ્મ હજુ થીયેટર્સમાં રિલીઝ થઈ નથી અને ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપુરે આ ફિલ્મને થીયેટર્સમાં રિલીઝ કરવાનું બીડું ઝડપ્યું છે અને આ ફિલ્મ ગુજરાત સહિત દેશભરના સિનેમાઘરોમાં આગામી 14 ઓકટોબરે રીલીઝ થઈ રહી છે. લાસ્ટ ફિલ્મ શો દુનિયાના અનેક પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ જીતી દર્શકોનો પ્રેમ મેળવી ચૂકી છે. આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ સૌરાષ્ટ્રમાં જ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના નિર્માણમાં રોય કપુર ફિલ્મ્સ, જુગાડ મીશન પિકચર્સ, મોનસુન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડયુઅલ જેવી ફિલ્મ પ્રોડકશન હાઉસ જોડાયેલા છે.આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે અને ફિલ્મની સાથે ફિલ્મના એકટર્સે પણ દુનિયાભરના દર્શકોની વાહવાહી લુંટી છે.

આ ફિલ્મ 9 વર્ષના એક બાળકના જીવન પર આધારીત છે. જે ભારતના એક ગામડામાં રહે છે અને તે સિનેમા પ્રત્યે રુચિ ધરાવે છે તેમજ તેને જોવા માટે ઉત્સુક છે. તેમાં નિષ્ફળતાં મળતાં પ્રોજેકશનના સહારે મુવી જોવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મનું ટ્રેલર લગભગ એક વર્ષથી વધુ સમય પહેલા યુ ટયુબ પર રિલીઝ થઈ ચૂકયું છે અને તેને એક લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. પરંતુ ફિલ્મનું ઓસ્કારની ઓફીશીયલ એન્ટ્રી તરીકે સિલેકશન થતાં તેના વિશે સિનેપ્રેમીઓમાં ઉત્સુકતા વધી છે.

‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) ભારત તરફથી ઓસ્કારની ઓફીશીયલ એન્ટ્રી બનવા પર ખુશી વ્યક્ત કરતા પાન નલિને કહ્યું હતું કે, મેં કોઈ દિવસ વિચાર્યું ન હતું કે આવો પણ કોઈ દિવસ આવશે. આ ફિલ્મને સમગ્ર દુનિયામાંથી પ્રેમ મળ્યો છે પરંતુ હું વિચારી રહ્યો હતો કે, ભારતમાં આ ફિલ્મને કેવી રીતે લેવામાં આવશે? હું આ સમાચારથી ખુબ જ ખુશ છું કે, અમારી ફિલ્મ ભારત તરફથી ઓસ્કારમાં જઈ રહી છે અને તેના માટે હું ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને જયુરીનો આભારી છું.


Related News

Loading...
Advertisement
Advertisement